રાજ્યના ઉદ્યોગગૃહોમાં શ્રમિકોની સુરક્ષા અને આરોગ્ય સેવાને વધુ સશકત બનાવવા માટે રાજ્ય સરકાર કટિબધ્ધ હોવાનું જણાવ્યુ: પ્લાન્ટની સલામતીની વ્યવસ્થા, ઇમરજન્સી પ્રતિસાદ સીસ્ટમ, વગેરેનું કર્યુ નિરીક્ષણ
રાણાવાવની સુવિખ્યાત સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીની શ્રમ અને રોજગારમંત્રી કુંવરજી બાવળીયાએ મુલાકાત લીધી હતી.
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તેમજ ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ રાણાવાવ સ્થિત સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીની મુલાકાત લઈ કંપનીમાં ઉપલબ્ધ સલામતી ધોરણો, આરોગ્ય સુવિધાઓ તથા શ્રમિક કલ્યાણ સંબંધિત વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.
મુલાકાત દરમિયાન મંત્રીએ ઈમરજન્સી વ્યવસ્થાઓ, કાયમી તથા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓ, સેફ્ટી કીટની ઉપલબ્ધતા, કર્મચારીઓની નોંધણી તેમજ કોન્ટ્રાક્ટની શરતો અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે શ્રમિકોની સુરક્ષા અને આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની જરૂરિયાત પર ભાર મૂકતાં ઉદ્યોગ સંચાલકોને તમામ સલામતી ધોરણોનું કડક પાલન કરવા સૂચન કર્યું હતું.
મંત્રીએ કંપનીના મુખ્ય મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, આરોગ્ય અને મોનીટરીંગ સહિતના વિવિધ વિભાગોની મુલાકાત લઈ કાર્યસ્થળની સુરક્ષા વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત કર્મચારીઓને ઉપલબ્ધ તબીબી સેવાઓ અંગે માહિતી મેળવી હતી. ખાસ કરીને ડસ્ટિંગના કારણે થતા સિલિકોસિસ રોગના નિદાન અને નિવારણ માટે ઉપલબ્ધ સુવિધાઓ અંગે વિસ્તૃત માહિતી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા.
કંપનીના એચ.આર. વિભાગના એચ.એમ. ખૂંટી દ્વારા પ્રેઝન્ટેશન મારફતે પ્લાન્ટ ખાતે ઉપલબ્ધ વિવિધ સુવિધાઓ અને સલામતી વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે સૌરાષ્ટ્ર સિમેન્ટ કંપનીના વિવિધ વિભાગોના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
