નર્મદા પાઇપલાઇન-38માં ભાદર ડેમનું જોડાણ આપવા ગુજરાત પાણી પુરવઠા બોર્ડને જણાવાયું: ઉનાળામાં ડેમોના નીચા જળસ્તર અને અનિયમિત પુરવઠાને ધ્યાનમાં રાખી પાણી વ્યવસ્થા મજબૂત બનાવવાના થશેપ્રયાસો
પોરબંદર શહેર અને આસપાસના વિસ્તારોમાં નિયમિત તથા પુરતા પ્રમાણમાં પાણી પુરવઠો ઉપલબ્ધ રહે તે હેતુસર પોરબંદર મહાનગરપાલિકાએ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. મેયર અને મ્યુનિસિપલ કમિશ્નરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી રજૂઆતમાં ભાદર ડેમમાંથી નવી પાઇપલાઇન દ્વારા નર્મદા પાઇપલાઇન-38 સાથે જોડાણ કરી શહેરને વધુ સ્થિર અને પૂરતો પાણી પુરવઠો પૂરો પાડવાની માંગ કરવામાં આવી છે.આ યોજના અમલમાં આવતાં પોરબંદરવાસીઓને પાણીની સમસ્યામાંથી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં નિયમિત અને પુરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળી રહે તે હેતુસર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.મેયર સાગરભાઇ મોદીની સુચના અને મ્યુનિસિપલ કમિશ્નર એચ. જે. પ્રજાપતિના માર્ગદર્શનમાં પોરબંદરવાસીઓને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશ્નર (પ્રોજેક્ટ) દ્વારા કાર્યપાલક ઇજનેર, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, પોરબંદરને પાઠવાયેલા પત્રમાં જણાવાયું છે કે,હાલમાં પોરબંદર શહેરને ફોદાળા ડેમમાંથી આશરે 20 થી 22 એમ.એલ.ડી, ખંભાળા ડેમમાંથી આશરે 5 થી 6 એમ.એલ.ડી. તેમજ નર્મદા પાઇપલાઇન-38 દ્વારા આશરે 10 થી 12 એમ.એલ.ડી. પાણી પુરવઠો આપવામાં આવે છે.પરંતુ નર્મદા પાઇપલાઇન મારફતે મળતો પાણી પુરવઠો અનિયમિત તેમજ પૂરતા દબાણ વિના મળતો હોવાનું અને ઉનાળાની પરિસ્થિતિને કારણે ફોદાળા તથા ખંભાળા ડેમમાં પાણીનું સ્તર નીચું હોવાથી શહેરના અનેક વિસ્તારોમાં પૂરતા દબાણથી પાણી પહોંચાડવામાં મુશ્કેલીઓ સર્જાઈ રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.આ પરિસ્થિતિને ધ્યાને રાખીને અગાઉ થયેલી ચર્ચા મુજબ ભાદર ડેમમાંથી નવી પાઇપલાઇન નાખી પોરબંદર આવતી નર્મદા પાઇપલાઇન-38 સાથે જોડાણ કરી આપવા વિનંતી કરવામાં આવી છે.આ જોડાણથી પોરબંદર શહેરને વધુ નિયમિત અને પુરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળી રહેશે તેમજ નાગરિકોને પાણીની સમસ્યામાંથી રાહત મળશે, તેની ખાત્રી મેયર સાગરભાઇ મોદી દ્વારા આપવામાં આવી છે. મહાનગરપાલિકાએ શહેરના નાગરિકોના હિતમાં પાણી પુરવઠાની વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે જરૂરી કાર્યવાહી ઝડપથી હાથ ધરવા સંબંધિત વિભાગને અનુરોધ કર્યો છે.
