કમલાબાગના શૌચાલય-બાથરૂમમાં પાણીની કાયમી તકલીફ


અગાઉ વાંરવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર જાગ્યુ નહી: વધુ એક વખત ઉચ્ચકક્ષાએ થઇ રજૂઆત

પોરબંદરના કમલાબાગમાં આવેલા શૌચાલય અને બાથરૂમમાં પાણીની સમસ્યા જોવા મળી રહી છે જેથી આ મુદ્ે વધુ એક વખત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાંઆવી છે. શહેરના હાર્દ સમા કમલાબાગમાં પાણીની સુવિધાના અભાવે નાગરિકો તથા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાજિક કાર્યકર લખમણભાઈ દાસાએ આ બાબતે મહાનગરપાલિકાના તંત્રનું ધ્યાન દોર્યું છે. ફરવા માટેનો આ મુખ્ય બગીચો હાલ પાણી વગરનો બગીચો બની ગયો છે. બગીચામાં આવેલ જાહેર શૌચાલય અને બાથરૂમમાં કાયમી પાણીની તકલીફ છે. નળ તૂટેલા હાલતમાં છે, પાઇપલાઇનમાંથી પાણી આવતું નથી અને સફાઈનો પણ અભાવ જોવા મળે છે. જેના કારણે વહેલી સવારે મોર્નિંગ વોક માટે આવતા શહેરીજનો તથા બહારગામથી આવતા પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડે છે. લખમણભાઈ દાસાએ જણાવ્યું હતું કે અગાઉ પણ અનેક વખત આ પ્રશ્ર્ને તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ આજદિન સુધી કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી અને લાંબા સમયથી આ જ દયનીય પરિસ્થિતિ યથાવત છે. શૌચાલયમાં નળ તૂટેલો છે, ટાઇલ્સ તૂટેલી છે અને ગંદકીનું સામ્રાજ્ય છે. સ્વચ્છ ભારત અભિયાનની વાતો વચ્ચે શહેરના મુખ્ય બગીચાની આવી દુર્દશા તંત્રની ઘોર બેદરકારી છતી કરે છે. લખમણભાઈએ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે કમલાબાગના શૌચાલય-બાથરૂમમાં પાણીની સુવિધા પુન: શરૂ કરવામાં આવે, તૂટેલા નળ-પાઇપલાઇન રિપેર કરવામાં આવે અને નિયમિત સફાઈની વ્યવસ્થા ગોઠવવામાં આવે.

રિલેટેડ ન્યૂઝ