બોખીરાની આવાસ યોજનામાં રહેતા સાટી પરિવારના યુવાન અને તેની પત્ની તથા પુત્રના વાહન અકસ્માતે મોતના બનાવમાં માધવપુરના પી.એસ.આઇ. જાતે બન્યા ફરીયાદી: ઘવાયેલા ચાલકને રાજકોટ સારવારમાં લઇ જવાયો: ઇલેકટ્રીક પોલને પણ નુકશાન પહોચાડતા સાર્વજનિક મિલ્કતોને નુકશાન પહોચાડતા ધ પ્રીવેન્શન ઓફ ડેમેજ ઓફ પબ્લિક પ્રોપર્ટી એકટની કલમનો પણ થયો ઉમેરો
માધવપુર નજીક આવેલા ગોરસર ગામ પાસે ટોલ પ્લાઝા નજીક સર્જાયેલા વાહન અકસ્માતના બનાવમાં ત્રણ લોકોના મોત થયા હતા જેમાં ગોરસર ગામના થાર ચાલક સામે માનવવધનો ગુન્હો દાખલ થયો છે જેમાં માધવપુરના પી.એસ.આઇ. જાતે ફરિયાદી બન્યા છે.
પોરબંદરના આવાસ કોલોનીમાં રહેતા નઝીર જુમા સાટી ઉ.વ. 36, તેમના પત્ની રોજીનાબેન ઉ.વ. 30 અને પુત્ર નવાજ ઉ.વ. 3 કેશોદ ગામે રોજીનાબેનના પિતાના ઘરે ઈદની ઉજવણી કરવા ગયા હતા. મોડી રાત્રે ત્રણેય જણા બાઈક પર પોરબંદર પરત ફરી રહ્યા હતા. રાત્રે અંદાજે અઢી વાગ્યાના અરસામાં ગોરસર ટોલનાકા નજીક પહોંચતા જ પાછળથી આવતી એક બેફામ થાર જીપના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવીને તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી.અને ત્રણેયના મોત થયા હતા.
વીજપોલનો પણ
કડુસલો બોલી ગયો!
થારની સ્પીડ એટલી વધારે હતી કે બાઇક સવાર ત્રણ લોકોના મૃત્યુ થયા બાદ પી.જી.વી.સી.એલ.ના વીજપોલ સાથે પણ થાર અથડાઇ હતી જેમાં વીજથાંભલો પણ પડી ગયો હતો. તેથી ધ પ્રીવેન્શન ઓફ ડેમેજસ ઓફ પબ્લિક પ્રોપર્ટી એકટ 1984ની કલમ ત્રણ મુજબ ફરીયાદ દાખલ થઇ છે.
અનેક નબીરાઓ હાઇવે પોતાને વારસામાં મળ્યો હોય તેમ માનીને રાત્રીના ચલાવે છે વાહનો
પોરબંદર શહેર અને જિલ્લાના અનેક નબીરાઓ પોરબંદર-રાજકોટ નેશનલ હાઇવે અને દ્વારકા- સોમનાથ નેશનલ હાઇવે પોતાને વારસામાં મળ્યો હોય તે પ્રકારે બેફામ સ્પીડે વાહન ચલાવીને અન્ય લોકોની જિંદગી જોખમમાં મૂકી રહ્યા છે પોરબંદરના વનાણાના ટોલનાકા નજીક તથા કોલીખડા અને ત્રણ માઇલ નજીકના નેશનલ હાઇવેના બ્રીજ ઉપર રાત્રીના સમયે અનેક નબીરાઓ સીનસપાટા કરતા ફોરવ્હીલ લઇને બેઠા હોય છે ત્યારે તેમાંથી કેટલા નશાની હાલતમાં છે તે જોવાની પોરબંદર પોલીસે તસ્દી લીધી છે? નિર્દોષના જીવ જોખમમાં મૂકીને અને પોતાના ખુદના જીવ પણ જોખમમાં મૂકનારા અને ઓવરસ્પીડમાં વાહન ચલાવનારા શખ્શો સામે હવે પોલીસે પણ કડક બનવુ જરૂરી બન્યુ છે.
બેફામ સ્પીડે થાર ચલાવતા નબીરાએ બાઇકને 20 ફૂટ ઢસડયુ
પોરબંદરમાં અનેક નબીરાઓ બેફામ સ્પીડે વાહનો ચલાવીને હાઇવે અને રસ્તાને પોતાને વારસામાં મળેલી પ્રોપર્ટી સમજે છે ત્યારે આ બનાવમાં પણ બેફામ સ્પીડે થાર ચલાવતા નબીરા ગોરસરના કલ્પેશ નાથા જાડેજાએ એટલી બેફામ સ્પીડે કાર ચલાવી હતી કે મામા પાગલ આશ્રમથી 100 મીટર આગળ બાવળની કાટમાં થાર ઉંધી વળેલી હાલતમાં હતી તથા ત્યાંથી 20 ફૂટ દૂર મોટરસાયકલની સીટ રોડની કિનારી ઉપરથી મળી આવી હતી. ટાયરના માર્ક પરથી તપાસ કરતા ઝાડી ઝાંખરામાંથી મોટરસાયકલ મળી આવ્યુ હતુ.
થાર ચાલકને રાજકોટ, મિત્રને ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો
પોલીસ ફરિયાદમાં એવી વિગત સામે આવી છે કે થારના ચાલક કલ્પેશ નાથા જાડેજાની હાલત પણ ગંભીર હોવાથી અને તેની સાથે બેસેલ મોચા ગામનો વીરમ ગાંગા પરમાર પણ ઘાયલ થયો હોવાથી કાર મારફતે અને ત્યારબાદ 108 મારફતે કલ્પેશ અને વીરમને પોરબંદરની ગ્લોબલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા જ્યાં કલ્પેશના પિતા નાથાભાઇ આવી જતા ફરજ પરના ડોકટરોએ કલ્પેશને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે બહારગામ લઇ જવાનું કહેતા એમ્બ્યુલન્સ મારફતે તેને રાજકોટ લઇ જવાયો છે અને વીરમની સારવાર ગ્લોબલ હોસ્પિટલમાં અપાઇ હતી.
20 ફૂટ દૂર બાળક અને ત્યાંથી 20 ફૂટ આગળ તેના પિતા અને 15 ફૂટ દૂર ઝાડી ઝાંખરામાં માતા મળી
વાહન અકસ્માતની ગંભીરતા એવી હતી કે ધુમ સ્પીડે થાર ચલાવતા કલ્પેશ નાથા જાડેજાએ નજીર સુમા સાટીના બાઇકને ઠોકર મારી ત્યારે પોલીસ રાત્રે તપાસ કરવા ગઇ હતી અને એવી વિગત જાહેર થઇ છે કે ટાયરના માર્કથી 20 ફૂટ દૂર લોહીલુહાણ હાલતમાં ત્રણ વર્ષનો નવાજ મળી આવ્યો હતો. તેનાથી 20 ફૂટ દૂર ધૂળ માટીમાં આ બાળકનો પિતા નજીર સાટી મળી આવ્યો હતો અને ત્યાંથી 15 ફૂટ દૂર મામા પાગલ આશ્રમ તરફ બાવળની કાટમાં ઝાડી ઝાંખરામા તેની માતા રોજીના સાટી લોહીલુહાણ હાલતમાં મળી હતી.
