પ્રાથમિક સુવિધાઓ અંગે સ્થાનિક રહેવાસીઓ દ્વારા પાઠવાયુ આવેદન: વહીવટી તંત્રને આંદોલનની આપવામાં આવી ચેતવણી
પોરબંદર નજીકનું ઠોયાણા ગામ અનેક સુવિધાઓથી વંચિત છે તેમ જણાવીને યોગ્ય કરવા માંગ થઈ છે.
રાણાવાવ તાલુકાનું ઠોયાણા ગામ જાણે કે વિકાસની દોડમાં પાછળ છુટી ગયું હોય અને તંત્ર દ્વારા તેને જાણીજોઈને અવગણવામાં આવી રહ્યું હોય તેવો આક્રોશ આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ (કિસાન) અને કુતિયાણા વિધાનસભા પ્રભારી મેરૂભાઈ ઓડેદરાએ વ્યક્ત કર્યો છે.મેરૂભાઈ ઓડેદરાએ તંત્રના નબળા વહીવટ સામે સવાલો ઉઠાવતા ઠોયાણાના વિકાસ માટે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
ગામમાં ગટર લાઈનનું કામ હાથ ધરવા માટેનો ઠરાવ પસાર થયાને છ મહિનાનો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી જમીન પર કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. ખાસ કરીને, જનતા ચોકનું પાણી નકલંક ધામમાંથી પસાર થતું હોવાથી, ભાદરવા મહિનાના નેજા ઉત્સવ અને નવરાત્રી જેવા ધાર્મિક પર્વો પહેલાં શ્રદ્ધાળુઓની આસ્થાને માન આપીને ગટર લાઈનનું આયોજનબદ્ધ કામ તાત્કાલિક પૂર્ણ કરવું અનિવાર્ય છે. જ્યારે તાલુકાના અન્ય ગામોમાં આધુનિક અને સુંદર પ્રવેશદ્વારો બની ગયા છે, ત્યારે ઠોયાણાને આ સુવિધાથી વંચિત રાખીને તંત્રે સ્થાનિક લોકોમાં ભારે રોષ અને અન્યાયની લાગણી જન્માવી છે. અન્ય ગામોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે,તેની સામે ઠોયાણામાં પ્રાથમિક આરોગ્યની કોઈ જ સુવિધા નથી, જે ગ્રામજનોના સ્વાસ્થ્ય સાથેના ચેડાં સમાન છે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત સરકાર દ્વારા ઘરે-ઘરે કચરો લેવા માટે ઇલેક્ટ્રિક વાહનો ફાળવવામાં આવ્યા છે,પરંતુ તે વાહનોનો કોઈ જ ઉપયોગ ન થતા તે નિરર્થક બની રહ્યા છે અને ગામમાં ગંદકી ફેલાઈ રહી છે.
મેરૂભાઈ ઓડેદરાએ વહીવટી તંત્રને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે, લોકશાહીમાં દરેક ગામને સમાન વિકાસનો અધિકાર છે અને તંત્ર દ્વારા કરવામાં આવતી આ સતત અવગણના હવે સહન કરવામાં આવશે નહીં. જો તંત્ર આ મુદ્દાઓને ગંભીરતાથી લઈને વહેલી તકે ઉકેલ નહીં લાવે, તો જનહિતમાં મેરૂભાઈ ઓડેદરા દ્વારા આંદોલનાત્મક માર્ગ અપનાવવામાં આવશે, જેની તમામ જવાબદારી માત્ર અને માત્ર વહીવટી તંત્રની રહેશે.
