જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદન: 300 એકર ફળદ્રુપ જમીન બચાવવા થઈ રજુઆત
એક બાજુ સરકાર ભારવાડા ખાતે ફર્નિચર ઉદ્યોગ લાવવાની વિચારણા કરી રહી છે તો બીજી બાજુ ત્યાંના સ્થાનિક ખેડૂતોએ આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં તેઓએ વિરોધ વ્યક્ત કરીને ન્યાય અપાવવા માંગ કરી હતી.
પોરબંદર નજીકના ભારવાડા વિસ્તારમાં પ્રસ્તાવિત ફર્નિચર ઉદ્યોગ માટે જમીન સંપાદનની પ્રક્રિયાને લઈને સ્થાનિક ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. આ મુદ્દે ભારવાડા ગામના ખેડૂતો અને જમીનધારકોના પ્રતિનિધિમંડળે આજે પોરબંદર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા મુજબ ઔદ્યોગિક વિકાસ માટે જે જમીન સંપાદિત કરવાની ચર્ચા ચાલી રહી છે તેમાં ડેમ વિસ્તારની જમીન તેમજ સરકાર દ્વારા વર્ષો અગાઉ દલિત પરિવારોને ફાળવવામાં આવેલી 10/4પ્રકારની જમીનોનો પણ સમાવેશ થાય છે. ખેડૂતોનું કહેવું છે કે કુલ આશરે 600એકર વિસ્તારમાંથી લગભગ 300એકર જમીન ખેતીલાયક અને ફળદ્રુપ છે,જે તેમના પરિવારની આજીવિકાનું મુખ્ય સાધન છે. સરકાર દ્વારા ફાળવવામાં આવેલી જમીન પર કાયદેસર હક હોવા છતા પુરતા વળતર અને યોગ્ય વ્યવસ્થા વિના જમીન સંપાદન કરવામાં આવશે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર કેટલાક વિસ્તારોમાં તોડફોડ સંબંધિત નોટિસો પણ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
ખેડૂતોએ બરડાસાગર ડેમના સંરક્ષણનો મુદ્દો પણ કલેક્ટર સમક્ષ ઉઠાવ્યો હતો.તેમની રજૂઆત મુજબ આ ડેમ અને તેની આસપાસનો વિસ્તાર હજારો ખેડૂતો અને પશુપાલકો માટે જીવનદાયી સાબિત થયો છે.જો આ વિસ્તારમાંથી મોટા પાયે માટી ઉખેડવામાં આવશે અથવા કુદરતી સંતુલન ખોરવાશે તો દરિયાઈ ખારાશ અંદરના વિસ્તારો સુધી ફેલાવાનો ભય છે, જેના કારણે ખેતી અને ભૂગર્ભ જળ પર ગંભીર અસર પડી શકે છે. ખેડૂતો દ્વારા ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં હાલની જમીન યથાવત રાખવાની, જમીન સંપાદન અનિવાર્ય હોય તો બજારભાવ મુજબ યોગ્ય વળતર ચૂકવવાની તથા અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસનની પૂરતી વ્યવસ્થા કરવાની માંગણીનો સમાવેશ થાય છે.
ખેડૂતોનું કહેવું છે કે અનેક પરિવારો પાસે આ જમીન સિવાય અન્ય કોઈ આવકનું સાધન કે વસવાટ માટે વિકલ્પ ઉપલબ્ધ નથી. અંતે ખેડૂતોના પ્રતિનિધિમંડળે જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપી કોઈપણ નિર્ણય લેતા પહેલાં ખેડૂતોને વિશ્વાસમાં લેવા તથા તાત્કાલિક અસરથી કાર્યવાહી સ્થગિત રાખવાની વિનંતી કરી હતી.
