જાગૃત ગ્રામજનોએ તંત્રને જાણ કરતા ગૌમાતાના જીવ બચ્યા: તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યકત થયો
નવા વીજપોલમાં જ વીજશોક લાગતા તંત્રની કામગીરી સામે સવાલો
ધરમપુરમાં તાજેતરમાં નંખાયેલા વીજપોલમાં વરસાદ બાદ કરંટ આવતા ગાયો ઝપટે ચડી. ગ્રામજનોએ પાવર બંધ કરાવી જીવ બચાવ્યા. પહેલા જ વરસાદે આવું તો ચોમાસામાં લોકોની સલામતીનું શું? તેવુ ગૌપ્રેમી લીલુબેન ભુતીયાએ જણાવ્યુ હતુ.
પોરબંદર નજીકના ધરમપુર ગામે સ્ટ્રીટલાઇટના નવા પોલમાં અડધો ડઝન ગૌધનને કરંટ લાગ્યો હતો જો કે ગ્રામજનોએ તાત્કાલિક તંત્રને જાણ કરતા વીજપુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હોવાથી કોઇના મોત થયા નથી પરંતુ તંત્રની બેદરકારી સામે ભારે આક્રોશ ઠાલવાયો હતો.
ચોમાસાના પ્રથમ વરસાદમાં
જ પી.જી.વી.સી.એલ. અને મહાનગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. પોરબંદર નગરપાલિકામાં સમાવિષ્ટ ધરમપુર ગામમાં વરસાદના કારણે વીજપોલમાં વીજકરંટ ફેલાતા કેટલીક ગાયોને કરંટ લાગ્યો હતો.
ગઈકાલે રાત્રિના સમયે આ બનાવ બન્યો હતો. ગામ લોકોએ સમયસૂચકતા વાપરી તાત્કાલિક નો સંપર્ક કરી પાવર બંધ કરાવતા ગાયોના જીવ બચી ગયા હતા. જો સમયસર વીજ પુરવઠો બંધ ન થયો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.
સૌથી મહત્વની અને ચિંતાજનક બાબત એ છે કે આ વીજપોલ તાજેતરમાં જ નાખવામાં આવ્યા છે. પ્રથમ વરસાદમાં જ જો આવી સ્થિતિ સર્જાય તો સમગ્ર ચોમાસા દરમિયાન લોકોની સલામતીનું શું? તેવો ગંભીર સવાલ સ્થાનિક આગેવાન લીલુબેન ભૂતિયાએ ઉઠાવ્યો છે. ગ્રામજનોમાં પી.જી.વી.સી.એલ. અને તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવા નંખાયેલા વીજપોલમાં જ કરંટ આવવો એ હલકી ગુણવત્તાની કામગીરી અને તંત્રની નિષ્કાળજી દર્શાવે છે.
