પોરબંદર જિલ્લાના દિવ્યાંગોને કે.વાય.સી. કરાવવામાં ભારે હેરાનગતિ

ગ્રામ પંચાયત કચેરી ખાતે ધકકા થતા હોવાથી ઘરબેઠા કરી આપવા શિવદૂત સંસ્થા દ્વારા સરકારને થઇ રજૂઆત: સામાજિક સંસ્થાને પણ જવાબદારી સોંપી શકાય તેવુ થયુ સૂચન

પોરબંદર જિલ્લાના દિવ્યાંગોને કે.વાય.સી. કરાવવામાં ભારે હેરાનગતિ થાય છે. ગ્રામ પંચાયત કચેરી ખાતે ધકકા થતા હોવાથી ઘરબેઠા કરી આપવા શિવદૂત સંસ્થા દ્વારા સરકારને રજૂઆત થઇ છે.તથા સામાજિક સંસ્થાને પણ જવાબદારી સોંપી શકાય તેવુ સૂચન થયુ છે.
પોરબંદર જિલ્લામાં દિવ્યાંગોની મદદ માટે કાર્યરત સંસ્થા શિવદૂતના પ્રમુખ અર્જુન ગોઢાણીયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે હાલમાં પોરબંદર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ગ્રામ પંચાયતની કચેરી ખાતે કે.વાય.સી. કરાવવા માટે બોલાવવામાં આવે છે. આધારકાર્ડ અપડેટ હોય તો જ સરકારી યોજનાઓનો લાભ મળતો હોય છે તેથી અગાઉ કે.વાય.સી. કરાવી લીધુ હોવા છતાં વિકલાંગને જુદી જુદી સાધન સહાય અને સરકારી લાભ મેળવવા હોય તો ફરજીયાતપણે કે.વાય.સી. કરાવવુ જરૂરી છે તેમ જણાવીને બોલાવવામાં આવે છે તેની સામે વિરોધ દર્શાવીને અર્જુન ગોઢાણીયાએ જણાવ્યુ હતુ કે આ પ્રકારની પધ્ધતિ તદ્ન અયોગ્ય છે અને ગ્રામ્ય પંથકમાં તેમજ વાડી વિસ્તારમાં રહેતા વિકલાંગો તેમાં હેરાન પરેશાન થાય છે તેના બદલે સરકારે ઘરબેઠા કે.વાય.સી. કરવાની સુવિધા આપવી જોઇએ. સમાજ સુરક્ષા ખાતુ દિવ્યાંગોની મદદ માટે છે તેથી ખરાઇ કરવા માટે ઘરે ઘરે જઇને કે.વાય.સી. કરી આપવાની કાર્યવાહી થવી જોઇએ તેમ ઉમેર્યુ હતુ.
વધુમાં શિવદૂત સંસ્થાએ સૂચન કરતા જણાવ્યુ હતુ કે જો સરકારી તંત્ર પહોંચી શકે તેમ ન હોય તો આ કામગીરી માટે સામાજિક સંસ્થાને જવાબદારી સોંપી દેવી જોઇએ કારણકે દિવ્યાંગોને દરબદર ભટકવા મજબૂર કરવા એ અયોગ્ય બાબત છે. એક દિવ્યાંગ વ્યક્તિ પાછળ અન્ય એક-બે વ્યક્તિઓને તેની દેખરેખ માટે સાથે જવુ પડતુ હોય છે તેથી લોકોનો સમય પણ બગડે છે અને આર્થિક રીતે પણ નુકશાન થાય છે માટે ઘરે ઘરે જઇને કે.વાય.સી. કરી આપવા માંગ થઇ છે.

રિલેટેડ ન્યૂઝ