આર્ટ ઓફ લિવિંગ દ્વારાસમાજના નિ:સ્વાર્થ સેવકોનું થયું ગૌરવપૂર્ણ સન્માન:ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજીના 70 માં જન્મોત્સવ અને સંસ્થાના 45 વર્ષના સેવાયજ્ઞ નિમિત્તે થયું ભવ્ય આયોજન
પોરબંદર ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના 70 માં જન્મોત્સવ અને સંસ્થાના 45 વર્ષના સેવાયજ્ઞની ઉજવણી નિમિત્તે અનસંગ એવરીડે હીરોઝ એવોર્ડ્સ તથા પ્રથમ વખત ભવ્ય ભજન જેમિંગ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષણ, રમતગમત અને સામાજિક સેવા ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ ભજન, સંગીત અને આધ્યાત્મિકતાના માધ્યમથી ઉપસ્થિતોને સેવા,કરૂણા અને માનવમૂલ્યોનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આર્ટ ઓફ લિવિંગ પોરબંદર દ્વારા મુખ્ય કેન્દ્ર ખાતે ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજીના 70 માં જન્મોત્સવ તેમજ સંસ્થાના 45 વર્ષના સેવાયજ્ઞની ઉજવણી નિમિત્તે અનસંગ એવરીડે હીરોઝ એવોર્ડ્સ અને પોરબંદરમાં પ્રથમ વખત ભવ્ય ભજન જેમિંગ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં નિ:સ્વાર્થ ભાવથી કાર્ય કરી રહેલા પ્રેરણાદાયી વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડો. ચેતનાબેન તિવારી, ભાજપ જિલ્લા પ્રમુખ, લાખણશીભાઈ ગોરાણીયા,કપિલભાઈ કોટેચા,કમલભાઈ ગોસલીયા અને જતીનભાઈ હાથી ઉપસ્થિત રહ્યા હતા.આર્ટ ઓફ લિવિંગ પોરબંદર સેન્ટર તરફથી મનદીપભાઈ પટેલે મહેમાનોનું સ્વાગત કર્યું હતું.સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે કાર્યરત વ્યક્તિઓને ત્રણ અલગ-અલગ શ્રેણીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. યુથ લીડરશિપ એવોર્ડ પુજા રાજાને એનાયત કરવામાં આવ્યો હતો. શિક્ષણ ક્ષેત્રે અનેક શૈક્ષણિક લાયકાતો ધરાવતા પુજાબેન રાજ્યકક્ષાના નવતર શિક્ષક, પેરેન્ટિંગ કોચ અને પ્રેરણાદાયી વક્તા તરીકે જાણીતા છે.તેઓ સમુદાય શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે સન્માનિત થઈ ચૂક્યા છે. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેના યોગદાન બદલ તેમને નારી પ્રતિભા એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. ઉપરાંત વડનગર પ્રેરણા સંકુલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન અને કાર્ય આધારિત શૈક્ષણિક કાર્યક્રમ માટે નિષ્ણાત તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી.
બિઝનેસ એન્ડ ફિલાન્થ્રોપી એવોર્ડ ડો. નેહલ કરાવદરાને એનાયત કરવામાં આવ્યો હતો. ઉદય કરાવદરા ચેરિટેબલ એન્ડ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટના સ્થાપક અને ટ્રસ્ટી તરીકે તેઓ પશુ-પક્ષીઓના કલ્યાણ માટે સતત કાર્યરત છે. ટ્રસ્ટ દ્વારા ઘાયલ અને નિરાધાર પશુ-પક્ષીઓ માટે ખોરાક, પાણી, આશ્રય અને નિ:શુલ્ક સારવારની વ્યવસ્થા કરવામાં આવે છે. હાલમાં ટ્રસ્ટના શેલ્ટરમાં 250 થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓની સંભાળ અને સારવાર કરવામાં આવી રહી છે.તેઓ પ્રાણીઓના હક્કોના રક્ષણ માટે કાનૂની જાગૃતિ અને સામાજિક અભિયાનો પણ ચલાવી રહ્યા છે.
સ્પોર્ટ્સ એક્સેલન્સ એવોર્ડ ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમના પ્રતિભાશાળી ખેલાડી અને ગુજરાત વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન ભીમા ખૂંટીને એનાયત કરવામાં આવ્યો હતો. છેલ્લા દસ વર્ષથી તેઓ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને નેપાળ, બાંગ્લાદેશ તથા દુબઈ સહિત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં દેશનું ગૌરવ વધાર્યું છે. તેમની શાનદાર રમતગમત કારકિર્દીમાં અનેક રેકોર્ડ્સ નોંધાયેલા છે અને મેન ઓફ ધ સિરીઝ તેમજ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જેવા પ્રતિષ્ઠિત સન્માનો પણ પ્રાપ્ત કર્યા છે.કાર્યક્રમ દરમિયાન સંસ્થાના 45 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આગામી સમયમાં હાથ ધરાનારા વિવિધ સેવા પ્રોજેક્ટ્સ અંગે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત બાળકો માટે આયોજિત થનારા આર્ટ ઓફ લિવિંગના ઇન્ટ્યુશન પ્રોસેસ કાર્યક્રમ વિશે પણ ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમની વિશેષતા તરીકે પોરબંદરમાં પ્રથમ વખત ભજન જેમિંગ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટા શહેરોમાં લોકપ્રિય બનેલી આ કલ્પનાને પોરબંદરમાં સાકાર કરવા માટે આર્ટ ઓફ લિવિંગ પોરબંદર સેન્ટરના કો-ઓર્ડિનેટર નિકુંજભાઈ પંચમતિયા અને તેમની ટીમે મહત્વપૂર્ણ પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે રાજકોટના ગાયક અંકિતભાઈ મહેતાએ ભક્તિમય સંગીતની રજૂઆત કરી હતી.નોમિનલ ટિકિટ સાથે યોજાયેલી આ અનોખી સાંસ્કૃતિક સંધ્યામાં 100 થી વધુ લોકોએ હાજરી આપી હતી અને ભજન, સંગીત તથા આધ્યાત્મિકતાનો અનોખો સંગમ અનુભવ્યો હતો.કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ આ નવતર આયોજનની સરાહના કરી હતી.
ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજીના આધ્યાત્મિકતા એટલે કાળજી રાખવી, વહેંચણીની ભાવના કેળવવી અને પોતાને સેવા માટે સમર્પિત કરવું આ વિચારને કેન્દ્રમાં રાખીને સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહિંસા, કરૂણા અને સેવા જેવા માનવમૂલ્યોને જીવનમાં ઉતારવા માટે ઉપસ્થિતોને પ્રેરણા આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે અનસંગ એવરીડે હીરોઝ એવોર્ડ્સ દેશવ્યાપી પહેલનો એક ભાગ છે, જેના અંતર્ગત ભારતના 490 થી વધુ જિલ્લાઓમાં સમાજ માટે નિ:સ્વાર્થ સેવા આપનારા સામાન્ય પરંતુ અસાધારણ વ્યક્તિઓને ઓળખ આપી સન્માનિત કરવામાં આવી રહ્યા છે.
કાર્યક્રમના અંતે તમામ એવોર્ડ વિજેતાઓએ આ સન્માન બદલ આર્ટ ઓફ લિવિંગ પોરબંદર સેન્ટરના કો-ઓર્ડિનેટર નિકુંજભાઈ પંચમતિયા તથા સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું અસરકારક સંચાલન પોરબંદરના મોટિવેશનલ સ્પીકર ઋષિકાબેન હાથી દ્વારા કરવામાં આવ્યુ હતુ.ઉપસ્થિતોએ ભવિષ્યમાં પણ આવા પ્રેરણાદાયી કાર્યક્રમો અને એવોર્ડ સમારોહનું આયોજન થતું રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.આ સમગ્ર કાર્યક્રમ નિ:સ્વાર્થ સેવા, સામાજિક જવાબદારી અને માનવમૂલ્યોના પ્રસાર માટેનો એક યાદગાર અને પ્રેરણાદાયી પ્રયાસ બની રહ્યો હતો.
