‘તું અમારા ખાનદાનને લાયક નથી’ કહી ગર્ભવતી મહિલાને મરાયો માર

ઓડદર ખાતે રહેતી પરીણીતાએ માણાવદરના સરદારગઢ ખાતે રહેતા પતિ સહિત અડધો ડઝન સાસરીયાઓ સામે નોંધાવ્યો શારીરિક-માનસિક ત્રાસનો ગુન્હો: સાસરે રહેતી નણંદ અને નણંદોયા પણ આપતા હતા ત્રાસ: નવજાત પુત્રની સારવારના પણ પૂરતા રૂપિયા આપ્યા નહી હોવાનું જણાવ્યુ

પોરબંદરના ઓડદર ગામે રહેતી યુવતીના લગ્ન માણાવદરના સરદારગઢ ખાતે રહેતા યુવાન સાથે થયા હતા અને પતિ સહિત અડધો ડઝન સાસરીયાઓ શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાથી તમામ સામે ફરીયાદ દાખલ થઇ છે.
પોરબંદરના ઓડદર ગામે રહેતા હરદાસભાઇ ઘેલાભાઇ ચાંચીયાની દીકરી મીરાના લગ્ન એક વર્ષ પહેલા તા. 5-5-2025ના રોજ માણાવદરના સરદારગઢ ગામે રહેતા રામજી મેણંદ પારધીના દીકરા રણજીત સાથે થયા હતા અને લગ્ન બાદ પતિ સાથે સંયુકત પરિવારમાં રહેતી હતી. તા. 18-5ના મહિલા પોલીસ સ્ટેશનમાં આવીને અરજી આપી હતી જેમાં જણાવ્યુ હતુ કે લગ્ન પછી એક મહિના સુધી સારી રીતે ઘરસંસાર ચાલ્યો હતો. પરંતુ ત્યારબાદ ધીરે ધીરે પતિ રણજીત રામજી પારધી સસરા રામજીભાઇ મેણંદભાઇ પારધી અને સાસુ લક્ષ્મીબેન દ્વારા ત્રાસ ગુજારવાનુ શરુ થયુ હતુ એટલુ જ નહી, સાસુ સંભરામણી કરીને ‘તને કાંઇ કામકાજ કરતા આવડતુ નથી. અને તારી મમ્મીએ કાંઇ કામ શીખવેલ નથી. તું મારા દીકરાને લાયક જ નથી’ તેમ કહીને અવારનવાર મહેણા ટોણા મારીને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. સસરા પણ સાસુ જે કહે તેમાં સહકાર આપતા હતા અને તેઓ પણ કહેતા હતા કે ‘તું અમારા દીકરાને લાયક નથી’ પતિ રણજીત પણ ‘તું ગમતી નથી’ તેમ કહીને અવારનવાર ઝઘડા કરતો હતો અને દીયર રવિ પણ ‘કયાં મારો ભાઇ રણજીત અને કયા તું?’ કહીને તુકારે બોલીને શારીરિક-માનસિક ત્રાસ આપતા હતા. માણાવદરના છુડવા ગામે રહેતી નણંદ કમળાબેન હિતેશ ચાવડા અને નણંદોયા હિતેશ બાબુ ચાવડા ઘરે આંટો મારવા આવતા ત્યારે નણંદ પણ એમ જ કહેતી હતી કે, ‘ભાભી, તને કપડા બરાબર ધોતા આવડતા નથી. અમને તું કયાં ભટકાઇ ગઇ?’ કહીને તેઓ પણ ત્રાસ આપતા હતા.
છ મહિના પહેલા ફરીયાદી મીરા કપડા ધોતી હતી ત્યારે સાસુએ ‘તને કપડા ધોતા આવડતુ નથી’ તેમ કહેતા ફરિયાદીએ તેને ‘તો કેમ કપડા ધોવાય?’ પૂછયુ હતુ તેથી ઉશ્કેરાયેલ સાસુ લક્ષ્મીબેને પુત્રવધુના પીઠમાં ધુંબો મારી દીધો હતો. રાત્રે પતિ ઘરે આવ્યો ત્યારે ઝઘડાની ખબર પડતા તેણે પણ પત્ની મીરાને ઝાપટ મારી દીધી હતી. તેથી તેણે માતા-પિતાને ફોન કરતા તા. 11-12-2025ના માતા-પિતા તેને લેવા માટે આવ્યા હતા ત્યારે સાસરાપક્ષના સભ્યોએ તેને કહી દીધુ હતુ કે‘તારા માતા-પિતાના ઘરે જઇ રહી છો તેથી તારી કોઇપણ પ્રકારની જવાબદારી રહેશે નહી. તારી પ્રસૂતિ થાય ત્યારે જે કંઇ ખર્ચ થાય તે પણ આપશુ નહીં’ તેમ કહેતા હાથ ખંખેરી લીધા હતા. પાંચ મહિનાથી ગર્ભવતી હોવા છતાં પતિએ ઝાપટ મારી હતી આથી તે પીયરીયે આવી ગઇ હતી અને મહિલા પોલીસ સ્ટેશન ખાતે સાસરીયાઓ વિરૂધ્ધ અરજી કરી હતી.
સમાજના આગેવાનોને સસરાના ઘરે મોકલ્યા ત્યારે તેઓએ સારી રીતે રાખવાની ખાત્રી આપતા તા. 17-12-25ના ઘરમેળે સમાધાન થયુ હતુ અને નોટરી રૂબરૂ બંને પક્ષનું સમાધાન થયુ હતુ. તેમ છતા પતિકે સાસરીયાપક્ષના સભ્યો તેડવા આવ્યા ન હતા.
તા.15-3-2026ના ફરીયાદી મીરાને પ્રસૂતિ થતા પુત્રને જન્મ આપ્યો હતો અને તે બીમાર હોવાથી ડીલેવરી તથા સારવારના ખર્ચના 60 હજાર રૂપિયા મીરાના પિતાએ ચૂકવ્યા હતા. પતિ રણજીતે તા. 17-12-25ના 300 રૂા.ના સ્ટેમ્પ પેપર પર નોટરી લખાણ કરી આપ્યુ હતુ પણ પૈસા આપ્યા ન હતા. રણજીત હોસ્પિટલ ખાતે છોકરાનું મોઢુ જોવા આવ્યો ત્યારે 10 હજાર રૂપિયા ખર્ચના આપ્યા હતા તે પછી કયારેય ખબર પૂછી ન હતી. તેથી છ મહિનાથી મીરા ઓડદર તેના પીયરીયે રહે છે. તેથી અંતે તેણે પતિ રણજીત રામજી પારધી, સસરા રામજીભાઇ , સાસુ લક્ષ્મીબેન, દીયર રવિ, નણંદ કમળાબેન હિતેશ ચાવડા અને નણંદોયા હિતેશ બાબુ ચાવડા સામે ફરિયાદ નોંધાવી છે.

રિલેટેડ ન્યૂઝ