વિકાસની વાતો કરતા મહાનગરપાલિકાના તંત્રએ કાર્યવાહી નહી કરતા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ર્ન થયો રજૂ
પોરબંદરમાં ગટરનું ઢાંકણુ બદલાવવા ફરિયાદ નિવારણમાં જવુ પડયુ છે. વિકાસની વાતો કરતા મહાનગરપાલિકાના તંત્રએ કાર્યવાહી નહી કરતા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ર્ન રજૂ થયો હતો.
પોરબંદરના સામાજિક કાર્યકર દિલીપભાઇ મશરૂએ કરેલી ફરિયાદ અને રજૂઆતમાં જણાવ્યુ હતુ કે તેમણે સલાટવાડા વોર્ડ નં. 8માં ગટરનું ઢાંકણુ બદલવા અંગે મહાનગરપાલિકાના તંત્રને રજૂઆત કરી હતી કારણકે કોઇ ગંભીર અકસ્માત થાય તો લોકોનો જીવ પણ જાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ હોવાથી મહાનગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરવા છતાં વિકાસના બણગા ફુકતા તંત્રએ ધ્યાન દીધુ ન હતુ તેથી આધાર પુરાવા સાથે પોરબંદર તાલુકાકક્ષાના સ્વાગત કાર્યક્રમમાં આ પ્રશ્ર્નની રજૂઆત કરી હતી.
જેમાં મહાનગરપાલિકાના અધિકારીને હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. ગટરના ઢાંકણા બદલાવવા જેવી સામાન્ય વાતમાં પણ જો ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જવુ પડતુ હોય તો પ્રજાના પ્રશ્ર્નોના નિરાકરણ માટે હવે પદાધિકારીઓએ જાગવુ જરૂરી બન્યુ છે તેવી માંગણી થઇ હતી.
