પોરબંદર શહેરના બંધ ટ્રાફિક સિગ્નલો કયારે શરૂ થશે?

માચ્છીમાર એકતા સમિતિ દ્વારા પાઠવાયુ આવેદન: વધતી જતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે યોગ્ય કરવા થઇ માંગ

પોરબંદર શહેરના બંધ ટ્રાફિક સિગ્નલો શરૂ કરવા માંગ થઇ છે.
પોરબંદર મહાનગરને અકસ્માત અને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્ત કરવા માટે માછીમાર એકતા સમિતિ ગુજરાતના અધ્યક્ષ અશ્ર્વિન દેવજીભાઈ મોતીવરસ દ્વારા જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણી, મહાનગરપાલિકા કમિશ્ર્નર હસમુખભાઈ પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા અને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના પ્રભારી નિરીક્ષક ચૌહાણને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, પોરબંદર મહાનગરપાલિકાની નવી સમિતિ કાર્યરત થઈ છે પરંતુ શહેરના તમામ વિસ્તારના વાહન વ્યવહાર સિગ્નલ જૂના અને જર્જરિત થઈ ગયા છે તેમજ બંધ હાલતમાં છે. ખાસ કરીને હરીશ ટોકીઝ, સુદામા ચોકના સિગ્નલ વર્ષોથી બંધ છે. આ સિગ્નલ નિયમ મુજબ નવી ટેન્ડર પ્રક્રિયાથી તાત્કાલિક ચાલુ કરવા રજૂઆત કરવામાં આવી છે.
મહાનગરપાલિકા બન્યા બાદ શહેરનો વિસ્તાર વધ્યો છે. નવા વિસ્તારમાં વાહન વ્યવહાર સિગ્નલની તાતી જરૂર છે. જ્યુબિલી ચાર રસ્તા, નરસંગ ટેકરી ચાર રસ્તા, કમલાબાગ વર્તુળ, છાંયા ચોકી, ભાનુભાઈની ખાંભી, પેરેડાઇઝ ફુવારા, એસટી ચાર રસ્તા, બાલુબા ફુવારા અને રેલવે સ્ટેશન પાસે નવા સિગ્નલ લગાવવા માંગ કરવામાં આવી છે.
અશ્ર્વિનભાઈ મોતીવરસે જણાવ્યું કે ટ્રાફિકના કારણે પ્રજાને નિયમ મુજબ ચાલવામાં તકલીફ પડે છે અને નાના મોટા અકસ્માત થાય છે. કટોકટી સમયે 108 એમ્બ્યુલન્સને ભાવસિંહજી હોસ્પિટલ, સ્ત્રી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે. તાજેતરમાં ચોપાટી મેદાન ખાતે રામદેવપીરના મંડપ વખતે એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ હતી તાત્કાલિક વ્યવસ્થા કરવી જરૂરી છે.
વધુમાં તેમણે સૂચન કર્યું કે તમામ મુખ્ય માર્ગો પર ટ્રાફિક નિયમ મુજબ માર્ગ નિશાની કરવી, સ્પીડ બ્રેકર, શાળા, હોસ્પિટલ અને વળાંક પર રંગકામ કરવું. પ્રજામાં ટ્રાફિક જાગૃતિ આવે તે માટે કાર્યક્રમ કરવા.
વાહન વ્યવહાર રક્ષક દળના જવાનો અંગે રજૂઆત કરતાં જણાવ્યું કે જવાનો ફરજ દરમિયાન મોબાઈલમાં વાત કરતા જોવા મળે છે. આવા જવાનોને કારણદર્શક નોટિસ આપવી જોઈએ. જવાનોની સંખ્યા ઓછી હોય તો નવી ભરતી કરવી જોઈએ. વાહન વ્યવહાર રક્ષક દળના જવાનને વાહન રોકવાનો અધિકાર નથી. તેમનું કામ માત્ર ટ્રાફિક નિયમન કરવાનું છે. વાહન રોકવાનો અધિકાર માત્ર પોલીસ નિરીક્ષક અને પોલીસને ગુજરાત સરકાર અને ગુજરાત ઉચ્ચ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ છે.
અશ્ર્વિનભાઈએ કટાક્ષ કરતાં જણાવ્યું કે પોરબંદરમાં વાહન વ્યવહાર રક્ષક દળના જવાનો સિંઘમ જેવું વર્તન કરે છે. ગામડેથી આવતા ખેડૂત, ખેત મજૂર, માછીમાર, રેકડી ધારક અને ગરીબ માણસોને લીમડા ચોક ફાટક પાસે રોકીને વીમા, પ્રદૂષણ પ્રમાણપત્ર, વાહન નોંધણી પોથી, લાયસન્સના નામે ડરાવવામાં આવે છે. ઈ-ચલણ બાકી છે અથવા બે હજાર દંડ ભરવો પડશે કહીને પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે. છેલ્લે 500 રૂપિયામાં સમાધાન થાય છે. પરંતુ મોટા બંગલાવાળા કે ધનિકોને ક્યારેય રોકવામાં આવતા નથી.
તેમણે ઉમેર્યું કે પોરબંદર મહાત્મા ગાંધી અને સુદામાની જન્મભૂમિ છે. અહીં આવતા પ્રવાસીઓને પણ વાહન વ્યવહાર રક્ષક દળથી ડર લાગે છે. ગુજરાતના અન્ય મહાનગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિક નિયમ મુજબ સિગ્નલ કાર્યરત છે તો પોરબંદરમાં કેમ નહીં.આ રજૂઆત ઉચ્ચ કક્ષાએ પણ કરવામાં આવી હોવાનું અશ્ર્વિન દેવજીભાઈ મોતીવરસે જણાવ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ