પોરબંદર તથા તેના સરહદી જિલ્લાઓમાં આવેલ રકાબી આકારના ઘેડ પ્રદેશની અનેક વિશેષતા: વિશિષ્ટ કુદરતી રચના, ઉપજાઉ જમીન અને અનોખુ સૌન્દર્ય ધરાવતા વિસ્તારના લોકો પરિસ્થિતિને અનુરૂપ થઇને જીવે છે જીવન
પોરબંદર તથા તેના સરહદી જિલ્લાઓમાં આવેલ રકાબી આકારના ઘેડ પ્રદેશની અનેક વિશેષતાઓ છે અને વિશિષ્ટ કુદરતી રચના, ઉપજાઉ જમીન અને અનોખુ સૌન્દર્ય ધરાવતા વિસ્તારના લોકો પરિસ્થિતિને અનુરૂપ થઇને જીવન જીવે છે ત્યારે તેના વિષેની કેટલીક માહિતી અત્રે પ્રસ્તુત છે. એડવોકેટ જયસુખ કુછડીયાએ જણાવ્યુ હતુ કે ‘ઘેડ’ શબ્દનો અર્થ જ પાણી ભરાઇ રહે તેવો પ્રદેશ થાય છે. ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો ઘેડ પ્રદેશ પોતાની અનોખી ભૂગોળ અને કુદરતી રચના માટે ઓળખાય છે. આ પ્રદેશ ખાસ કરીને સૌરાષ્ટ્રના પોરબંદર અને જૂનાગઢ જિલ્લાના ભાગો સાથે વધુ સંકળાયેલો છે. ઘેડ પ્રદેશનો ઉલ્લેખ ઇતિહાસમાં આશરે 13મી સદીમાં થયો હોવાનો જુનાગઢના ઇતિહાસકાર શંભુપ્રસાદ દેસાઇ પોતાના ચોપડે નોંધે છે.
ઘેડપ્રદેશનો આકાર રકાબી જેવો હોવાથી તેને વિશેષ ઉપમા આપવામાં આવે છ. ‘ઘેડ’ શબ્દનો અર્થ જ પાણી ભરાઇ રહે તેવો પ્રદેશ થાય છે. રકાબી એટલે વચ્ચે નીચો અને ચારેય બાજુથી થોડોક ઉપસેલો ભાગ. ઘેડ પ્રદેશની જમીન પણ એવી જ છે. વરસાદના સમયમાં આજુબાજુના ઉંચા વિસ્તારોમાંથી પાણી આવીને ઘેડપ્રદેશમાં ભરાઇ જાય છે. તેથી અહી ઘણા દિવસો સુધી પાણી ભરાયેલુ રહે છે. આ કારણસર આ વિસ્તાર વરસાદી ઋતુમાં ઘેડના અમુક ગામ તો દૂરથી એક ટાપુ જેવું સ્વરૂપ ધારણ કરે છે. ઘેડ પ્રદેશની જમીન કાળી અને કાંપવાળી હોવાથી ખૂબજ ઉપજાઉ છે. ઉપરાંત સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન ગણાતી અને ખાસ કરીને ઘેડ પંથકમાં મોખરાનું સ્થાન ધરાવતી ભાદર નદીનું પાણી ચારે બાજુ ફરી વળવાથી ખેડૂતોના ઉભા પાકને ભારે નુકશાન થાય છે. પરંતુ અહીંયા આ પ્રદેશમાં પાણી લાંબા સમય સુધી ભર્યુ રહેવાના કારણે આ વિસ્તાર ભારે ફળદ્રુપ છે. પાણી ઉતરી જાય પછી અહી ખેડૂતો ચણા અને જુવારના મબલક વાવેતરો કરે છે. અહીના લોકો સાદા, મહેનતુ અને સહનશીલ છે. વરસાદી મુશ્કેલીઓ છતા લોકો આનંદ અને ઉત્સાહથી પશુપાલન આધારિત જીવન જીવે છે. લોકગીતો, દુહાઓ અને પરંપરાગત સંસ્કૃતિમાં ઘેડપ્રદેશની છાપ સ્પષ્ટ જોવા મળે છે. ઘેડપ્રદેશમાં વિવિધ પ્રકારના પક્ષીઓ પણ જોવા મળે છે, જેના કારણે આ વિસ્તાર કુદરતી સૌન્દર્યથી ભરપૂર લાગે છે. ઘેડપ્રદેશનું જીવન વરસાદ સાથે જોડાયેલું છે. વધુ વરસાદ પડે પાણી ભરાય જાય છે. પાણીના કારણે રસ્તાઓ બંધ થ જાય છે અને લોકોનો સંપર્ક પણ મર્યાદિત બની જાય છે. તેમજ ઓછો વરસાદ પડે તો ખેતી ઉપર અસર થાય! છતાં અહીના લોકો પરિસ્થિતિને અનુરૂપ થઇને વર્ષોથી જીવન જીવતા આવ્યા છે.
રકાબી જેવડો ઘેડ સોરઠનું ઘરેણું, જ્યાં વરસાદી વરદાન,
ઘેડતણા દિલાવર માનવીઓથી ઝળહળતું ઘેડનું મેદાન
આમ આ રીતે ઘેડપ્રદેશનો રકાબી જેવો આકર તેની વિશેષ ઓળખ છે. કુદરતની રચના, ઉપજાઉ જમીન અને અનોખું સૌંદર્ય ઘેડ પ્રદેશને સૌરાષ્ટ્રનો મહત્વપૂર્ણ વિસ્તાર બનાવે છે. તેમ એડવોકેટ જયસુખ કુછડીયાએ જણાવ્યુ છે.
