છાયાપ્લોટ ખાતે શ્રી રામદેવજી મહારાજના પાટ પ્રસાદી મહોત્સવનું થશે દિવ્ય આયોજન:સંતો, મહંતો અને સમાજના અગ્રણીઓની રહેશે પ્રેરક ઉપસ્થિતિ
પોરબંદરના છાયામાં અષાઢી બીજની કોળી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવશે.
પોરબંદરમાં છેલ્લા ત્રણ દાયકાથી સામાજિક, શૈક્ષણિક, આધ્યાત્મિક અને સેવાકીય ક્ષેત્રે કાર્યરત નવાપરા ઘેડીયા કોળી સેવા સમાજ ટ્રસ્ટ, છાંયા પ્લોટ સંચાલિત શ્રી ન્યૂ ઘેડીયા કોળી સમાજની વંડી ખાતે અષાઢી બીજ નિમિત્તે તા.16.7.2026ગુરૂવારના રોજ વિવિધ દાતાઓના આર્થિક સહયોગથી શ્રી રામદેવજી મહારાજ પાટ-પ્રસાદી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ અવસરે શ્રી રામદેવજી મહારાજ મંદિર ખાતે ધ્વજારોહણ બાદ બપોરે 3:00કલાકે સામૈયું એસ.એસ.સી. રોડ, ગીતાનગર, શંકર મંદિર સહિતના મુખ્ય માર્ગો પરથી નીકળી સમાજ વંડી ખાતે પરત ફરશે, ત્યારબાદ ધર્મસભામાં સંતો, સાધુ-મહંતો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. સાંજે 7:00 કલાકે જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ગાદીપતિ શ્રી ગુલાબગીરી બાપુ તથા કોટવાર શ્રી માલદેભાઈ કરગટિયાની નિશ્રામાં રાત્રે 10:00કલાકે શ્રી રામદેવજી મહારાજની જ્યોત પ્રાગટ્ય બાદ પાટોત્સવ અને સંતવાણીનો કાર્યક્રમ યોજાશે,જેમાં વિવિધ કલાકારો ભક્તિમય પ્રસ્તુતિઓ કરશે. આ ધાર્મિક મહોત્સવમાં સમાજના તમામ ભાઈ-બહેનો તથા ભાવિકોને ઉપસ્થિત રહેવા શ્રી ન્યુ ઘેડીયા કોળી સમાજ વંડીના પ્રમુખ દેવાયતભાઈ વાઢિયા, ઉપપ્રમુખ લાખાભાઈ મોકરીયા, ખજાનચી વિરમભાઈ મોકરીયા, ટ્રસ્ટીઓ તેમજ છાંયા પ્લોટ ઘેડીયા કોળી સમાજ યુવા મંડળના પ્રમુખ અરજનભાઈ આંત્રોલીયાએ અપીલ કરી છે.
