પીએમ શ્રી કુમાર શાળા ખાતે બાળ સંસદની થઈ રચના: વિદ્યાર્થીઓમાં નાનપણથી જ નેતૃત્વના ગુણો ખીલે અને ચૂંટણી પ્રક્રિયાની સમજ કેળવાય તેવા હેતુ સાથે થયું આયોજન
પોરબંદર નજીકના રાણા કંડોરણા ખાતે પીએમ શ્રી કુમાર શાળામાં બાળ સંસદની રચના કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓમાં નાનપણથી જ નેતૃત્વના ગુણો ખીલે, લોકશાહીની ચૂંટણી પ્રક્રિયાની સમજ કેળવાય અને શાળાના સંચાલનમાં તેઓ સહભાગી બને તેવા ઉદાત્ત હેતુ સાથે પીએમ શ્રી કુમારશાળા રાણા કંડોરણા ખાતે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ’બાળ સંસદ’ની રચના કરવામાં આવી હતી.
સમગ્ર ચૂંટણી પ્રક્રિયા તદ્દન પારદર્શક અને જીવંત લોકશાહી પદ્ધતિથી યોજાઈ હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતગણતરી કરી વિજેતા ઉમેદવારોના નામોની જાહેરાત કરવામાં આવી હતી. લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલા આ બાળ સંસદના સભ્યોને શાળાના પ્રધાનમંડળમાં વિવિધ મંત્રીપદની જવાબદારી સોંપવામાં આવી છે.
આ ઉપરાંત શાળાની વિવિધ પ્રવૃત્તિઓના સુચારુ સંચાલન માટે જુદી જુદી સમિતિઓ જેવી કે શિક્ષણ,સાંસ્કૃતિક અને પ્રવાસ આરોગ્ય અને સફાઈ, રમતગમત, પ્રાર્થના અને શિસ્ત,પાણી અને બાગાયત, લાયબ્રેરી, કોમ્પ્યુટર લેબ તેમજ મધ્યાહન ભોજન યોજના સમિતિઓનું સંચાલન લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વવારા જ કરવામાં આવશે. આ પ્રસંગે ચૂંટાયેલા તમામ બાળ પ્રતિનિધિઓને શાળાના પરિવાર અને શિક્ષકો દ્વારા અભિનંદન પાઠવી, તેઓ પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. બાળ સંસદની આ પ્રક્રિયાથી વિદ્યાર્થીઓમાં જવાબદારીની ભાવના અને નિર્ણયશક્તિનો વિકાસ થશે તેવો સુર વ્યક્ત કરાયો હતો.
