સ્વપ્રસિદ્ધિ માટેના કોઈ મુદ્દાઓ બાકી રહ્યા નહી હોવાથી ડિવાઇડરના વૃક્ષોના ઉછેરની પણ કરાવે છે પબ્લિસિટી!
પોરબંદર મહાનગરપાલિકાનું તંત્ર વૃક્ષોને પાણી પીવડાવે છે તેમાં પણ ફોટોસેશન કરીને પ્રસિદ્ધિ મેળવી રહ્યું છે વિકાસના કોઈ જ મુદ્દાઓ મ.ન.પા. પાસે નથી તેથી આ પ્રકારની પ્રસિદ્ધિ થઈ રહી હોવાનું પ્રજાજનો માની રહ્યા છે.
પોરબંદર શહેરને વધુ હરિયાળું, સ્વચ્છ અને પર્યાવરણમૈત્રી બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.આ અંતર્ગત શહેરના મુખ્ય અને વ્યસ્ત એવા એમ.જી. રોડ પર માર્ગની વચ્ચે આવેલા ડિવાઇડરમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.ઉનાળાની તીવ્ર ગરમી અને તડકામાં પણ વૃક્ષોનો યોગ્ય રીતે વિકાસ થાય અને તે સુકાઈ ન જાય તે માટે મહાનગરપાલિકા દ્વારા નિયમિત રીતે પાણી પાવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા નિશ્ચિત આયોજન સાથે વૃક્ષોની દેખરેખ રાખવામાં આવી રહી છે જેથી વાવેલા વૃક્ષો સજીવ રહી ભવિષ્યમાં શહેરને હરિયાળી અને શુદ્ધ હવા પ્રદાન કરી શકે. શહેરના સૌંદર્યમાં વધારો થાય, પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે તેમજ નાગરિકોને સ્વચ્છ અને હરિયાળું વાતાવરણ મળી રહે તે હેતુસર મહાનગરપાલિકા દ્વારા આ અભિયાનને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.પોરબંદર મહાનગરપાલિકાએ નાગરિકોને પણ પર્યાવરણ જાળવણીના આ પ્રયાસોમાં સહભાગી બનવા અને વૃક્ષોના સંરક્ષણ માટે સહકાર આપવા અનુરોધ કર્યો છે.
