વર્ષ 2022 માં ટ્રક, કાર સહિત વિદેશી દારૂ મળી 12 લાખ 45 હજારનો મુદ્દામાલ થયો હતો કબજે: એલ.સી.બી. એ મહારાષ્ટ્રના ઉલ્હાસનગર ખાતે જઈને કરી ધરપકડ
વર્ષ 2022 માં પોરબંદરના કુતિયાણા ખાતે કાર ટ્રક અને વિદેશી દારૂ સહિત 12 લાખ 45 હજારનો મુદ્દામાલ કબજે થયો હતો આ બનાવમાં ચાર વર્ષથી વોન્ટેડ મહારાષ્ટ્રના ઉલ્હાસનગરના ઈસમને પોરબંદર એલસીબી ની ટીમે ત્યાં જઈને દબોચી લીધો છે.
બનાવની વિગત એવી છે કે ચાર વર્ષ પહેલા તારીખ 15 જુલાઈ 2022 ના રોજ કુતિયાણા વિસ્તારમાંથી પોલીસે ટ્રકમાં કપડાની થેલીઓ ભરેલા બાચકાની નીચે 960 બોટલ વિદેશી દારૂ અને પાયલોટિંગ કરી રહેલી કાર સહિત 12,45,960 નો મુદ્દામાલ કબજે કરીને સાત ઈસમો સામે ગુનો દાખલ કર્યો હતો.
આ બનાવમાં પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી હતી અને મહારાષ્ટ્રના થાણેમાં આવેલા ઉલ્હાસનગર ખાતે રહેતો મનોજ દૂનીચંદ નાગરાની નામનો 53 વર્ષનો આધેડ વોન્ટેડ હતો.
પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચના એ.એસ.આઇ. રાજેન્દ્રભાઈ જોશી અને હેડ કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ જાડેજા ને ખાનગી રાહે એવી માહિતી મળી હતી કે હાલમાં આ મનોજ ઉલ્લાસ નગર ખાતે છે તેથી પોલીસે ત્યાં જઈને દોરડો પાડ્યો હતો જેમાં મનોજ મળી આવતા તેની વિધિવત ધરપકડ કરીને વધુ કાર્યવાહી માટે એલસીબી ઓફિસ ખાતે લઈ આવીને કુતિયાણા પોલીસને સોંપી દીધો છે.
