સુતારવાડા સહિતના વેપારી વિસ્તારોમાં બે દિવસે બે કલાક પાવર સપ્લાય થાય છે બંધ

આઠ-આઠ કલાક વીજકાપ લાદીને પ્રીમોન્સુનની કામગીરી કરવા છતાં પણ વીજધાંધીયા યથાવત: અધિકારીઓ ફોન પણ ઉપાડતા નહી હોવાની ડિસ્ટ્રીકટ ચેમ્બરે કરી ફરિયાદ

સુતારવાડા સહિતના વેપારી વિસ્તારોમાં બે દિવસે બે કલાક પાવર સપ્લાય બંધ થાય છે. આઠ-આઠ કલાક વીજકાપ લાદીને પ્રીમોન્સુનની કામગીરી કરવા છતાં પણ વીજધાંધીયા યથાવત છે અને અધિકારીઓ ફોન પણ ઉપાડતા નહી હોવાની ડિસ્ટ્રીકટ ચેમ્બરે ફરિયાદ કરી છે.
ડિસ્ટ્રીકટ ચેમ્બરના પ્રમુખ અનિલભાઇ કારીયાએ પી.જી.વી.સી.એલ.ના અધિક્ષક ઇજનેરને લેખિત ફરિયાદ કરી જણાવ્યુ છે કે પી.જી.વી.સી.એલ. દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત દરેક વિસ્તારોમાં જુદા-જુદા દિવસે આઠેક કલાક જેટલો પાવર કાપ આપી જરૂરી રીપેરીંગ કામો હાથ ધરવામાં આવતા હોય છે. આ મુજબ કીર્તિમંદિર સબ ડિવીઝન હેઠળ આવતા સુતારવાડા વિસ્તારમાં પણ બે-ત્રણ વખત પાવર સપ્લાય બંધ રાખી પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરવામાં આવેલી
હતી.
ઉનાળાની કાળજાળ ગરમીમાં કીર્તિમંદિર સબડિવીઝન હેઠળ આવતા શહેરના હોલસેલ વ્યાપારના હૃદય સમાજ સુતારવાડા જેવા ગીચ વિસ્તારમાં પ્રિ-મોન્સુન કામગીરી પૂર્ણ થયા બાદ પણ ધંધાના સમય દરમ્યાન જ દર બે-ત્રણ દિવસે દોઢ -બે કલક પાવર સપ્લાય બંધ રહે છે. આવા પાવર સપ્લાય કટ થાય તે વ્યાપારીઓ માટે આર્થિક રીતે નુકશાનકર્તા સાબિત થાય છે. જે કોઇપણ રીતે યોગ્ય ગણી શકાય નહી. આમ, જો પ્રિ-મોન્સુન રીપેરીંગ કામગીરી બાદ પણ મોન્સુન ચાલુ થયા પહેલાપાવર સપ્લાય બંધ થતો હોય તો કરવામાં આવેલી પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલો ઉભા થાય છે.
આવા અનિયમિત અને અવારનવાર થતા પાવર સપ્લાય વિક્ષેપ બાબતે સંલગ્ન પેટાવિભાગીય કચેરીના કાછડીયાના મો. 98789 35633 ઉપર અનેકવખત ડિસ્ટ્રીકટ ચેમ્બરના પૂર્વ પ્રમુખ અનીલભાઇ કારીયા દ્વારા પ્રયત્નો કરવા છતાં મોબાઇલ પર નો રીપ્લાય થયેલ છે. આમ, સર્વિસ પ્રોવાઇડર દ્વારા તેમના ગ્રાહકો કે તેના પ્રતિનિધિની ઉપેક્ષા કરવી તે કેટલુ યોગ્ય ગણી શકાય? તો આ બાબતે આપના દ્વારા સંલગ્ન કચેરીને આપની સત્તાની રૂએ ઘટતુ થઇ આવવા જરૂરી સૂચનો આપવા અપીલ છે. તેમ અનીલભાઇ કારીયાએ જણાવ્યુ છે.

રિલેટેડ ન્યૂઝ