પોરબંદરના યુવાનો વિશ્ર્વના સૌથી ઊંચા માર્ગ પર બાઈક લઈને નીકળ્યા

લદાખ સિયાચીન સહિત સર કરવા માટે ગયેલા યુવાનોની સાહસિકતાને બિરદાવવામાં આવી

પોરબંદરના સાહસિક યુવાનો વિશ્વના સૌથી ઊંચા માર્ગ ઉપર બાઈક સફર માટે નીકળ્યા છે.
પોરબંદરના સાહસિક યુવાન સુરજ પાંજરી અને તેના મિત્રોની ટીમ બાઇક લઈને લદાખ, સિયાચીન અને વિશ્વના સૌથી ઊંચા મોટરેબલ માર્ગ ઉમલિંગ લાસર કરવાના ધ્યેય સાથે પોરબંદરથી રવાના થયેલ છે.આ સાહસિક ટીમે અત્યાર સુધીમાં અટલ ટનલ, બારાલાચા પાસ, દીપક તાલ, સુરજ તાલ, નકીલા પાસ, લાચુંગ લા પાસ અને તાંગલાંગ લા પાસ જેવા અતિ દુર્ગમ અને ઊંચાઈવાળા પાસ સફળતાપૂર્વક પાર કરી લીધા છે.ખરાબ હવામાન, ઓછો ઓક્સિજન અને કપરા રસ્તાઓની પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે પણ ટીમે હિંમત હાર્યા વગર આગેકૂચ જારી રાખી અને હાલ લેહ શહેર પહોંચી ગયેલ છે.
સુરજ પાંજરીએ જણાવ્યું કે,અમારો મુખ્ય ઉદ્દેશ લદાખની ખૂબસૂરતી માણવાની સાથે સિયાચીન બેઝ કેમ્પ અને વિશ્વનો સૌથી ઊંચો મોટરેબલ રોડ ઉમલિંગ લા, જેની ઊંચાઈ 19,024ફુટ છે, તે સર કરવાનો છે.પોરબંદરથી નીકળીને આટલા દુર્ગમ રસ્તાઓ પાર કરવા એ અમારા માટે ગૌરવની વાત છે.અમે યુવાનોને સંદેશ આપવા માંગીએ છીએ કે હિંમત અને જુસ્સો હોય તો કોઈ પણ મંઝિલ દુર નથી.આગામી દિવસોમાં ટીમ ખારદુંગ લા, નુબ્રા વેલી થઈને સિયાચીન બેઝ કેમ્પ અને ત્યારબાદ હાનલે થઈને ઉમલિંગ લા તરફ પ્રયાણ કરશે.પોરબંદરના આ યુવાનોની સાહસિક સફર સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગૌરવરૂપ બની રહી છે. પોરબંદરના નાગરિકો અને યુવાનો દ્વારા સોશિયલ મીડિયા પર ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ