શાળાઓ ખુલતા જ વિદ્યાર્થીઓનો સરકારી કાર્યક્રમમાં ઉપયોગ કરવાનું થયું શરૂ!!
14 જુન સુધી સ્વચ્છતા સપ્તાહની સરકારી રાહે થશે ઉજવણી: જાહેર સ્થળોની સફાઈ અને કચરા વ્યવસ્થાપન અંગે ફેલાવાસે જનજાગૃતિ
પોરબંદરમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થતા વિદ્યાર્થીઓનો સરકારી કાર્યક્રમોમાં ઉપયોગ શરૂ થઈ ગયો છે,વડાપ્રધાનના સફળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્વચ્છતા સપ્તાહની ઉજવણી નો આરંભ થયો છે જેમાં પહેલા દિવસે રેલીનું આયોજન કરવામાં આવતા શાળાના વિદ્યાર્થીઓને જોતરી દેવામાં આવ્યા હતા.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ, જનકલ્યાણલક્ષી અને કાર્યકુશળ નેતૃત્વના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તા.14.6.2026 દરમિયાન સ્વચ્છતા સપ્તાહ ની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જિલ્લા પંચાયત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, તાલુકા પંચાયત તથા ગ્રામ પંચાયતોના સંયુક્ત સહયોગથી સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા સપ્તાહ અંતર્ગત વિવિધ જનજાગૃતિ અને સ્વચ્છતા કેન્દ્રિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.આ સપ્તાહ દરમિયાન ગ્રામ્યકક્ષાએ સફાઈ અભિયાન, સ્વચ્છતા જાગૃતિ રેલીઓ, જાહેર સ્થળોની સફાઈ, કચરા વ્યવસ્થાપન અંગે જાગૃતિ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. ગામ પંચાયતો, શાળાઓ, આંગણવાડી કેન્દ્રો તેમજ સ્થાનિક નાગરિકો આ અભિયાનમાં સક્રિય સહભાગી બની સ્વચ્છ અને સ્વસ્થ ગામોના નિર્માણ માટે યોગદાન આપશે.સ્વચ્છતા સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ વધારવાનો, સામૂહિક જવાબદારીની ભાવના વિકસાવવાનો અને સ્વચ્છ ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો છે.જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઈ સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે.
