મહાનગરપાલિકાની કચેરીથી થોડે દૂર લોહાણા બાળાશ્રમ પાસે નવી કચરાપેટી મૂકવા થઈ માંગ
પોરબંદરના લોહાણા બાળ આશ્રમ પાસે તૂટી ગયેલી કચરાપેટી ગંદકી ફેલાવી રહી છે તેથી નવી કચરાપેટી મૂકવા માંગ થઈ છે.
નટવરસિંહજી ક્લબ થી રેલવે સ્ટેશન તરફ જતા મુખ્ય રસ્તા પર લોહાણા બાળાશ્રમની સામે ફૂટપાથ ઉપર મુકવામાં આવેલી કચરાપેટી છેલ્લા ઘણા સમયથી તૂટેલી હાલતમાં છે. કચરાપેટી તૂટી ગઈ હોવાથી તેમાં નાખવામાં આવતો કચરો પવનના કારણે બહાર ઉડીને આખા રસ્તા પર ફેલાઈ રહ્યો છે.આ મુખ્ય રસ્તા પરથી દરરોજ હજારો વાહનચાલકો અને રાહદારીઓ પસાર થતા હોય છે. રેલવે સ્ટેશને જવા માટે પણ આ મુખ્ય માર્ગ છે. તૂટેલી કચરાપેટીના કારણે કચરો રસ્તા પર ફેલાતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે અને દુર્ગંધ પણ ફેલાય છે. આ ઉપરાંત ઉડતા કચરાના કારણે વાહનચાલકોને પણ મુશ્કેલી પડે છે.
જાગૃત નાગરિક અશોક કુન્ડલીયા દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે મુખ્ય રસ્તા પર જ આવી તૂટેલી કચરાપેટી શહેરની શોભાને ઝાંખી પાડે છે. તંત્ર દ્વારા તાત્કાલિક આ તૂટેલી કચરાપેટી બદલીને નવી કચરાપેટી મૂકવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગે આ બાબતે તાત્કાલિક ધ્યાન આપી તૂટેલી કચરાપેટી બદલવાની કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠી છે.
