અનેક મહિલાઓના ભરણપોષણ રખડી પડ્યા: જિલ્લા બાર એસો દ્વારા થઈ રજૂઆત
પોરબંદરની ફેમિલી કોર્ટ ન્યાયાધીશના અભાવે ત્રણ મહિનાથી બંધ છે તેનાથી અનેક મહિલાઓના ભરણપોષણ રખડી પડ્યા છે તેથી બાર એસો દ્વારા રજૂઆત થઈ છે.
પોરબંદર જિલ્લા બાર એસોના પ્રમુખ હરભમભાઇ ચૂંડાવદરાએ ચીફ જસ્ટિસને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદર જીલ્લામાં આવેલી ફેમીલી કોર્ટ અંદાજે છેલ્લા ત્રણેક માસથી બંધ છે અને પોરબંદરનાં ફેમીલી કોર્ટનાં ન્યાયાધીશ દ્વારા સ્વેચ્છિક રીટાયરમેન્ટ લઇ લેતા અને તેના કારણે અંદાજે ત્રણેક માસથી પોરબંદર ફેમીલી કોર્ટમાં કોઈ ન્યાયાધીશ નથી.
એટલું જ નહિ પોરબંદરમાં પોરબંદર ઉપરાંત રાણાવાવ અને કુતિયાણાનાં તમામ કેસો પણ દાખલ થતા હોવાના કારણે હાલ આખા જીલ્લાની ન્યાય માંગવા આવતી બહેનો હેરાન-પરેશાન થઇ ગયેલ છે અને તેમાં પણ હાલ સ્કુલનું વેકેશન ખુલતા ફી ભરવા માટે પૈસાની જરૂરિયાત હોય પરંતુ પોરબંદરની ફેમીલી કોર્ટ બંધ હોવાના કારણે કોઈ પતિઓ પૈસા પણ ભરતા ન હોય અને તેના કારણે ભરણપોષણનાં કેસો અન્વયે તમામ મહિલાઓ હાલ હેરાન પરેશાન થઇ ગયેલ છે અને ખોટી રીતે વકીલો સાથે ઘર્ષણ થાય છે. કારણ કે, ભરણપોષણની રકમ એવી છે જેની મહિલાઓને દર મહીને જરૂરિયાત રહે છે. પરંતુ 3-4 મહિના સુધી ભરણપોષણ ન આવે તો સગીર માતા તથા બાળકો ખુબ જ હેરાનગતિ અનુભવે છે. એટલું જ નહિ વિદેશ જવા માંગતા પક્ષકારોને પણ ડાઈવોર્સ ડીક્રી ન મળતી હોવાના કારણે અસંખ્ય લોકોની જીંદગી ખરાબ થઇ રહેલ છે. કારણ કે ડાઈવોર્સ ડીક્રી ન મળવાનાં કારણે પાસપોર્ટ બની શકતો નથી અને તે રીતે ફેમીલી કોર્ટ ન હોવાના કારણે પોરબંદર જીલ્લાનાં તમામ પક્ષકારો હાલ લાંબા સમયથી હેરાન થઇ રહેલ છે.
આ અન્વયે પોરબંદર ડીસ્ટ્રીકટ બાર એસોશિએશનનાં સીનીયર એડવોકેટ શાંતિબેન ઓડેદરા, ભરતભાઈ લાખાણી, એમ.જી. શીંગરખીયા, નિલેશ જોષી, શૈલેશ પરમાર તથા જય સલેટ દ્વારા આ સંબંધે હાઈકોર્ટ સમક્ષ યોગ્ય રજૂઆત કરવા અને પોરબંદરની ફેમીલી કોર્ટમાં વહેલીતકે ન્યાયાધીશની નિમણુંક થાય તે માટે રજૂઆત કરતા અને તે રીતે આ બાબતને ગંભીરતાથી લઇ અને પોરબંદરમાં વહેલીતકે ફેમીલી કોર્ટમાં ન્યાયાધીશની નિમણુંક કરવા મારી અપીલ છે તેમ જણાવ્યું છે.
