પોરબંદર ખાતે પ્રથમ વખત શ્રીમદ્ બાળભાગવત સપ્તાહનું ઐતિહાસિક આયોજન

75 મુખ્ય પોથી યજમાન છે 3 થી 13 વર્ષના બાળકો:પોકેટમની માંથી આપી છે રકમ

પોરબંદર ખાતે પ્રથમ વખત શ્રીમદ બાળ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં 75 જેટલા બાળકો પોથી યજમાન છે અને તેઓએ પોકેટમનીમાંથી બચાવેલી રકમ અર્પણ કરી છે.
દેવાધિદેવ મહાદેવ તથા માં આધ્યશક્તિ મહાકાળી માતાની અસીમ કૃપાથી તથા ભગવાન દ્વારકાધીશના આશીર્વાદથી સમગ્ર ગુજરાતમાં પ્રથમ વાર એવી પોરબંદરના આંગણે શ્રીમદ બાળ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન સ્વસ્તિક ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા માધુરીબેન ગોસ્વામીના વ્યાસાસને થવા જઈ રહ્યું છે.સ્વસ્તિક ગ્રુપ પોરબંદર દ્વારા માધુરીબેન ગોસ્વામીજીના આશીર્વાદથી પવિત્ર પુરૂષોત્તમ માસમાં સૌપ્રથમ વાર નાના બાળકોના મુખ્ય યજમાન પદે ઐતિહાસિક સમુહ શ્રીમદ બાળ ભાગવત સપ્તાહનું આયોજન આગામી 25મે થી થઈ રહ્યું છે.
આ બાળ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની ખાસિયત એ છે કે તેમાં 75 મુખ્ય પોથી યજમાનો છે ને તે તમામે તમામ 75 મુખ્ય પોથી યજમાનો નાના બાળકો છે અને આ બાળકોની ઉંમર 3 વર્ષથી લઈ અને 13 વર્ષ સુધીની છે.આ પોથી યજમાન થવા માટેની ન્યોછાવર રકમ પણ બાળકોએ પોતાની પોકેટ મનીમાંથી આપેલી છે. આ બાળ ભાગવત સપ્તાહમાં આવતા તમામ પ્રસંગો જેવા કે શિવ વિવાહ, શ્રી રામ પ્રાગટ્ય, વામનજી પ્રાગટ્ય, શ્રી કૃષ્ણ જન્મોત્સવ કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ મહોત્સવ જેવા પ્રસંગો બાળકો દ્વારા જ ઉજવવામાં આવશે અને બાળકો દ્વારા જ વેશભૂષા કરી અને એ જીવન ચરિત્રો કથા દરમિયાન આબેહૂબ સજીવન કરવામાં આવશે.આ શ્રીમદ બાળ ભાગવત સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્ર નવ નિર્માણ તથા સનાતન ધર્મ પ્રત્યે આપણા બાળકો જાગૃત થાય તે માટે કરવામાં આવી રહ્યો છે. આજના સમયમાં સૌથી મોટી સમસ્યા એ ડિપ્રેશન અને તેના કારણે આત્મહત્યા તરફ વળતા બાળકોને યોગ્ય દિશા અને જ્ઞાન મળે તે છે.ખાસ માધુરીબેન ગોસ્વામીજી દ્વારા આ ભાગવતજી ને સંપૂર્ણ વૈજ્ઞાનિક અર્થ સાથે જોડીને સમજાવવામાં આવશે જેથી બાળકો સમજી શકે એ રીતે સરળ ભાષા શૈલીથી કરવામાં આવી રહી છે.આ ઐતિહાસિક બાળ ભાગવત સપ્તાહનો પ્રારંભ તા.25.5.2026 ને સોમવારથી થશે અને જેનો વિરામ તા.31.5.2026 ને રવિવારના રોજ થશે.આ વૈજ્ઞાનિક ભાગવત કથાનું સ્થળ શ્રી રત્નસાગર હોલ પોરબંદર છે.કથા સમય બપોરે 3:30 થી 6:30 સુધીનો રહેશે.
આ ભાગવત કથા ની પોથી યાત્રા તા.25/5 અને સોમવારના રોજ ભૂતનાથ મહાદેવના મંદિરેથી 51 કળશધારી ક્ધયાઓ સાથે પોરબંદરના રાજમાર્ગ ઉપર નીકળશે.આ કથા દરમિયાન રુક્ષ્મણી વિવાહ મહોત્સવ નિમિત્તે એક જરૂરીયાતમંદ પરિવારની દીકરીના લગ્ન પણ સ્વસ્તિક ગ્રુપ પોરબંદર દ્વારા કરાવી આપવામાં આવશે. તે ઉપરાંત કથાના છેલ્લા દિવસે થેલેસેમિયા પીડીત બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવેલ છે જેનો સમય સવારે 10:00 થી સાંજના 8:00 વાગ્યા સુધીનો છે જેમાં જે રક્ત એકત્રિત થશે તે થેલેસેમિયા પીડીત બાળકોને આપવામાં આવશે.
સ્વસ્તિક ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા તમામ જાહેર જનતાને આ ઐતિહાસિક શ્રીમદ બાળ ભાગવત જ્ઞાનયજ્ઞનુ જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે અને આ ઐતિહાસિક કથાનો લાભ લેવા સર્વે સનાતનીઓને આમંત્રિત કરવામાં આવે છે.આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સ્વસ્તિક ગ્રુપ પોરબંદરના સ્થાપક પ્રમુખ એવા વિનેશભાઈ ગોસ્વામી અને તેની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ