પોરબંદરમાં રઘુવંશી ઇન્ટરનેશનલ ટ્રેડ ફેડરેશન દ્વારા વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યોજાઈ વિવિધ સ્પર્ધાઓ: 6 વર્ષથી 60 વર્ષની ઉંમરના સ્પર્ધકોએ લીધો ભાગ
પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં લોહાણા સમાજ માટે વિશ્વ પર્યાવરણ દિવસ અનુસંધાને વિવિધ સ્પર્ધાઓનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આર.આઈ.ટી.એફ.દ્વારા લોહાણા સમાજ માટે વૈશ્ર્વિક સ્તરે વિવિધ ઓનલાઈન પર્યાવરણલક્ષી હરિફાઈઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.સમગ્ર વિશ્વમાંથી લોહાણા સમાજના સભ્યો, અગ્રણીઓ અને મહેમાનોની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા ગ્રાન્ડ ફિનાલેમાં પર્યાવરણ જાગૃતિનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ અંતર્ગત ત્રણ મુખ્ય હરિફાઈઓ યોજાઈ હતી.જેમાં વેસ્ટમાંથી બેસ્ટ આર્ટ હેઠળ વૃક્ષોના સુકાયેલા પાન,ડાળીઓ અને અન્ય બિનઉપયોગી કુદરતી વસ્તુઓમાંથી સર્જનાત્મક કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી.ગ્રીન ગૌર્મેટ આર્ટિસ્ટ્રી સ્પર્ધામાં શાકભાજી અને ફળોમાંથી સલાડ તથા વિવિધ આકર્ષક કૃતિઓ બનાવી સર્જનાત્મકતા દર્શાવવામાં આવી હતી.જ્યારે ગ્રીન રૂટ્સ ચેલેન્જ અંતર્ગત વૃક્ષારોપણ,તેના સંવર્ધન અને પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ એક ધરતી એક ભવિષ્ય એક જવાબદારી થીમ પર આધારિત હતો.
આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓનલાઈન કાર્યપ્રણાલીને પ્રોત્સાહન આપતી અપીલને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી સમય, શક્તિ અને ઇંધણની બચત સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ વધુ વ્યાપક રીતે પહોંચાડી શકાય.
કાર્યક્રમની શરૂઆત કાવ્યા એ. હાથી દ્વારા પર્યાવરણ વિષયક પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ દુર્ગાબેન આર. લાદીવાલાએ ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું. આર.આઈ.ટી.એફ.ના ડાયરેક્ટર કમલેશભાઈ ઠક્કરે સંસ્થાની સ્થાપનાથી લઈને આજદિન સુધીની વિવિધ પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી આપી હતી. પ્રાસંગિક ઉદબોધનમાં ડો.ભૂમિકાબેન એસ. તન્નાએ સુંદર દ્રષ્ટાંતો દ્વારા પર્યાવરણ સંરક્ષણ માટે વ્યક્તિગત સ્તરે અપનાવી શકાય તેવી નાની-મોટી બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું. મોટીવેશનલ સ્પીકર અને કોર્પોરેટ ટ્રેનર ઋષિકાબેન જે. હાથીએ પ્રેરણાદાયી વાર્તા દ્વારા પર્યાવરણનું મહત્વ સરળ અને અસરકારક રીતે સમજાવ્યું હતું.યુ.એસ.એ.ના બોસ્ટનથી કિશોરભાઈ ઠક્કરે પણ શુભેચ્છા સંદેશ પાઠવી સૌને આશીર્વચન આપ્યા હતા. કાર્યક્રમની વિશેષતા એ રહી કે 6 વર્ષના બાળકો થી લઈને 60 વર્ષથી વધુ ઉંમરના સ્પર્ધકોએ મુંબઈ, વેરાવળ, નવસારી, મીઠાપુર, હૈદરાબાદ, અમદાવાદ, આણંદ, ભુજ, જામખંભાળિયા, દ્વારકા, પોરબંદર સહિતના વિવિધ શહેરોમાંથી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ત્યારબાદ ઋષિકાબેન હાથીએ તમામ સ્પર્ધકોની કૃતિઓના વીડિયોનું લાઈવ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું, જેને ઉપસ્થિત સૌએ ખૂબ સરાહ્યું હતું.
આભારવિધિ દરમિયાન મોનાબેન ઠક્કર-વડેરાએ પર્યાવરણ જાગૃતિ સંબંધિત પ્રેરક ઉદાહરણો સાથે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં તમામ ભાગ લેનાર તેમજ વિજેતા સ્પર્ધકોને તેમની કૃતિઓના પ્રદર્શન સાથે આંતરરાષ્ટ્રીય માન્યતા ધરાવતા ઈ-સર્ટિફિકેટ્સ અને એવોર્ડ્સ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પરિણામે આ તમામ સર્જનાત્મક કૃતિઓને વૈશ્વિક ઓળખ મળી હતી અને વિશ્વભરના લોહાણા સમાજ સમક્ષ રજૂ થતાં સૌ કોઈ મંત્રમુગ્ધ બની ગયા હતા.હરિફાઈઓના પરિણામોમાં ટોપ વિજેતાઓ તરીકે જાનસી સી. તન્ના, નીયા આર. રૂપારેલ, તેજલ ડી. તન્ના, વિહા એન. રાડિયા, આરતીબેન આર. રૂપારેલ, ક્રિષ્નાબેન રાજાણી, જ્યોતિબેન પવાણી તથા સખી ક્લબ ઓફ પોરબંદરનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. પર્યાવરણ જાગૃતિ વિભાગમાં કેવીનભાઈ ઠકરાર, કલ્પનાબેન માવાણી અને મનિષાબેન એમ. રાયચુરા વિજેતા રહ્યા હતા.જ્યારે બાળકો વિભાગમાં પરમ રાડિયા, કાવ્યા એ. હાથી અને ક્રિષ્ના રાજાણી વિજેતા બન્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કમલેશભાઈ ઠક્કર, કિશોરભાઈ ઠક્કર, મોનાબેન ઠક્કર-વડેરા,દુર્ગાબેન આર. લાદીવાલા,ઋષિકાબેન જે. હાથી, ડો. ભૂમિકાબેન એસ. તન્ના અને મૃદુલાબેન સી. હિંડોચાએ વિશેષ જહેમત ઉઠાવી હતી.ઉપરાંત આર.આઈ.ટી.એફ.ના કાઉન્સિલ મેમ્બર્સ, બિઝનેસ મેનેજમેન્ટ, લીગલ સેલ, મીડિયા સેલ, સ્કિલ ડેવલપમેન્ટ,વીમેન એમ્પાવરમેન્ટ સહિતની વિવિધ ટીમોના સભ્યોએ પણ નોંધપાત્ર સહયોગ આપ્યો હતો.
