કેશવ ગામની સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતના એકના એક દીકરાના અપમૃત્યુથી પરિવાર ઉપર થયો વજ્રઘાત: ડ્રાઇવર તરીકેની ફરજ નહીં નિભાવીને નાસી જનાર સામે થઈ ફરિયાદ
પોરબંદરના પાલખડા નજીક ફૂલ સ્પીડ ટ્રક ચલાવતા ઇસમે બાઇકને ઠોકર મારતા કેશવ ની સીમ વિસ્તારમાં રહેતા યુવાનનું કરુણ મોત થયું હતું, વધુ કરુણતા એ હતી કે મૃતક યુવાન તેના માતા-પિતાનું એક જ સંતાન હતું. કેશવ ગામની તુંગડી સીમ વિસ્તારમાં રહેતા અને ખેતી કામ કરતા રામદેભાઈ નાથાભાઈ કેશવાલા નામના યુવાને બગવદર પોલીસ મથકમાં તેમના એકના એક પુત્ર નિલેશ (ઉંમર વર્ષ 19) ના વાહન અકસ્માતે મોત અંગે ગુનો દાખલ કરાવ્યો છે.
જેમાં રામદેભાઈ કેશવાલા એ જણાવ્યું છે કે તેનો દીકરો નિલેશ છેલ્લા 15 દિવસથી પાલખડા ગામે પ્રતાપભાઈ કેશવાલાના આઝાદ વે બ્રિજમાં કામ કરવા જતો હતો. તેથી તેનું બાઈક લઈને જતો હતો ત્યારે સૌરાષ્ટ્ર વે બ્રિજ ના જુના કાંટાની બાજુમાં રોડ ઉપર પહોંચ્યો ત્યારે ફુલ સ્પીડે ટ્રક લઈને આવતા ચાલકે અચાનક રોડ ક્રોસ કરી નિલેશના બાઈક સાથે ટ્રક અથડાવ્યો હતો જેમાં નિલેશને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેથી તેને પ્રતાપભાઈ કેશવાલા ની કારમાં પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.અને ઈજા પહોંચતા તેનું મૃત્યુ થયું હતું. ભાવસિંહજી હોસ્પિટલ ખાતે પીએમ ની કાર્યવાહી થઈ હતી અને ત્યારબાદ અજાણ્યા ટ્રક ચાલક સામે ગુમ્હો દાખલ કર્યો છે જેમાં પિતા રામદેભાઈ કેશવાલાએ બે ફિકરાઈથી ટ્રક ચલાવીને નિલેશનું મોત નીપજાવીને ડ્રાઇવર તરીકેની ફરજ નહીં નિભાવીને નાસી જનાર અજાણ્યા ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
