ત્રણ કર્મયોગીઓનો વિદાય સમારોહ યોજાયો: ઉત્કૃષ્ઠ સેવા બદલ પાઠવી શુભેચ્છાઓ
પોરબંદર એસ.ટી. ડેપોના બે ડ્રાયવર અને એક ક્ધડકટર નિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.
પોરબંદર એસ.ટી. વિભાગની સંકલન સમિતિ દ્વારા વય નિવૃત્ત થનાર એસ.ટી. નિગમના ત્રણ કર્મનિષ્ઠ કર્મચારીઓ માટે એક ભાવપૂર્ણ વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપોના વિવિધ વિભાગોના કર્મચારીઓએ ઉપસ્થિત રહી નિવૃત્ત થનાર સહકર્મીઓને વિદાયમાન આપ્યું હતું.
સન્માનિત થયેલ નિવૃત્ત કર્મયોગીઓ ડ્રાયવર માલદેભાઇ બી. આગઠ અને અઝીઝ કાસમ સુમરા અને કંડકટર કિશોર વી. વરૂ નિવૃત થયા હતા તેથી તેમના નિવૃત્તિ સમારોહના આ કાર્યક્રમની અધ્યક્ષતા પોરબંદર ડેપો મેનેજર પી.બી. મકવાણા દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે ડેપો મેનેજરે નિવૃત્ત થતા ત્રણેય કર્મચારીઓની વર્ષોની નિષ્ઠાવાન સેવાઓને યાદ કરી તેમની ઉત્કૃષ્ઠ કામગીરીના ભારોભાર વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, એસ.ટી. નિગમની કરોડરજ્જુ સમાન ડ્રાઇવર અને કંડક્ટર ભાઈઓએ મુસાફરોની સુરક્ષા અને સુવિધા માટે જે યોગદાન આપ્યું છે, તે અનુકરણીય છે.
વિશેષમાં, ડેપો મેનેજરે ડ્રાઇવરોને નોકરી દરમિયાન ઉત્તમ ડીઝલ માઈલેજ જાળવી રાખવા બદલ બિરદાવ્યા હતા અને તમામ ઉપસ્થિત ડ્રાઇવર, કંડક્ટર, વર્કશોપ સ્ટાફ તથા ઓફિસ સ્ટાફને નિવૃત્ત કર્મચારીઓના જીવનમાંથી પ્રેરણા લઈ પોતાની ફરજો વધુ નિષ્ઠા અને કુશળતાથી બજાવવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા તમામ કર્મચારીઓએ નિવૃત્ત થનાર સાથીઓને ભાવભીની વિદાય આપી તેમના ઉજ્જવળ અને સુખદ નિવૃત્ત જીવન માટે હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે ટી.આઈ. ઓડેદરા દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
