મગના પાલાનો ઢગલો રાખેલો હોવાથી પશુઓ તે બાજુ જાય નહીં તે માટે તેનું ધ્યાન રાખવાનું કહેતા થયો ડખ્ખો: છ ઇસમો કુહાડી લાકડી વડે તૂટી પડ્યા
પોરબંદર નજીકના પાલખડા ગામે મગના સૂકા પાલાનો ઢગલો રાખેલો હતો ત્યાં પશુઓ જાય નહીં તે બાબતે બોલાચાલી થતા મારામારી થઈ હતી જેમાં પશુપાલક યુવાન ઉપર છ ઈસમોએ લાકડી અને કુહાડી વડે ખૂની હુમલો કરતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
પાલખડા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતાં મેપા જેસા મોરી નામના 45 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે શનિવારે સવારે ફરિયાદી તથા તેના ભાઈઓ તેના માલ ઢોર લઈને ખેતરમાં ચરાવવા ગયા હતા. એ સમયે તેમના ગામના કરણ અજા શામળા પણ પોતાના માલઢોર ખેતરમાં ચરાવતો હતો. જેથી ફરિયાદી મેપાએ કરણને”ખેતરમાં મગના પાલાનો ઢગલો અમે રાખેલ છે તો તારા ઢોર એ ઢગલા બાજુ ના જાય તેનું ધ્યાન રાખજે” તેમ કહ્યું હતું તેથી કરણ ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો દઈને”તું મને કોણ કહેવા વાળો? તારો પાલા નો ઢગલો અહીંથી લઈ લેજે નહીં તો ઢોર તો તેમાં ચરશે જ”તેમ ધમકી આપી હતી આથી ફરિયાદી એ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ગાળો આપીને જતો રહ્યો હતો. થોડીવાર પછી 10:30 વાગ્યે કરણ શામળા તથા તેનો ભાઈ બાવન અજા શામળા, સૂકા અજા શામળા, મોટા બાપા સેજા પરબત શામળા અને તેનો દિકરો દિલીપ સેજા શામળા, કરણ ના પિતા અજા પરબત શામળા, વગેરે કુહાડી અને લાકડી લઈને ટોળામાં આવી પહોંચ્યા હતા. જેમાં સેજા પાસે કુહાડી અને બાકી તમામ પાસે લાકડી હતી. બધા ગાળો દઈને”તું કરણ સાથે કેમ માથાકૂટ કરે છે?અમારા ઢોર અહીં ખેતરમાં જ ચરશે અને જો હવે ના પાડી તો તને જીવતો રહેવા દેશું નહીં” કહીને સેજાએ કુહાડી નો સીધો ઘા મેપાની હત્યાના ઇરાદે માથામાં મારતા લોહી નીકળવા લાગ્યા હતા. બીજા બધા લાકડી વડે માર મારવા લાગ્યા હતા. એ સમયે હાજર અન્ય લોકોએ વચ્ચે પડીને ફરિયાદીને બચાવ્યો હતો અને ત્યારબાદ એમ્બ્યુલન્સને જાણ કરી 108 મારફતે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાંથી તેણે પોતાની હતિયાની કોશિશ કરનારા તમામ છ ઈસમો સેજા પરબત શામળા, અજા પરબત શામળા, બાવન અજા શામળા,સૂકા અજા શામળા,દિલીપ સેજા શામળા અને કરણ અજા શામળા સામે ફરિયાદ નોંધાવી છે.
