તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ અને રાજકોટની સંજીવની હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે 12 થી વધુ જટિલ સ્કોપી અને 20 થી વધુ ઓપરેશન વિનામુલ્યે કરી અપાશે:પોરબંદર સહિત સૌરાષ્ટ્રના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે સર્જરી અને દુરબીનથી તપાસ થશે નિ:શુલ્ક:સામાજિક સંસ્થાઓની જબરી આરોગ્યલક્ષી સેવા પ્રવૃત્તિને અપાયો આવકાર
પોરબંદર અને રાજકોટની સંસ્થાના સંયુક્ત ઉપક્રમે નાના વર્ગના દર્દીઓ માટે મોટી સેવાનો શુભારંભ થયો છે.
સૌરાષ્ટ્રના ખૂણે-ખૂણામાં વસતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે આજે એક એવો દિવસ ઊગ્યો છે જે તેમના આંસુ લૂછી શકે છે.’દર્દી દેવો ભવ:’ એટલે કે દર્દીને ઈશ્વરનું સ્વરૂપ માનીને તેની સેવા કરવાના પવિત્ર ભાવ સાથે પોરબંદરનું જાણીતું તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ અને રાજકોટની પ્રતિષ્ઠિત સંજીવની હોસ્પિટલ એ હાથ મિલાવ્યા છે.આ બંને સંસ્થાઓએ સાથે મળીને એક એવો અનોખો માનવતાવાદી અભિગમ અપનાવ્યો છે,જે હજારો પરિવારો માટે જીવનદાન સમાન બની રહેશે.આજના મોંઘવારીના યુગમાં જ્યાં એક સામાન્ય તપાસ કરાવતા પણ ગરીબ માણસના ખિસ્સા ખાલી થઈ જાય છે, ત્યાં આ બંને સંસ્થાઓએ દૂરબીનથી થતી 12 થી વધુ જટિલ અને ખર્ચાળ તપાસો તેમજ 20 થી વધુ પ્રકારના મોટા-નાના ઓપરેશનો તદ્દન મફત કરી આપવાનો સંકલ્પ કર્યો છે.આ સેવા યજ્ઞ સૌરાષ્ટ્રના છેવાડાના ગામડાથી લઈને શહેરમાં વસતા દરેક જરૂરીયાતમંદ દર્દી માટે આશાનું એક નવું કિરણ લઈને આવ્યો છે.
મફત થતી તપાસોની સંપુર્ણ યાદી
એક ગરીબ બાપ માટે પોતાના દીકરાના પેટમાં દુ:ખાવો થાય ત્યારે એન્ડોસ્કોપી કરાવવી એ પણ પહાડ જેવું લાગે. એક માતા માટે પોતાની દીકરીની તકલીફ માટે હિસ્ટરોસ્કોપીનો ખર્ચ કાઢવો મુશ્કેલ બને. પણ હવે આ ચિંતા કરવાની જરૂર નથી. આ સેવા પ્રોજેક્ટ અંતર્ગત હોસ્પિટલ ખાતે દૂરબીનથી થતી તમામ મુખ્ય અને અતિ આધુનિક તપાસો વિનામુલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે.જેમાં લેપ્રોસ્કોપી એટલે પેટના અંદરના ભાગની દૂરબીનથી તપાસ, હિસ્ટરોસ્કોપી એટલે ગર્ભાશયની તપાસ, બ્રોન્કોસ્કોપી એટલે ફેફસાંની નળીની તપાસ, લેરિંગોસ્કોપી એટલે ગળાની તપાસ, સિસ્ટોસ્કોપી એટલે મૂત્રાશયની તપાસ, નાસલ સ્કોપી એટલે નાકની અંદરની તપાસ, એન્ડોસ્કોપી એટલે અન્નનળી અને હોજરીની તપાસ, રાયનોસ્કોપી એટલે નાક-કાન-ગળાની ઝીણવટભરી તપાસ, કોલોનોસ્કોપી એટલે મોટા આંતરડાની તપાસ, ઈયર ઈન્ડોસ્કોપી એટલે કાનની અંદરની તપાસ, ડરમોસ્કોપી એટલે ચામડીના રોગોની તપાસ, તેમજ સિગમો ઇડોસ્કોપી એટલે ગુદા અને આંતરડાના છેડાની તપાસનો સમાવેશ થાય છે. આ 12 થી વધુ જટિલ તપાસો જેના માટે સામાન્ય રીતે હજારો રૂપિયા ખર્ચવા પડતા, તે હવે એક પણ રૂપિયાના ચાર્જ વિના થઈ શકશે.
હરસ-મસાથી લઈને પ્રસૂતિ સુધીની સર્જરી નિ:શુલ્ક
ગામડાના એક સામાન્ય ખેડુતને હરનીયા કે પથરીનું ઓપરેશન કરાવવું હોય તો જમીન ગીરવે મુકવી પડે તેવી સ્થિતિ હોય છે. એક મજુર માતા માટે સિઝેરિયન પ્રસૂતિનો ખર્ચ પહાડ જેવો લાગે.પરંતુ આ માનવતાના મહાયજ્ઞમાં તપાસની સાથે સાથે અતિ આધુનિક દૂરબીન પદ્ધતિ અને સર્જરી દ્વારા થતા વિવિધ ઓપરેશનો પણ તદ્દન મફત કરી આપવામાં આવશે.આમાં હરસ, મસા, ભગંદર, પીલો નાઇડલ સાઇનસ જેવા પીડાદાયક રોગોના ઓપરેશન, હરનીયા, એપેન્ડીશ, પિત્તાશયની પથરી, આંતરડાના ઓપરેશન જેવી મોટી સર્જરી, રસોલી, ચામડીના મસા, અંગૂઠાનો વધતો નખ, પગની કપાસી જેવી નાની પણ ત્રાસદાયક તકલીફોના ઓપરેશન, વધરાવળ (હાઇડ્રોસીલ), પેશાબની વધતી ચામડીનું ઓપરેશન જેવી પુરૂષોની સમસ્યા, સ્તનની ગાંઠ, ચરબીની ગાંઠ તેમજ કાનની બુટ્ટી સાંધવાનું ઓપરેશન સામેલ છે.ખાસ કરીને માતા-બહેનો માટે તો આ સેવા આશીર્વાદરૂપ બની રહેશે. કારણ કે આમાં નોર્મલ તેમજ સિઝેરિયન પ્રસૂતિ, ગર્ભાશયનું દૂરબીનથી ઓપરેશન અને અંડાશય-ટ્યુબના દૂરબીનથી થતા ઓપરેશનો પણ વિનામુલ્યે કરી આપવામાં આવશે. એક માતા માટે તેના બાળકનો જન્મ એ દુનિયાનો સૌથી મોટો આનંદ છે, અને આ આનંદને આર્થિક ચિંતાથી દૂર રાખવાનો આ સંસ્થાઓએ સંકલ્પ કર્યો છે.
સેવામાં પારદર્શિતા
ટ્રસ્ટ અને હોસ્પિટલ દ્વારા અપાતી આ સેવામાં સંપૂર્ણ પારદર્શિતા રાખવામાં આવી છે. સંસ્થા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ઓપરેશન કે દૂરબીન તપાસનો કોઈ પણ પ્રકારનો સર્જિકલ ચાર્જ કે ડોક્ટર ફી દર્દીઓ પાસેથી લેવામાં આવશે નહીં.એટલે કે ડોક્ટરની ફી, ઓપરેશન થિયેટર ચાર્જ, સર્જનની ફી જેવો એક પણ રૂપિયો દર્દીને ચૂકવવો પડશે નહીં.
જો કે, દર્દીઓની જાણ માટે એ સ્પષ્ટતા કરવી જરૂરી છે કે ઓપરેશન દરમિયાન વપરાતી દવાઓ, એનેસ્થેસિયા એટલે કે બેભાન કરવાનો ખર્ચ અને લેબોરેટરીના જરૂરી રિપોર્ટનો જે વાસ્તવિક ચાર્જ થતો હશે, તે દર્દીએ પોતે ચૂકવવાનો રહેશે. આ સિવાય બીજો કોઈ ખર્ચ દર્દીના માથે આવશે નહીં. આ સ્પષ્ટતાનો હેતુ માત્ર એટલો જ છે કે સેવામાં કોઈ ગેરસમજ ન રહે અને દર્દી સંપુર્ણ વિશ્વાસ સાથે સારવાર કરાવી શકે.
પોરબંદરથી રાજકોટ સુધી સેવાની સાંકળ ગૂંથાશે
આ સેવાયજ્ઞની એક ખાસ વાત એ છે કે દર્દીઓને ધરમધક્કા ન ખાવા પડે તેની પૂરતી કાળજી લેવામાં આવી છે.સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે પોરબંદરમાં શક્ય હશે તેટલા ઓપરેશન અને તપાસ પોરબંદર ખાતે જ કરી આપવામાં આવશે.જેથી સ્થાનિક દર્દીઓને રાજકોટ સુધી લાંબા થવું ન પડે.પરંતુ જે અતિ જટિલ ઓપરેશન કે તપાસ માટે રાજકોટની સંજીવની હોસ્પિટલની અતિ આધુનિક સુવિધાની જરૂર પડશે, તેવા કિસ્સામાં દર્દીએ રાજકોટ જવાનું રહેશે. આ માટે પણ તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ દ્વારા પૂરતું માર્ગદર્શન અને મદદ પૂરી પાડવામાં આવશે.
માનવતાના મસીહાની કામગીરી કાબિલેદાદ
કોઈપણ સારું કામ કરવા માટે એક સારા વિચારની સાથે-સાથે તેને જમીન પર ઉતારનારા કર્મયોગીઓની જરૂર પડે છે.આ લોકઉપયોગી સેવા પ્રવૃત્તિને સફળ બનાવવા માટે તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટના પ્રમુખ એવા યુવા રિપોર્ટર અશોકભાઈ થાનકી, ઉપપ્રમુખ નિપુલભાઈ પોપટ, મહામંત્રી લલિતભાઈ જોશી, મંત્રી સચિનભાઈ મદલાણી અને પ્રોજેક્ટ ચેરમેન ડોક્ટર અમિત કોરિયા દિવસ-રાત મહેનત કરી રહ્યા છે.આ સાથે જ રાજકોટ સંજીવની હોસ્પિટલના ડો.કુલદીપ દુધાત્રા સહિતની સમગ્ર તબીબી ટીમ પણ આ સેવા યજ્ઞમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહી છે. આ બધા જ મહાનુભાવોનો એક જ હેતુ છે કે,સૌરાષ્ટ્રનો એક પણ ગરીબ દર્દી પૈસાના અભાવે સારવાર વિના ન રહી જાય.
સૌરાષ્ટ્રની જનતાને અપીલ
તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ અને સંજીવની હોસ્પિટલના પદાધિકારીઓ દ્વારા સૌરાષ્ટ્રની સમગ્ર જનતાને અપીલ કરવામાં આવી છે કે,જે કોઈ ભાઈ-બહેનને ઉપરોક્ત તપાસ કે ઓપરેશનની જરૂરીયાત હોય, તેઓ નિ:સંકોચ રીતે આ નિ:શુલ્ક તબીબી સેવાનો મહત્તમ લાભ લે.તમારી એક જાગૃતિ કોઈના જીવનમાં ઉજાસ પાથરી શકે છે.
આપની આસપાસમાં જો કોઈ એવો દર્દી હોય જે આર્થિક સંકડામણને કારણે સારવાર કરાવી શકતો ન હોય, તો તેના સુધી આ માહિતી જરૂર પહોંચાડજો. કારણ કે ’દર્દી દેવો ભવ:’ એ માત્ર સુત્ર નથી, પણ એક સંકલ્પ છે.અને આ સંકલ્પને સિદ્ધ કરવા માટે આપ સૌનો સાથ જરૂરી છે.
સંપર્ક કેવી રીતે કરશો?
આ સેવાનો લાભ લેવા માટે દર્દીઓએ તપસ્વી ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટ, પોરબંદર નો સંપર્ક કરવાનો રહેશે.વધુ માહિતી માટે મો.નં.9558515120 ઉપર સંપર્ક કરવા માટે યાદી પાઠવવામાં આવી છે.
