પોરબંદરના એ.ટી.એમ. સેન્ટરમાં કાર્ડ બદલાવી 40,000 ની થઈ છેતરપિંડી

દિવ્યાંગોની સંસ્થામાં કામ કરતી મહિલાએ દોઢ મહિના પહેલા થયેલ ચીટીંગ અંગે અજાણ્યા ઈસમ સામે નોંધાવી ફરિયાદ

પોરબંદરમાં દિવ્યાંગોની સંસ્થામાં કામ કરતી મહિલા એટીએમ સેન્ટરમાં પૈસા લેવા ગઈ ત્યારે એક વ્યક્તિ એ ચાલાકી પૂર્વક તેનું કાર્ડ બદલાવી લીધું હતું અને 40,000 રૂપિયા ઉપાડી લીધા હોવાથી છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોરબંદરના શીતલા ચોકમાં જલારામ મંદિર પાસે રહેતા અને આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટમાં નોકરી કરતા ધર્મિષ્ઠાબેન ભરતભાઈ ખુદાઈ નામના 47 વર્ષના મહિલાએ કીર્તિ મંદિર પોલીસ મથકમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તેની પુત્રી જાનવીને કપડાં લેવા માટે પૈસાની જરૂરિયાત હોવાથી દોઢ મહિના પહેલા નવમી મેના રોજ સવારે 10:30 વાગે નોકરી ઉપર જતા હતા ત્યારે માણેકચોકમાં આવેલ એસબીઆઇ બેન્કના એટીએમ સેન્ટરમાં ગયા હતા. એ સમયે ત્યાં 10 જેટલા લોકો ઊભા હતા. ધર્મિષ્ઠાબેન નો વારો આવતા તેમણે એટીએમ મશીનમાં કાર્ડ નાખી પૈસા ઉપાડવાની ટ્રાય કરી હતી પરંતુ પૈસા ઉપડતા ન હતા.
જેથી અજાણ્યો ઈસમ તેમની પાસે આવ્યો હતો અને”લાવો તમારું એટીએમ કાર્ડ હું તમને પૈસા ઉપાડી દઉં છું” તેમ કહેતા મહિલાએ કાર્ડ આપ્યું હતું અને તે ઈસમે બે ત્રણ વાર ટ્રાય કરી હતી. તેની સામે જ મહિલાએ એટીએમ ના પીન નંબર નાખ્યા હતા. થોડીવાર પછી તેણે મહિલાને કાર્ડ પરત આપીને”તમારા એકાઉન્ટમાંથી પૈસા ઉપાડતા નથી” તેમ કહીને ચાલ્યો ગયો હતો.
એ પછી એક મહિલા આવ્યા હતા અને યોનો એપ્લિકેશન દ્વારા 10000 રૂપિયા ઉપાડી લીધા હતા. ધર્મિષ્ઠાબેન ને કામ ઉપર જવાની ઉતાવળ હોવાથી નીકળી ગયા હતા અને ત્યારબાદ તેના મોબાઈલમાં તપાસતા બેંક ખાતામાંથી ચાર વખત દસ દસ હજાર રૂપિયા મળી કુલ 40 હજાર રૂપિયા ઉપડી ગયા નો મેસેજ આવ્યો હતો.
મહિલાને તાલીમમાં જવાનું હોવાથી ચાર દિવસ સુધી તેઓ ગયા હતા અને ત્યારબાદ બેંકમાં આવીને પાસબુકમાં એન્ટ્રી પડાવી મેનેજરને પૂછતા તેણે એવું જણાવ્યું હતું કે તમારા એટીએમ દ્વારા બેન્ક ઓફ બરોડાના એટીએમ માંથી પૈસા ઉપાડ્યા છે. મહિલાએ તેનું એટીએમ દેખાડતા ખબર પડી કે આ એટીએમ તેનું નથી કોઈ અજાણ્યો માણસ બદલાવીને લઈ ગયો છે. તેથી તાત્કાલિક તેમને કાર્ડ બંધ કરાવી દીધું હતું મહિલાને યાદ આવ્યું કે અગાઉ તે પૈસા ઉપાડવા આવી ત્યારે અજાણ્યા વ્યક્તિએ મદદ કરવાનું કહ્યું હતું ત્યારે જ તેણે ચાલાકી પૂર્વક ધર્મિષ્ઠાબેન નું કાર્ડ રાખી લીધું હતું અને બીજું કાર્ડ આપી દીધું હતું તેથી છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે તારીખ 9 મે ના રોજ બનેલા બનાવ અંગે 20મી જૂને ફરિયાદ દાખલ થઈ છે.

રિલેટેડ ન્યૂઝ