રાજ્યની પાક કબ્જાની 143 બોટના માલિકો સોફટલોન પેકેજથી વંચિત

વર્ષ 2009માં 300 બોટમાલિકોને લાભ આપવાની જાહેરાત થયા બાદ 157ને મળી હતી રકમ: 17 વર્ષથી લાખો રૂપિયા ચુકવાયા નહી હોવાથી અદાલતના દ્વાર ખટખટાવવાની અપાઇ ચેતવણી

ગુજરાત રાજ્યના બોટમાલિકો કે જેમની ફિશીંગ બોટ પાકિસ્તાનના કબ્જામાં છે તે પૈકી 300 જેટલી બોટના માલિકો માટે સોફટલોન પેકેજ જાહેર કરવામાં આવ્યુ હતુ. જેમાં 143 બોટમાલિકોને હજુ સુધી લાભ અપાયો નથી તેથી કોર્ટમાં જવાની ચેતવણી આપવામાં આવી છે.
પોરબંદરના સીનીયર માચ્છીમાર આગેવાન મધુભાઇ મંગાભાઇ સોનેરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત રાજ્ય અને કેન્દ્ર સરકારને લેખિતમાં જાણ કરીને જણાવ્યુ છે કે સને 2009માં કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનમાં પકડાયેલ બોટ માલિકને બીજી બોટ બનાવવા માટે સરકાર તરફથી રૂા. 11 લાખની સોફટ લોન પેકેજ આપવાની જાહેરાત કરાયેલ હતી અને સરકાર તરફથી 300 બોટ માલિકોને સોફટ લોન પેકેજ આપવાની સરકાર તરફથી નકકી કરવામાં આવ્યુ હતુ. તેમાંથી 157 બોટમાલિકોને આ લોનનો લાભ મળેલ હતો. અને બાકીના 143 બોટમાલિકોને આ લોન મળવાથી વંચિત રહેલ છે અને 35 બોટ માલિકોને સરકાર તરફથી હજુ સુધ સોફટ લોનના રૂા. 6,00,000 પુરા ચુકવવાના બાકી રાખેલ છે અને આ બાકી રહેલ લોનની છેલ્લા 17 વર્ષથી ચુકવણી કરવામાં આવેલ નથી. જો આ ચુકવણી તાત્કાલિક ધોરણે કરવામાં નહી આવે તો માછીમારોને નાછૂટકે ન્યાયની અદાલતના દ્વારા ખખડાવવાની ફરજ પડશે. જેની નોંધ લેશો.
હાલમાં ગુજરાતનાં માચ્છીમારો, બોટમાલિકોની હાલત અતિશય ખરાબ છે. માછલીની પડતર બહુ જ ઓછી છે. કલાઇમેટ ગ્લોબલ વોર્મિંગ અને પોલ્યુશનના કારણે વારંવાર ચેન્જ થાય છે. છેલ્લા 17 વર્ષથી બોટમાલિકોને સોફટલોન પેકેજની બાકી રહેલી રકમ ચુકવવામાં આવેલ નથી. જો સરકાર દ્વારા આ ચુકવણુ માચ્છીમારોને કરવામાં આવે તો માચ્છીમારોને પૂરતો ન્યાય મળે. જીવન નિર્વાહમાં રાહત મળે. તો આ બાબતે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા મધુભાઇ મંગાભાઇ સોનેરીએ માંગ કરી છે.

રિલેટેડ ન્યૂઝ