વીઝાના નામે પોરબંદર સહીતના લોકો સાથે 42.51 લાખની છેતરપિંડી: બે મહિલા સહિત 3 સામે રાવ

ઓસ્ટ્રીયા, જર્મની, નેધરલેન્ડનાં વર્કવીઝાનાં નામે રોકડી કરી લેતા હતા

પોરબંદર જિલ્લામાંથી વિદેશ મોકલવાના નામે ચીટીંગનું વધુ એક કૌભાંડ બહાર આવ્યુ: પોરબંદર સહિત આજુબાજુના જિલ્લાના 42 લોકોને વડોદરાની રીધ્ધમ ઇમીગ્રેશન પેઢી ચલાવતી બે મહિલા સહિત સહિત ત્રણ ઇસમોએ ચોપડયો ચુનો: અસંખ્ય બનાવો બનતા હોવા છતાં જિલ્લાના નાગરિકોમાં જાગૃતતા આવી નહી
પોરબંદર જિલ્લામાંથી વિદેશ જવાના નામે ખૂબ મોટા પાયે છેતરપીંડી થઇ રહી છે અને અસંખ્ય લોકો મરણમુડી ગુમાવી રહ્યા છે તો ઘણા ઉછીના ઉધારા કરીને પણ વિદેશ જવા માટે પ્રયત્નો કરે છે પરંતુ અંતે તો ચીટીંગ થતુ જોવા મળ્યુ છે તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પોરબંદર અને આજુબાજુના જિલ્લાના 42 લોકો સાથે ઓસ્ટ્રીયા, જર્મની,નેધરલેન્ડના વર્કવીઝાના નામે 42.55 લાખની છેતરપીંડી કરવામાં આવી છે.અને પોરબંદર સહિત આજુબાજુના જિલ્લાના 42 લોકોને વડોદરાની રીધ્ધમ ઇમીગ્રેશન પેઢી ચલાવતી બે મહિલા સહિત ત્રણ ઇસમોએ ચુનો ચોપડયો છે.
કુણવદરના આધેડે નોંધાવ્યો ગુન્હો
બગવદર પોલીસમાં અઢી મહિના પહેલા ફરિયાદ અરજી અને હવે પોલીસ ફરિયાદ નોંધાઇ છે જેમાં કુણવદરના ટીંમડી સીમવિસ્તારમાં રહેતા અને ખેતીકામ કરતા રામાભાઇ સાજણભાઇ ગોઢાણીયા નામના 51 વર્ષના આધેડે ઓસ્ટ્રીયા, નેધરલેન્ડ અને જર્મની દેશના વર્કવીઝા માટે 42 લોકો પાસેથી 42 લાખ 55 હજાર 600 રૂા. મેળવીને છેતરપીંડી કર્યાનો વડોદરાની કાજલ આદિત્ય જોષી, આદિત્ય જોષી અને શ્રેયા પટેલ સામે ગુન્હો દાખલ કરાવ્યો છે.
બે વર્ષ પહેલા ઓળખાણ
ફરીયાદી રામાભાઇ ગોઢાણીયાએ જણાવ્યુ છે કે બે વર્ષ પહેલા પોરબંદરના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતી પૂજા પ્રજાપતિ મારફતે વડોદરા શહેરમાં રીધ્ધમ ઇમીગે્રેશન નામની ઓફિસમાં અલગ અલગ દેશની વીઝા કઢાવી દેવાની કામગીરી કરતા કાજલ આદિત્ય જોષી, આદિત્ય જોષી અને શ્રેયા પટેલ સાથે ઓળખાણ થઇ હતી.
પુત્રોની નેધરલેન્ડના વીઝાની પ્રોસેસ
નરસંગ ટેકરીના પુજા પ્રજાપતિને જ્યોર્જિયા જવાનું હતુ તેથી કાજલ જોષીની રીધ્ધમ ઇમીગ્રેશન મારફતે તે જ્યોર્જિયા પહોંચી ગઇ હતી તેથી કાર્યવાહી સંતોષકારક હોવાનું ફરીયાદીને જણાવતા તેના પુત્રો રણજીત અને ધવલને નેધરલેન્ડના વીઝા કરાવવા અંગેની કાર્યવાહી કરવાનું નકકી થયુ હતુ જેથી ડીસેમ્બર 2024માં વડોદરા ખાતે કાજલ જોષી અને શ્રેયા પટેલની ઓફિસે રૂબરૂ મળ્યા હતા અને ડોક્યુમેન્ટની પી.ડી.એફ. મોકલવાનું કહ્યુ હતુ તથા ઓસ્ટ્રીયા મોકલી આપશું એમ ખાત્રી આપી હતી. ઓસ્ટ્રીયાની વર્કવીઝાના ખર્ચ પેટે સાડા પાંચ લાખ રૂપિયા ભરવાના થાય છે તેમાંથી કટકે કટકે ભરવાના રહેશે. બે -અઢી મહિનામાં વર્કવીઝા આવી જશે અને કામ પૂરુ ન થાય તો બે દિવસમાં રૂપિયા પાછા મળી જશે એવો વિશ્ર્વાસ આપ્યો હતો.
ફરીયાદીની યુટયુબ ચેનલમાં જાહેરાત આપીને મેળવ્યા 21 લાખ 10 હજાર
ત્યારબાદ ફરીયાદીની યુ ટયુબ ચેનલ ‘અર્જુન ફેશન 777’માં સબસ્ક્રાઇબરની સંખ્યા વધુ હોવાની જાણકારી કાજલને હોવાથી તેણે ફરીયાદી મારફતે વીઝા પ્રોસેસ થયેથી એક વીઝા દીઠ કમીશન આપવાનું નકકી થયુ હતુ. વીઝા મળી જાય અને જે તે દેશમાં એ પહોંચી જાય પછી કમીશન આપવાની વાત કરી હતી. વીઝા અંગેની પ્રોસેસ બાબતે શ્રેયા પટેલે વિગતવાર વીડિયો બનાવીને ફરીયાદીની યુટયુબ ચેનલમાં જાહેરાત આપી હતી જેથી તા. 27-2-2025થી તા.21-4-2025 સુધી ફરીયાદીનો કોન્ટેકટ કરીને 13 લોકોએ 21 લાખ 10 હજાર રૂપિયા ફરીયાદીનો કોન્ટેકટ કરીને તેને આપ્યા હતા.
જર્મનીના વીઝાની લાલચ
ઉપરોકત 13 વ્યક્તિઓના વીઝાની પ્રોસેસ ચાલુ હતુ તે દરમ્યાન કાજલ જોષી અને શ્રેયા પટેલે ફરીયાદીને ‘જર્મની દેશની વર્કવીઝા અમારી પાસે આવેલ છે કોઇને જર્મની જવાની ઇચ્છા હોય તો મારો કોન્ટેકટ કરાવજો જેમાં એક વીઝા દીઠ આશરે ચાર લાખ રૂપિયાનો ખર્ચ અને ડોકયુમેન્ટની પી.ડી.એફ. મોકલવાની હોય ત્યારે એડવાન્સમાં 50 હજાર અને બાકીના સાડાત્રણ લાખ વીઝા, એરટિકિટ અને વીમો આવ્યેથી આપવાના રહેશે.’ તેમ જણાવીને જર્મનીમાં કંપની તરફથી મહિનાનો પગાર 2 લાખ 10 હજાર તથા કંપની તરફથી રહેવાની સુવિધા અપાશે તેમ જણાવ્યુ હતુ.
યુ ટયુબ ચેનલમાં ફરી બનાવ્યો વીડિયો
જર્મનીમાં જવાની ઇચ્છા ધરાવતા વ્યક્તિઓને જરૂરી માહિતી મળી રહે તે હેતુસર ફરીયાદીએ તેની યુ ટયુબ ચેનલમાં વીડિયો બનાવ્યો હતો અને તે અપલોડ કરતા અનેક લોકોએ રોકડા પૈસા તેમજ આંગળીયા પેઢી મારફતે પૈસા કાજલની ઓફિસના સરનામે મોકલી દીધા હતા.
નેધરલેન્ડના વીઝા અંગે લાલચ
ત્યારબાદ તા. 10-5-25ના ફરીયાદી વડોદરા ખાતે કાજલ અને શ્રેયાની ઓફિસે ઓસ્ટ્રીયા જવાના વીઝાના જે લોકોએ રૂપિયા ભર્યા હતા તે અંગે નોટરી રૂબરૂ લખાણ લખાવવા માટે ગયા હતા.ત્યારે કાજલ અને શ્રેયાએ એવુ કહ્યુ હતુ કે ‘નેધરલેન્ડના વર્કવીઝા અમારી પાસે આવ્યા છે કોઇને જવુ હોય તો અમારો કોન્ટેકટ કરાવજો’ તેથી ફરિયાદીએ પોતાની યુ ટયુબ ચેનલમાં નેધરલેન્ડ જવા અંગેનો વીડિયો અપલોડ કરતા તા. 15-5થી તા. 12-9-2025 સુધીમાં 28 લોકોએ રૂપિયા આપ્યા હતા.
હજુ સુધી વીઝા નહી કઢાવતા ફરિયાદ દાખલ
આમ ઓસ્ટ્રીયા દેશના વર્કવીઝા માટે તેર લોકોના 21 લાખ 10 હજાર, જર્મનીના વર્કવીઝા માટે બે વ્યક્તિના એક લાખ તથા નેધરલેન્ડના વર્કવીઝા માટે 28 વ્યક્તિઓના 16 લાખ 90 હજાર એમ કુલ 39 લાખ જેવી રકમ આંગડીયા પેઢી મારફત તથા નેધરલેન્ડની વર્કવીઝાની પ્રોસેસ સબબ 28 વ્યક્તિઓ પાસેથી ઓનલાઇન 1700-1700 લેખે એમ્બેસી ફી તથા વીઝા ફી 11-11 હજાર સહિત 3 લાખ 55 હજાર 600 મળી કુલ રૂા. 42 લાખ પ5 હજાર 600ની છેતરપીંડી કરી હોવાનું બહાર આવ્યુ હતુ અને આજદિન સુધી વીઝા નહી કઢાવી દઇને રીધ્ધમ ઇમીગ્રેશન નામની ઓફિસ ધરાવતી કાજલ આદિત્ય જોષી, આદિત્ય જોષી તથા શ્રેયા પટેલ વિરૂધ્ધ છેતરપીંડી અને વિશ્ર્વાસઘાતનો ગુન્હો બગવદર પોલીસમાં દાખલ થયો છે.

રિલેટેડ ન્યૂઝ