માછીમારોના વેકેશન દરમિયાન એક્ટિવ બનતા તસ્કરો સામે કાર્યવાહી કરો

પુરતા પ્રમાણમાં લાઈટની સુવિધા નહી હોવાથી નાની મોટી ચોરીના બનાવોને અટકાવવા પુરતી સગવડ કરવી અનિવાર્ય: ખારવા જ્ઞાતિના પુર્વ પટેલ દ્વારા થઈ રજુઆત

પોરબંદરમાં માછીમારોના વેકેશન દરમિયાન સુભાષનગર અને બંદર વિસ્તારમાં ચોરીના અનેક બનાવો બનતા હોય છે તેથી તેને અટકાવવા માટે રજુઆત થઈ છે.
ખારવા સમાજના પુર્વ પટેલ અને સામાજિક અગ્રણી બાવન કાના બાદરશાહીએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,સરકારના પરિપત્ર મુજબ દર વર્ષની જેમ આગામી 1 જુનથી માછીમારી સીઝન બંધ થવાની હોવાથી હાલ બંદર વિસ્તારમાં મોટાભાગની બોટો સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે.રાત્રિના સમયમાં અસ્માવતી ઘાટથી લઈને જુના બંદર,જુની એસ.એસ.સી. ફેક્ટરી વિસ્તાર, લકડીબંદર, બાપા સીતારામ રોડ, ફિશરીઝ હાર્બર વિસ્તાર તેમજ સુભાષનગર સુધીનો વિસ્તાર સુમસામ બની જતો હોવાથી ચોરીના બનાવોમાં વધારો થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.આ અંગે પુર્વ પટેલ સમસ્ત ખારવા જ્ઞાતિ પોરબંદરના પૂર્વ પટેલ અને સામાજિક કાર્યકર્તા બાવન કાના બાદશાહીએ પોલીસ તંત્રને રજુઆત કરી છે કે,બંદર વિસ્તારમાં રાત્રિના સમયે લાઇટોની અછત હોવાના કારણે બોટો, માછીમારોના દંગા, ગોડાઉન અને અન્ય સ્થળોએથી કિંમતી સામાનની ચોરીના અનેક બનાવો બનતા રહે છે.ચોર તત્વો કિંમતી વસ્તુઓ ચોરી કરીને ભંગારમાં વેચી દેતા હોવાના બનાવો પણ સામે આવ્યા છે.
રજુઆતમાં જણાવાયું છે કે,ખાસ કરીને રાત્રિના 1:00 વાગ્યાથી સવારે 6 વાગ્યા દરમિયાન ચોરીની ઘટનાઓ વધુ પ્રમાણમાં બનતી હોય છે.બંદર વિસ્તારમાં સી.સી.ટી.વી. કેમેરાની પણ પૂરતી વ્યવસ્થા નથી. હાલ સરકાર દ્વારા લગાવવામાં આવેલા સી.સી.ટી.વી. કેમેરા માત્ર સુભાષનગર મરીન પોલીસ ચોકી પાસે અને બોખીરા સ્મશાન રોડ વિસ્તારમાં જ મર્યાદિત હોવાનું જણાવાયું છે.
આગળ જણાવાયું છે કે,થોડા વર્ષો અગાઉ વેરાવળથી મારૂતિ ઈકો ગાડીમાં આવેલા ચોર તત્વોએ બંદર વિસ્તારમાં ચોરી કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો,જોકે ફરીયાદ બાદ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને બંદર વિસ્તાર અને નવી જેટી વિસ્તાર સહિત બાપા સીતારામ રોડથી સુભાષનગર સુધી રાત્રિ પેટ્રોલિંગમાં વધારો કરવાની માંગ ઉઠી છે.માછીમારો અને બોટ માલિકોએ માંગ કરી છે કે રાત્રિના સમયે આવારા અને શંકાસ્પદ તત્વોની પૂછપરછ કરી જરૂરી કાર્યવાહી કરવામાં આવે. ઉપરાંત ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને મત્સ્ય ઉદ્યોગ વિભાગની પણ જવાબદારી નક્કી થવી જોઈએ, કારણ કે બંને વિભાગો બોટ માલિકો તેમજ માછીમાર વેપારીઓ પાસેથી ભાડું અને વિવિધ ચાર્જ વસૂલ કરે છે.તેમ છતાં બંદર વિસ્તારમાં પુરતી લાઇટ વ્યવસ્થા અને સુરક્ષાની સુવિધાનો અભાવ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.
પોરબંદરની અર્થવ્યવસ્થામાં માછીમારો અને માછીમારી ઉદ્યોગનો મહત્વનો ફાળો રહ્યો છે.આ ઉદ્યોગ દ્વારા દેશ-વિદેશમાં વિદેશી ચલણની આવક સાથે લાખો લોકોને રોજગારી પણ પ્રાપ્ત થાય છે. તેથી માછીમારોની સુરક્ષા અને તેમના માલસામાનની રક્ષા માટે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.આ રજુઆતની નકલ બંદર અધિકારી, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ચોપાટી ગ્રાઉન્ડ, પોરબંદર તથા અધિકારી મત્સ્ય ઉદ્યોગ વિભાગ, જૂની કોર્ટ કમ્પાઉન્ડ, પોરબંદરને પણ મોકલવામાં આવી છે.

રિલેટેડ ન્યૂઝ