જળસંગ્રહ ક્ષમતા વધારવા માટે થયું સુચન: તળાવનો કાઢ્યો તુટી ગયો હોવાથી ચોમાસામાં વહી જશે પાણી: વન્યજીવોના હિતમાં સમારકામની થઈ રજુઆત
પોરબંદર નજીક આવેલા બરડા ડુંગરમાં ભાણવાવ નજીકનું તળાવ છે તેનો કાઢ્યો તુટી ગયો હોવાથી ચોમાસામાં વરસાદી પાણી વહી જાય તે પહેલાં તંત્ર તેનું સમારકામ કરાવે તેવી માંગણી ઉઠવા પામી છે.
પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પ્રતાપભાઈ ખિસ્તરીયાએ કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલું બરડા ડુંગર સૌરાષ્ટ્રનો એક મહત્વપૂર્ણ પહાડી અને વન્યજીવ સમૃદ્ધ વિસ્તાર છે.બરડા ડુંગરમાં રાજાશાહી સમયગાળા દરમિયાન નિર્માણ પામેલા ખંભાળા ડેમ અને ફોદાળા ડેમ સહિત અનેક નાના-મોટા ચેકડેમો અને જળસંગ્રહના સ્ત્રોતો આવેલા છે,જે સમગ્ર વિસ્તારના પર્યાવરણ અને વન્યજીવન માટે મહત્વની ભૂમિકા ભજવે છે.બરડા ડુંગર વિસ્તારમાં ભાણો, ભતરી, વેણુ, અંબેચ, અભેપરા, ગોકુર, કીલેશ્વર, જોધપુર અને ઘેલાણા જેવા અનેક ડુંગરો આવેલા છે.આ વિસ્તારમાં સિંહ, દીપડો, નીલગાય, ચીતળ, રોઝડા, શિયાળ, જંગલી ભૂંડ અને મોર સહિતના અનેક વન્યજીવોનું નિવાસસ્થાન છે.સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોના જણાવ્યા મુજબ ભતરી ડુંગરની બાજુમાં ભાણવડ નજીક આવેલું નાનું તળાવ હાલમાં જર્જરિત હાલતમાં છે.તળાવનો કાઢિયો તૂટી જવાથી અને તેની ઊંચાઈ ઓછી હોવાથી ચોમાસામાં વરસાદી પાણીનો પુરતો સંગ્રહ થઈ શકતો નથી.પરિણામે મોટાભાગનું પાણી વહી જાય છે અને ઉનાળાની ઋતુ દરમિયાન પાણીની ગંભીર અછત સર્જાય છે.પાણીની તંગીના કારણે વન્ય પ્રાણીઓ પાણીની શોધમાં નજીકના ગામો તરફ આવી જાય છે, જેના કારણે માનવ-વન્યજીવ સંઘર્ષની ઘટનાઓમાં વધારો થવાની શક્યતા રહે છે.ખાસ કરીને સિંહ અને દીપડા જેવા વન્યજીવો માટે આ સ્થિતિ ચિંતાજનક બની શકે છે.
સ્થાનિક ખેડૂતોના મતે જો વન વિભાગ દ્વારા તળાવના કાઢિયાને અંદાજે ત્રણ ફૂટ જેટલો ઊંચો કરી તેનું મજબૂતીકરણ અને સમારકામ કરવામાં આવે તો ઓછા ખર્ચે મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઈ શકે છે.આ કામગીરીથી આસપાસના ગામોના ખેડૂતો, પશુધન અને વન્યજીવોને સીધો લાભ મળશે તેમજ બરડા વિસ્તારના પર્યાવરણ સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન મળશે.
ખેડૂતોનું કહેવું છે કે વન વિભાગ દ્વારા ડીસિલ્ટીંગના નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે,પરંતુ આવા ખોદકામથી સર્જાયેલા ખાડાઓમાં પાણી લાંબા સમય સુધી ટકી શકતું નથી. તેના બદલે હાલના જળસંગ્રહ સ્ત્રોતોના સમારકામ અને ક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવે તો વધુ અસરકારક પરિણામો મળી શકે.પોરબંદર જિલ્લાના ખેડૂતોવતી રાજ્ય સરકાર અને વન વિભાગને રજૂઆત કરવામાં આવી છે કે ભાણવાવ નજીક આવેલા આ તળાવની તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ ટેકનિકલ સર્વે કરવામાં આવે તેમજ તળાવના કાઢિયાનું મજબૂતીકરણ અને ઊંચાઈ વધારવાના કામને પ્રાથમિકતાના ધોરણે મંજૂરી આપવામાં આવે.ખેડૂતોનું માનવું છે કે આ નાનું પરંતુ અત્યંત ઉપયોગી કાર્ય હાથ ધરવામાં આવે તો હજારો લીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે, વન્યજીવોને વર્ષભર પાણી ઉપલબ્ધ રહેશે, માનવ-વન્યજીવ સંઘર્ષમાં ઘટાડો થશે અને ખેડૂતોને પણ મોટી રાહત મળશે.
