અક્ષર આરંભ મહોત્સવની થઇ ભવ્ય ઉજવણી
છાયાની શ્રી સ્વામિનારાયણ પ્રાથમિકશાળામાં બાલવાટિકાનો પ્રવેશોત્સવ અને અક્ષર આરંભ ઉત્સવ ઉજવાયો હતો.
શ્રી સ્વામિનારાયણ પ્રાથમિક શાળા, છાયા ગુજરાતી માધ્યમમાં વર્ષ 2026-27નો બાલવાટિકાનો અનેરો પ્રવેશોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.
સૌ પ્રથમ શાળાના આચાર્યએ દીપ પ્રગટાવી વિદ્યાના દેવી સરસ્વતીનું ફૂલ, કુમકુમ, ચોખાથી પૂજન કરી આરતી ઉતારી હતી. ત્યારબાદ કુમકુમનો ચાંદલો કરી વર્ગશિક્ષકે બાલવાટિકાના બાળકોને અંતરના આશિષ આપી નવાજ્યા હતા.
નવપલ્લવિત ભૂલકાઓ વિવિધ રંગબેરંગી પોશાક આબેહુબ લાગતા હતા. દરેક બાળકને ચોકલેટ આપી મોઢુ મીઠું કરાવ્યુ હતુ. શાળાના તમામ શિક્ષકોએ પણ રૂડા આશીર્વાદ આપી બાલવાટિકાના બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
શાળાના શ્રી ધર્મતનયદાસજી સ્વામીએ બાલવાટિકાના દરેક બાળકને અભ્યાસમાં ઉપયોગી સ્કૂલબેગ, નોટબુક, રબર, પેન્સીલ તેમજ બિસ્કીટ આપી બાળકોનો આનંદ વધાર્યો હતો. તેમજ દરેક બાળક વિદ્યાભ્યાસમાં પ્રગતિ કરે તેવા શુભાશિષ આપ્યા હતા.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના સ્થાપક શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીએ દરેક બાળકને અંતરના રૂડા આશિષ પાઠવ્યા હતા.
