ચોમાસા પહેલા છત છીનવવી એ વિકાસ કહેવાય?!
20 પરિવારોના મકાન તોડવામાં આવ્યા: પોરબંદરને મળશે 15 કરોડની જમીન પર 5000 ચો.મી.ની ભવ્ય લાઇબ્રેરી: સ્મશાન પાસે પ્લોટ આપીને ગરીબોને “મરવા કહો છો? પહેલા છત આપો, પછી બુલડોઝર ચલાવો
પોરબંદરમાં લાઇબ્રેરી બનાવવા માટે રિવરફ્રન્ટ નજીક કર્લી પુલ પાસે 15 કરોડની 5000 ચોરસ મીટર જમીન ઉપરનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું
પોરબંદર શહેરની મધ્યમાં રિવરફ્રન્ટ નજીક 5000 ચો.મી. અને 15 કરોડની કિંમતી જમીન દબાણમુક્ત થઈ છે. આ જમીન પર ભવ્ય જાહેર લાઇબ્રેરી બનશે ગાંધીજીની નગરીમાં “જ્ઞાનનું મંદિર” બને એનાથી મોટી ખુશી શું? 5000 ચો.મી.નો વિશાળ વાંચન ખંડ, ડિજિટલ લાઇબ્રેરી, ચિલ્ડ્રન્સ ઝોન, સ્પર્ધાત્મક પરીક્ષાનો વિભાગ – આનાથી હજારો વિદ્યાર્થીઓ-યુવાનોને ફાયદો થશે. પ્રજાના ટેક્સના પૈસાની 15 કરોડની જમીન હવે પ્રજાના ભવિષ્ય માટે વપરાશે.
તંત્રે જ વસાવ્યા, તંત્ર જ ઉજાડે છે
સૌથી મહત્વની વિગત એ છે કે અત્યારે જે 20 પરિવારોના મકાન તોડવામાં આવ્યા, તેમને 1995માં નગરપાલિકાએ જ અન્ય જગ્યાએથી સ્થળાંતરિત કરીને “અહીં રહો”ની લેખિત/મૌખિક સૂચના આપી હતી. સરકારના ભરોસે, સરકારની જગ્યાએ લોકોએ છેલ્લા 30 વર્ષથી કાચા-પાકા મકાન બનાવીને જીવન વિતાવ્યું. બાળકો મોટા થયા, લગ્ન થયા, પેઢીઓ વસી.હવે 30 વર્ષ પછી એ જ તંત્ર આવીને કહે છે “આ દબાણ છે”. અરે ભાઈ, દબાણ 1995માં હતું કે 2026માં? જો 1995માં દબાણ હતું તો તંત્રે જ વસાવ્યા કેમ? અને જો તંત્રે વસાવ્યા તો 30 વર્ષ પછી બેઘર કરવાનો અધિકાર કોણે આપ્યો?
સ્મશાન પાસે “વૈકલ્પિક પ્લોટ”
તંત્ર કહે છે કે વૈકલ્પિક પ્લોટ ફાળવ્યા છે. ક્યાં? છાયા વિસ્તારમાં, સ્મશાન પાસે. ત્યાં પાણી નથી, વીજળી નથી, રસ્તો નથી, સગવડ કંઈ નથી. માત્ર ખુલ્લી જમીન અને બાજુમાં સ્મશાન.સવાલ એ છે: કોઈ મા-બાપ પોતાના બાળકોને સ્મશાનની બાજુમાં, વગર સુવિધાએ રહેવા મોકલે ખરી? વિધવા અને વિકલાંગ દીકરો ત્યાં કઈ રીતે જીવે? આને “પુનર્વસન” કહેવાય કે “કબ્રસ્તાનમાં ધકેલવા” કહેવાય?
ચોમાસું માથેને તંત્રને શુરાતન ચડ્યું
ચોમાસું શરૂ થશે. ત્યારે તંત્રને શુરાતન ચડ્યું છે. પૂરતી નોટિસ નહીં, સુનાવણી નહીં, પુનર્વસન નહીં – સીધા બુલડોઝર અને પોલીસ બંદોબસ્ત. કાયદો કહે છે “પહેલા વૈકલ્પિક વ્યવસ્થા, પછી તોડફોડ”. પણ પોરબંદરનું વહીવટી તંત્ર કાયદાથી ઉપર ચાલે છે લાગે છે. એ જમીન ઉપર રહેતા આશરે 20 પરિવારોના કાચા મકાનો તોડી પાડવામાં આવ્યા. સ્થાનિકોનો આક્ષેપ છે કે તેમને પૂરતી નોટિસ કે સમય આપ્યા વિના, માત્ર એક નોટિસ બતાવીને બીજા જ દિવસે પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી દેવાઈ. પરિણામે ઘરવખરી, બાળકોના ચોપડા – બધું કાટમાળમાં.
સવાલ અને માંગણી
જેમણે વસાવ્યા તેમણે જ ઉજાડવાના હોય તો વચ્ચે 30 વર્ષનો ટેક્સ, વીજબિલ, રેશનકાર્ડ કેમ આપ્યા? એ બધું ખોટું હતું?સ્મશાન પાસેની જમીન નહીં ચાલે. રહેણાંક વિસ્તારમાં, પાણી-વીજળી-રસ્તા-શાળા-દવાખાના સાથે પ્લોટ/આવાસ આપો.લાઇબ્રેરીનું કામ અટકાવતા નથી. પણ જ્યાં સુધી દરેક પરિવારને માણસાઈભરી છત ન મળે ત્યાં સુધી વધુ એક ઈંટ ન તોડો. કોર્ટના આદેશોનું પાલન કરો.1995માં વસાવનાર અને 2026માં ઉજાડનાર – બંને તંત્રના જ અધિકારીઓ છે. તો આ અમાનવીય નિર્ણયનો આદેશ આપનાર સામે કાર્યવાહી કોણ કરશે?ગાંધીજીની નગરીમાં “સત્ય અને અહિંસા”ના નામે ગરીબોને સ્મશાન પાસે ધકેલવા એ શરમની વાત છે.તંત્રને છેલ્લી વિનંતી છે.લાઇબ્રેરી બનાવો, પણ કોઈનું ઘર તોડીને નહીં. વિકાસ કરો, પણ માણસાઈ વેચીને નહીં.!
વિધવા માતાએ રડતાં રડતાં કહ્યું –
“મારો દીકરો વિકલાંગ છે સાહેબ… ક્યાં જઈશું?
વિધવા માતાએ રડતાં રડતાં કહ્યું – “મારો દીકરો વિકલાંગ છે સાહેબ… ક્યાં જઈશું?” ચોમાસું માથે છે અને 10-12 પરિવારોને વૈકલ્પિક પ્લોટ જ મળ્યો નથી. જેમને પ્લોટ મળ્યો છે ત્યાં પાણી-વીજળી-રસ્તો કંઈ નથી.સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ નગરપાલિકાએ જ તેમને અન્ય જગ્યાએથી અહીં સ્થળાંતર કરાવીને જગ્યા ફાળવી હતી. વિશ્વાસ રાખીને પાકા મકાન બનાવ્યા. હવે એ જ તંત્ર છત છીનવી રહ્યું છે.
