ગાંધીભૂમિને ગંદી કરશે તો જીઓ માર્ટને પણ શાંતિથી નહીં જીવવા દઈએ!!

પોરબંદરમાં જીઓ માર્ટ દ્વારા જાહેરમાં ગંદકી ફેંકવામાં આવતા મહાનગરપાલિકાના તંત્ર એ 2000 રૂપિયાનો દંડ વસૂલ્યો: ફરીવાર જાહેર સ્થળે કચરો ફેંકે નહીં તે માટે મેનેજરને સત્તાવાર નોટિસ પણ પાઠવાઇ

પોરબંદરમાં જીઓ માર્ટ દ્વારા જાહેરમાં કચરો ફેંકવામાં આવ્યો હોવાથી 2000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને નોટિસ પણ આપવામાં આવી છે.
પોરબંદર શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા સતત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર સ્થળોએ કચરો ફેંકનારાઓ સામે સેનિટેશન વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ અંતર્ગત રિલાયન્સ મોલ હેઠળ કાર્યરત જીઓ માર્ટ દ્વારા જાહેરમાં કચરો ફેંકવામાં આવતો હોવાની ફરિયાદ અને તપાસ બાદ પોરબંદર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા રૂ. 2000/- નો દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે જ ફરીવાર જાહેર સ્થળે કચરો ન ફેંકાય તે માટે જીઓ માર્ટના મેનેજરને સત્તાવાર નોટિસ પણ આપવામાં આવી છે.મહાનગરપાલિકાના સેનિટેશન શાખાના કર્મચારીઓએ જણાવ્યું હતું કે શહેરની સ્વચ્છતા જાળવવા માટે નિયમોનું પાલન અનિવાર્ય છે અને જાહેર સ્થળોને ગંદા બનાવનાર વ્યક્તિઓ કે સંસ્થાઓ સામે નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી ચાલુ રહેશે. જાહેર સ્થળોએ કચરો ન ફેંકે, સ્વચ્છતા જાળવે અને શહેરને સ્વચ્છ, હરિયાળું અને સુંદર બનાવવાના પ્રયાસોમાં સહભાગી બનવા મહાનગરપાલિકાએ શહેરવાસીઓને પણ અપીલ કરી હતી.

રિલેટેડ ન્યૂઝ