નવી લાંબા અંતરની ટ્રેન મળે તેવો આશાવાદ દર્શાવાયો
રાણાવાવ પાસે 135 કરોડના ખર્ચે બનનારા રેલ્વેના કોચીંગ ડેપોથી રેલ્વે સુવિધાઓમાં સુધારો થશે અને નવી લાંબા અંતરની ટ્રેન મળે તેવો આશાવાદ દર્શાવાયો છે.
પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના રેલવે કમિટીના ચેરમેન વિજય ઉનડકટે જણાવ્યું હતું કેન્દ્રીય રેલ મંત્રી અશ્ર્વિની વૈષ્ણવની દીર્ઘ દ્રષ્ટિ અને પોરબંદરના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા તથા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના સત પ્રયાસોના પરિણામે રાણાવાવ રેલવે સ્ટેશન હવે પશ્ર્ચિમ રેલ્વેનું મહત્વનું હબ બનવા જઈ રહ્યું છે.
તા. 3 ઓગસ્ટ 2025ના રોજ ભાવનગર ખાતેના સત્તાવાર કાર્યક્રમમાં કેન્દ્રીય રેલ મંત્રીએ સ્પષ્ટ જાહેરાત કરી હતી કે રાણાવાવ ખાતે વંદે ભારત અને કોચના મેઈન્ટેનન્સ માટે આધુનિક ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપો ઊભો કરવામાં આવશે. પશ્ર્ચિમ રેલ્વે ભાવનગર ડિવિઝનના સીનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂા135.64 કરોડ છે. રાણાવ પાસે ઉપલબ્ધ જમીનના કારણે વંદે ભારત ટ્રેનોના ઝડપી વિસ્તરણ અને પોરબંદર પરનું મેઈન્ટેનન્સ લોડ ઘટાડવા માટે આ સ્થળ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનું છે. આ સાથે જ પોરબંદર-રાજકોટ વચ્ચે લાંબા સમયથી પ્રતીક્ષિત નવી ટ્રેન સર્વિસને મંજૂરી આપવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે રાણાવાવ ખાતે કોચિંગ ડેપો કાર્યરત થયા બાદ પોરબંદરથી લાંબા રૂટની નવી ટ્રેન હવે પૂરેપૂરી શક્ય બનશે. અત્યાર સુધી ટ્રેનના કોચ સ્ટેબલિંગ અને મેઈન્ટેનન્સની સુવિધાના અભાવે પોરબંદરથી લાંબા અંતરની ટ્રેન શરૂ કરવી શક્ય ન હતી. હવે આ અડચણ દૂર થતાં મુંબઈ, અમદાવાદ, દિલ્હી સહિતના મહત્વના શહેરો માટે સીધી ટ્રેન શરૂ કરવાનો માર્ગ મોકળો થયો છે.
ચેમ્બરના પ્રમુખ ટી.કે. કારિયાએ જણાવ્યું કે સરાડિયા-વાંસજળિયા નવી રેલલાઇન, પોરબંદર શહેરમાં રેલવે ફ્લાયઓવર અને કાર્ગો ટર્મિનલ જેવા પ્રોજેક્ટની મંજૂરીથી પોરબંદર જિલ્લાની કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સમાં નવો અધ્યાય શરૂ થશે. કોચિંગ ડેપો કાર્યરત થયા બાદ પોરબંદર ફક્ત ટર્મિનસ નહીં રહે, પરંતુ ટ્રેન ઓરિજિનેશન પોઇન્ટ બનશે. આનાથી સ્થાનિક ઉદ્યોગ, દરિયાઈ વેપાર અને પ્રવાસન ક્ષેત્રને સીધો ફાયદો થશે. ચેમ્બર ઓફ કોમર્સ રેલવે કમિટી તરફથી કેન્દ્રીય મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ, સાંસદ મનસુખભાઈ માંડવીયા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાનો આભાર વ્યક્ત કરીએ છીએ. તેમની દૂરંદેશી અને સત ફોલોઅપના કારણે જ આજે પોરબંદર જિલ્લો રેલ માળખાગત વિકાસમાં ગુજરાતમાં અગ્રેસર બની રહ્યો છે.
આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ હજારો યુવાનોને રોજગારી મળશે અને પોરબંદર-રાજકોટ-જૂનાગઢ પટ્ટીનું આર્થિક માળખું વધુ મજબૂત બનશે તેવી અમને પૂર્ણ શ્રદ્ધા છે.પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ ટી.કે. કારિયા અને રેલ્વે કમિટીના ચેરમેન વિજય ઉનડકટે જણાવ્યુ છે.
