પાનના ગલ્લા, ગુટખાની દુકાનો અને વેપારી એકમોની તપાસ કરી સ્થળ પર જ દંડ ફટકારાયો:યુવાનોને તમાકુના વ્યસનથી બચાવવા જનજાગૃતિ સાથે વેપારીઓને કાયદાનું પાલન કરવા થઈ અપીલ
વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે રાણાવાવ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા શહેર અને તાલુકાભરમાં તમાકુ તથા તમાકુજન્ય ઉત્પાદનોના વેચાણ પર નિયંત્રણ લાવવા અને જનજાગૃતિ ફેલાવવાના હેતુથી વિશેષ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ઝુંબેશ દરમિયાન કોટપા અધિનિયમ-2003ની જોગવાઈઓના પાલનની ચકાસણી કરવામાં આવી હતી તેમજ નિયમોનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવ્યો હતો. વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે રાણાવાવ તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા રાણાવાવ શહેર અને સમગ્ર વિસ્તારમાં તમાકુ અને તમાકુજન્ય ઉત્પાદનોના વેચાણ પર નિયંત્રણ લાવવા તેમજ જનજાગૃતિ ફેલાવવાના હેતુથી વિશેષ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.આ ઝુંબેશ અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ પાનના ગલ્લા, ગુટખા મસાલાની દુકાનો, ચા-નાસ્તાની લારીઓ, તમાકુ ગુટખાની સેલ્સ એજન્સીઓ તથા અન્ય વેપારી એકમોની મુલાકાત લેવામાં આવી હતી.મુલાકાત દરમિયાન કોટપા અધિનિયમ-2003 હેઠળની જોગવાઈઓના પાલનની ચકાસણી કરવામાં આવી હતી. ખાસ કરીને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તમાકુજન્ય ઉત્પાદનોનું વેચાણ ન થાય, શૈક્ષણિક સંસ્થાઓની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુનું વેચાણ ન કરવામાં આવે તેમજ દુકાનોએ જરૂરી ચેતવણી બોર્ડ પ્રદર્શિત કર્યા છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી.ચેકિંગ દરમિયાન વેપારીઓને તમાકુ અને તમાકુજન્ય ઉત્પાદનોના સેવનથી થતી ગંભીર બીમારીઓ જેવી કે મોઢાનું કેન્સર, ફેફસાંનું કેન્સર, હૃદયરોગ, સ્ટ્રોક તેમજ અન્ય આરોગ્ય સંબંધિત નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.વેપારીઓને કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવા તેમજ યુવાનો અને બાળકોને તમાકુના વ્યસનથી બચાવવા માટે સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.તેમજ દુકાનદારો અને વેપારીઓને કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આ તકે તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર. જી. રાતડીયાએ જણાવ્યું હતું કે,તમાકુમુક્ત સમાજનું નિર્માણ કરવા માટે માત્ર સરકારી તંત્ર જ નહીં પરંતુ વેપારીઓ, શિક્ષણ સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોનો સહકાર પણ અત્યંત જરૂરી છે. ભવિષ્યમાં પણ આવા ચેકિંગ અને જનજાગૃતિ કાર્યક્રમો નિયમિતપણે ચાલુ રાખવામાં આવશે.તદુપરાંત તમામ નાગરિકોને તમાકુ અને તમાકુજન્ય ઉત્પાદનોના ઉપયોગથી દૂર રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તથા તમાકુમુક્ત ગુજરાત સ્વસ્થ ગુજરાતના સંકલ્પને સાકાર બનાવવા સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.
