ચોકકસ દુકાને જ મળી રહ્યા છે પાઠયપુસ્તકો: કલાકો સુધી રાહ જોતા અનેક લોકોને દુકાનદારો સાથે થઇ રહ્યા છે ઘર્ષણ: જિલ્લા શિક્ષણાધિકારી ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં: અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સહિતના વિદ્યાર્થી સંગઠનો અને વિદ્યાર્થી નેતાઓ પણ કુંભકર્ણની નિંદ્રામાં: દુકાનો ઉપર થઇ રહી છે ગાળાગાળી
પોરબંદરમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે જ ખાનગી શાળાઓના પુસ્તકોને લઈને વાલીઓની હાલાકી ચરમસીમાએ પહોંચી છે. શહેરની મોટાભાગની ખાનગી શાળાઓના પુસ્તકો માત્ર બે-ત્રણ ચોક્કસ દુકાનોમાં જ મળતા હોવાથી ત્યાં વાલીઓની લાંબી કતારો લાગે છે અને કલાકો સુધી રાહ જોવી પડે છે અને તેથી ગાળાગાળી જેવા દ્રશ્યો સામાન્ય બની ગયા છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીની ધૃતરાષ્ટ્રની ભુમિકા અને વિદ્યાર્થી સંગઠનોની કુંભકર્ણની નિંદ્રા શરમજનક બની છે.
ગઈકાલે શહેરની એક પુસ્તકની દુકાનમાં વાલીઓ અને દુકાનદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી અને માથાકૂટના દ્રશ્યો સર્જાયા હતા. રોષે ભરાયેલા વાલીઓ દુકાનદારોને કહી રહ્યા હતા કે, અમારી મજબૂરી છે કે તમારે ત્યાં કલાક સુધી રાહ જોવી પડે છે, કારણ કે તમારી ઈજારાશાહી છે. બીજે ક્યાંય પુસ્તક મળતા જ નથી. દુકાનમાં ગાળાગાળી સુધી મામલો પહોંચતા વાતાવરણ તંગ બન્યું હતું.
આ સમગ્ર પરિસ્થિતિ માટે વાલીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી વી. કે. પરમારની ઘોર બેદરકારીને જવાબદાર ઠેરવી છે. વાલીઓનો આક્ષેપ છે કે પોરબંદરના જિલ્લા શિક્ષણ અધિકારી વી. કે. પરમાર ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમને લોકોની કે વિદ્યાર્થીઓની કશી પડી નથી. શાળા સંચાલકો સાથે તેમની સીધી સાંઠગાંઠ હોવાનો ગંભીર આક્ષેપ વાલીઓ કરી રહ્યા છે. જેના કારણે શાળાઓની ઈજારાશાહી બેફામ બની છે.
શહેરની મોટાભાગની શાળાઓમાં પુસ્તકથી માંડીને બૂટ, લેખન સામગ્રી અને શાળાની બેગ પણ ચોક્કસ જગ્યાએથી જ ખરીદવા માટે વાલીઓ પર આડકતરી રીતે દબાણ કરવામાં આવે છે. ચોક્કસ દુકાન સિવાય અન્ય કોઈ દુકાનદાર પુસ્તકો મંગાવી શકતા નથી. આ સમગ્ર કૌભાંડ સામે જિલ્લા શિક્ષણ અધિકારી વી. કે. પરમાર આંખ આડા કાન કરીને બેઠા છે.
વિદ્યાર્થી સંગઠનોની રહસ્યમય ચૂપકીદી શરમજનક
આટલા ગંભીર મુદ્દે પોરબંદરમાં કાર્યરત વિદ્યાર્થી સંગઠનોની ચૂપકી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ક્યાં ગયા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નિવેદન બાજ નેતાઓ? એવો સવાલ વાલીઓ પૂછી રહ્યા છે. પોતાની જાતને વિદ્યાર્થીઓના મદદગાર ગણાવનારા નેતાઓ આજે ક્યાંય દેખાતા નથી. વાલીઓનો આક્ષેપ છે કે આ નેતાઓ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા હોવાથી વિદ્યાર્થીઓના આ મહત્વના મુદ્દે લાજ કાઢી રહ્યા છે અને મૌન ધારણ કરીને બેઠા છે. વિદ્યાર્થીઓના હિતની વાતો કરનારા સંગઠનોની આ બેદરકારી શંકા ઉપજાવે છે.
વાલીઓની ચીમકી
વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો વી. કે. પરમાર તાત્કાલિક આ મુદ્દે પગલાં નહીં ભરે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વાલીઓની માંગ છે કે દુકાને કલાકો સુધી રાહ જોવાને બદલે જે તે શાળામાં જ પુસ્તકોના વેચાણની છૂટ આપવામાં આવે. શાળામાં જ પુસ્તકો મળવાથી લેખન સામગ્રીના દુકાનદારોની ઈજારાશાહીનો અંત આવશે અને વિદ્યાર્થીઓને ઓછા ભાવે પુસ્તક મળી રહેશે.
તંત્ર દ્વારા તાત્કાલિક આ પ્રકારની ઈજારાશાહી બંધ કરાવી શાળામાં જ પુસ્તક વેચાણની વ્યવસ્થા ગોઠવવામાં આવે અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી છે.
કલેકટરથી માંડીને કમિશ્ર્નર અને ડી.ડી.ઓ.થી માંડીને ડી.ઇ.ઓ. બધા જ સુસ્ત અને પનોતિ અધિકારીઓ !
પોરબંદરવાસીઓની અને પોરબંદર જિલ્લાના લોકોની કમનસીબી એ છે કે મોટા ભાગના અધિકારીઓ સુસ્તીબાજ અને પનોતિરૂપ છે. પોરબંદર જિલ્લામાં અશોક શર્મા અને કે.ડી. લાખાણી જેવા કલેકટરની કમી સ્વાભાવિક રીતે જ લોકોને મહેસુસ થઇ રહી છે. કારણકે એસ.ડી. ધાનાણી પાસે સારી વહીવટી ક્ષમતા હોય તેવુ લોકો અનુભવતા નથી કારણકે જિલ્લામાં પેટ્રોલ ડીઝલ અને ગેસના બાટલાની સમસ્યાથી માંડીને ઘંઉની ખરીદીમાં લોલમલોલ વખતે પણ અધિકારી કશુ ઉકાળી શકયા નથી તેથી અનેક સમસ્યાઓ મોં ફાડીને ઉભી છે તો બીજી બાજુ નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં પરિવર્તિત થયેલ પોરબંદરને પનોતિરૂપ કમિશ્ર્નર હસમુખ પ્રજાપતિ માથે પછડાયા છે. જેને સીધા દોર કરવા મેયર સાગર મોદી અને તેમની ટીમે કમર કસી છે અને ફરજનું ભાન કરાવી રહ્યા છે તો તાજેતરમાંજ પત્રકારોના સવાલોથી રીતસર ભાગી રહેલા સુસ્તીબાજ ડી.ડી.ઓ. ચૌધરી ગૌચરની જમીનના દબાણ જેવા પ્રશ્ર્ને પણ મોટા માથાઓના ઘુંટણીયે પડી ગયા હોય તેવુ જણાય રહ્યું છે તો અધૂરામાં પૂરુ ડી.ઇ.ઓ. એટલે જિલ્લા શિક્ષણ અધિકારી પરમાર પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને થતી હેરાનગતિ સામે ઘુંટણીયા ટેકવીને ઉભા છે અને જુદી જુદી શાળામાં શિક્ષણ માફિયાઓ ચોકકસ સ્થળોએ થી જ પુસ્તક ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ગોઠવી ચૂકયા છે તેની સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે જેના કારણે દુકાનો ઉપર માથાકુટો સર્જાઇ રહી છે.જિલ્લા શિક્ષણ અધિકારી વી. કે. પરમારથી માંડીને કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને કમિશ્ર્નર સુધીના તમામ અધિકારીઓની સુસ્તીના કારણે આજે પોરબંદરની પ્રજા હેરાન થઈ રહી છે. અધિકારીઓની નિષ્ક્રિયતા સામે લોકોમાં ભારે રોષ છે.
