અંતે પોરબંદરની સુર્યાવાડ મેમણ જમાતની મેનેજીંગ કમિટીની ચૂંટણી યોજવા વકફ બોર્ડે કર્યો આદેશ

ટ્રસ્ટમાં ઘણા લાંબા સમયથી એકહથ્થુ શાસન ચાલતુ હોવાથી થઇ હતી ઉચ્ચકક્ષાએ ફરિયાદ: મહોરમ પછી જનરલ બોર્ડની બેઠક મળ્યા બાદ યોજાશે ચૂંટણી

અંતે પોરબંદરની સુર્યાવાડ મેમણ જમાતની મેનેજીંગ કમિટીની ચૂંટણી યોજવા વકફ બોર્ડે આદેશ કર્યો છે.
ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગરના તા. 26/5/2026 ના હુકમથી પોરબંદર સુર્યાવાડ મેમણ જમાતની મેનેજીંગ કમિટીની ચુંટણી યોજવા હુકમ થયેલ છે. ચુંટણી અધિકારી તરીકે માણાવદરના હુસેન દલ અને મદદનિશ ચુંટણી અધિકારી તરીકે પોરબંદરના આરીફ રાઠોડની નિમણુંક થઈ છે. ચુંટણી અધિકારી એ હાલના વહીવટકર્તાઓને નોટીસો આપી છે. સુર્યાવાડ મેમણ જમાતના સભ્યોની મતદાર યાદી તૈયાર કરવાનું કામ શરૂ કરવામાં આવેલ છે. મહોરમ બાદ સુર્યાવાડ મેમણ જમાતનું જનરલ બોર્ડ મળશે અને ત્યારબાદ ચુંટણી યોજાશે. સુર્યાવાડ મેમણ જમાતની ચુંટણી પ્રથમવાર યોજાનાર છે. આગેવાનો અને યુવાનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ચુંટણીના ચુંટણી અધિકારી હુસેન દલ એ આ અગાઉ પોરબંદર સુન્ની અંજુમને ઈસ્લામની જનરલ ચુંટણી નિડરતા, નિષ્પક્ષતા, તટસ્થતા, કાયદેસરતા સાથે અભૂતપૂર્વ આયોજનબધ્ધ અને સંપુર્ણ શાંતિપૂર્ણ વાતાવરણમાં પુર્ણ કરી હતી. એ ચુંટણી વખતે પોરબંદરના મુસ્લીમ સમાજે પ્રથમવાર મતદાન કરી લોકશાહી ઢબે પોતાના પ્રતિનિધિઓને ચુંટ્યા હતા. એવી જ પધ્ધતિથી સુર્યાવાડ મેમણ જમાતની ચુંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પુરી થશે.
સામાન્ય રીતે પોરબંદર શહેરમાં રહેતા હોય અને સુર્યાવાડ મેમણ જમાતના સભ્ય હોય એવા પરીવારના પુખ્ત વયના સર્વે પુરુષ સભ્યોની મતદાર યાદી બનશે. એવી મતદાર યાદીમાં નામ હશે તેઓ જ મતદાન કરી શકશે અને તેઓ જ ઉમેદવારી કરી શકશે. ચુંટણી અધિકારી એ જણાવ્યું હતું કે, ચુંટણી ફરજીયાત નથી, મેનેજીંગ કમીટી બિનહરીફ પણ થઈ શકે છે. મેનેજીંગ કમીટી બિનહરીફ થાય એ માટે પ્રયત્નો કરવામાં આવશે.
સુર્યાવાડ મેમણ જમાતના હિસાબો અને ઓડીટ અંગે પુછતાં ચુંટણી અધિકારી જણાવ્યું હતું કે તેઓ ફક્ત મેનેજીંગ કમિટીની ચુંટણી યોજવા માટે ચુંટણી અધિકારી છે, તેઓ તપાસ અધિકારી નથી અને વહીવટદાર પણ નથી.
તૈયાર થનાર મતદાર યાદીમાંથી કોઈ મતદાર બાકાત ના રહે અને હર્ષ ઉલ્લાસ સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી પુર્ણ થાય એ માટે આગેવાનો અને યુવાનોને ચુંટણી અધિકારી અને મદદનિશ ચુંટણી અધિકારી એ અપીલ કરી હતી. તેમ સુર્યાવાડ મેમણ જમાતના ચુંટણી અધિકારી,હુસેન દલે જણાવ્યુ હતુ.

રિલેટેડ ન્યૂઝ