પોરબંદરમાં જનભાગીદારીથી શહેરના વિકાસ માટે થયા સુચનો

દત્તક શેરી અને દત્તક ચોક યોજના અમલમાં મુકવા થઈ માંગ

પોરબંદર શહેરને જનભાગીદારીથી વિકસાવવા માટે માંગ થઈ છે.
પોરબંદરના જાગૃત નાગરિક દિનેશભાઈ ગુણવંતરાય ત્રિવેદીએ પોરબંદરના સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાને “જનભાગીદારી શહેર વિકાસ અભિયાન” અંતર્ગત “દત્તક શેરી દત્તક ચોક યોજના” અમલમાં મૂકવાની રજૂઆત કરી છે.તેમણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર માત્ર ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતું શહેર જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે પ્રેરણાનું કેન્દ્ર છે.શહેરના વિકાસમાં માત્ર સરકારી તંત્ર નહીં પરંતુ નાગરિકો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ટ્રસ્ટો, સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ તથા વિદેશમાં વસતા પોરબંદરવાસીઓની સક્રિય ભાગીદારી પણ જરૂરી છે. “મારું શહેર મારી જવાબદારી”ના સૂત્ર સાથે રજૂ કરાયેલી આ યોજના હેઠળ વ્યક્તિ, પરિવાર, વેપારી મંડળ, ટ્રસ્ટ, સી.એસ.આર. હેઠળની કંપની, સામાજિક સંસ્થા અથવા એનઆરઆઈ સમૂહ કોઈ ચોક, શેરી, બગીચો, ટ્રાફિક આઇલેન્ડ અથવા જાહેર સ્થળ દત્તક લઈ તેના વિકાસ અને જાળવણીમાં યોગદાન આપી શકશે. યોજના દ્વારા સ્વચ્છતા, હરિયાળી, સુરક્ષા, સૌંદર્યીકરણ અને નાગરિક સુવિધાઓમાં વધારો કરી પોરબંદરને જનભાગીદારી આધારિત વિકાસનું આદર્શ મોડલ બનાવવાનો ઉદ્દેશ વ્યક્ત કરવામાં આવ્યો છે.
દિનેશભાઈ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, યોજનામાં એલ.ઈ.સી. સ્ટ્રીટ લાઇટ, સી.સી.ટી.વી. કેમેરા, સ્માર્ટ કચરાપેટી, જાહેર બેસણાં, પીવાના પાણીની સુવિધા, જાહેર શૌચાલય, વૃક્ષારોપણ, ગ્રીન ઝોન, પદયાત્રી માર્ગ, દિવાલ ચિત્રકામ, હેરિટેજ બોર્ડ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને સોલાર ઊર્જા આધારિત સુવિધાઓ જેવા વિકાસલક્ષી કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે “મારો વિસ્તાર મારું ગૌરવ” સ્પર્ધા, કયું.આર. કોડ આધારિત પારદર્શિતા વ્યવસ્થા,એન.આર.આઈ. પોરબંદર જોડાણ અભિયાન,વિદેશસ્થ પોરબંદરવાસી જોડાણ અભિયાન સ્માર્ટ હરિયાળી શેરી મોડેલ, આધુનિક હરિયાળી માર્ગ યોજના,મહિલા સુરક્ષા અભિયાન, હેરિટેજ કોર્નર, યુવા જનભાગીદારી મિશન અને “એક પરિવાર એક વૃક્ષ” જેવા નવીન સૂચનો પણ રજૂ કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં સુદામા ચોક, માણેક ચોક, પંચ હાટડી, કમલાબાગ, સોની બજાર, બોખીરા, ખાપટ, છાયા, રોકડિયા હનુમાન વિસ્તાર અને એરપોર્ટ રોડ વિસ્તારને પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે.તેમણે મહાનગરપાલિકાને યોજનાના અભ્યાસ માટે વિશેષ સમિતિ રચી ડ્રાફ્ટ તૈયાર કરવા, સ્ટેન્ડિંગ કમિટી અને જનરલ બોર્ડમાં મંજૂરી માટે રજૂઆત કરવા તેમજ સી.એસ.આર. સંસ્થાઓ, ટ્રસ્ટો અને નાગરિક સંગઠનો સાથે ચર્ચા કરી પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાની માંગણી કરી છે.

રિલેટેડ ન્યૂઝ