પોરબંદરની મહિલાને વિદેશ મોકલવાના બહાને કૌટુંબિક બનેવીએ કરી 26.95 લાખની છેતરપિંડી

મૂળ બખરલા- ભારવાડા વાડી વિસ્તારના તથા હાલ યુકે રહેતા સંબંધીએ વર્ષ 2017 થી વર્ષ 2020 સુધીમાં લાખો રૂપિયા લઈ લીધા: જુનાગઢ જિલ્લા પંચાયત ખાતે ખોટા આધાર કાર્ડ વગેરે કાગળો બનાવીને બોગસ પાસપોર્ટ પણ તૈયાર કર્યાનું જણાવ્યું: પોરબંદર જિલ્લામાં ચીટીંગનો વધુ એક ગુનો દાખલ થયો

પોરબંદરની એક મહિલાને વિદેશ મોકલવાના બહાને 26 લાખ 95 હજાર રૂપિયા ની તેના કૌટુંબિક બનેવીએ જ છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
વર્ષ 2017માં વિદેશની
લાલચ અપાઈ
પોરબંદરના કડિયાપ્લોટ શેરી નંબર નવમાં રહેતી હેતલ રામભાઈ ઓડેદરા નામની 38 વર્ષની મહિલાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2009 ની સાલમાં તેના કૌટુંબીક બનેવી મૂળ બખરલા ભારવાડા વાડી વિસ્તારના અરસી ઉર્ફે કેશુ ભૂરા ખૂંટી યુકે ગયા હતા અને ત્યારબાદ તેઓએ ભારતમાંથી વિદેશ જવા ઈચ્છતા વ્યક્તિઓને વિઝા અપાવવા તથા ત્યાં મોકલવા અંગેનું કામ શરૂ કર્યું હતું. અને વર્ષ 2017 ની સાલમાં અરસી ઉર્ફે કેશુ ભારત આવ્યો હતો ત્યારે તેણે હેતલને જણાવ્યું હતું કે તેની પાસે ઇંગ્લેન્ડમાં સારી નોકરીની ઓફર લેટરથી તાત્કાલિક રીતે વિઝા મળી રહે તે રીતે કંપનીની સ્કીમ આવી છે. જો યુકેમાં સ્થાયી થવું હોય તો વિચારજો તેવું જણાવ્યું હતું.હેતલ ઓડેદરા ના વર્ષ 2008માં છૂટાછેડા થઈ ગયા હોવાથી અને પુત્ર મિહિર પણ તેની સાથે રહે છે આથી વિદેશમાં સારી નોકરી મળે તો જવાની હેતલે તૈયારી બતાવી હતી અને અરશી ઉર્ફે કેશુ તેનો કૌટુંબિક બનેવી હોવાથી તેના ઉપર વિશ્વાસ ન રાખવાનો કોઈ પ્રશ્ન જ ઉભો થયો નહોતો.
તમે ચિંતા ના કરો બધી જવાબદારી મારી!
ત્યારબાદ હેતલને અરસી ઉર્ફે કેશુ એ એવું કહ્યું હતું કે ડોક્યુમેન્ટ અપાવવા માટેની બધી પ્રોસિઝર ની જવાબદારી મારી છે તમારે કાંઈ પણ કરવાની જરૂર રહેતી નથી. આથી હેતલ અને તેના દીકરા મિહિરને યુકે જવા માટેનું કામ અરશી ને સોંપી દીધું હતું. જેમાં બંનેની ટિકિટ તથા વિઝા અને નોકરી અંગેનો ઓફર લેટર વગેરે તમામ પ્રોસિઝર કરાવી દેશે તેમ કહ્યું હતું.
35 લાખનો ખર્ચ થશે
ત્યારબાદ અરશી એ એવું કહ્યું હતું કે કંપનીએ પ્લેસમેન્ટ ઓફર આપેલ છે તે પ્લેસમેન્ટ વાળા પાસે હેતલની ભલામણ કરતો પત્ર પણ કરાવી દેશે અને ગેરંટી થી નોકરી અપાવવા માટે 35 લાખનો ખર્ચ થશે. આથી હેતલે ખર્ચ વધુ હોવાનું જણાવીને અરસીને એવું કહ્યું હતું કે આટલો ખર્ચ વધારે છે જે અમે કરી શકીએ નહીં.
ડબલ પગારની લાલચ આપી!
હેતલનું વિદેશ જવાનું મન ડગમગવા લાગતા તેને બોટલમાં ઉતારવા માટે અરશીએ વધુ લાલચ આપી હતી. તેણે એવું જણાવ્યું હતું કે તમને બે લાખના પગાર ની માસિક નોકરી અપાવી દઈશ અને એક વર્ષમાં ડબલ પગાર કરાવી આપીશ તમારી જિંદગી બની જશે જો વાત ખર્ચની હોય તો યુકે પહોંચ્યા પછી પૈસા આપવાની વાત કરી હતી.
જુનાગઢ જિલ્લા પંચાયત ખાતે આધાર કાર્ડની કામગીરી
વર્ષ 2017 માં અરસી ઉર્ફે કેશુ યુકે રિટર્ન થયો ત્યારે તે કહીને ગયો હતો કે તેના એક સંબંધી ભીમાભાઇ ભીખુભાઈ ઓડેદરા પણ હેતલની સાથે જ યુકે જવાના છે એટલે ડોક્યુમેન્ટ ની પ્રોસેસ માટે ભીમાભાઇ લઈ જશે. ત્યાર પછી 2018 ની સાલમાં ફરિયાદી હેતલ તથા તેના પુત્ર મિહિર મોટીબા રુપીબેન અને કેશુ એ કહ્યું હતું તે ભીમાભાઇ ભીખુભાઈ ઓડેદરા વગેરે જુનાગઢ ખાતે જિલ્લા પંચાયતની ઓફિસે ગયા હતા. અને ત્યાં જુનાગઢ જિલ્લા પંચાયત કચેરી ખાતે અશોક કારાવદરા નામનો વ્યક્તિ હતો તેણે જિલ્લા પંચાયત કચેરીમાં આધાર કાર્ડ બનાવવા માટેની કાર્યવાહી કરી હતી.
જુનાગઢ ખાતે બેંક
ખાતા ખોલાવાયા
એ પછી આધાર કાર્ડ આવી જતા ભીમાભાઇ હેતલ પાસે આવ્યા હતા અને ફરી વખત તેને તથા તેના પુત્ર મિહિર તથા કુતિયાણાના અક્ષય જીવા પરમાર અને રૂપીબેન માલદેભાઈ ઓડેદરા તથા ભીમભાઇ વગેરે પાસે જણા જુનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલ એ યુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે ગયા હતા અને ત્યાં બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા.
મુંબઈ ખાતે પાસપોર્ટની કામગીરી
એ પછી અરસી ઉર્ફે કેશુ એ એવું જણાવ્યું હતું કે તમારે હવે પાસપોર્ટ માટે મુંબઈ જવાનું રહેશે. વલસાડ ના પાસપોર્ટ ઓફિસ વાળા નરેન્દ્ર ધરસાણીયા ને મળવાનું છે મારે તેની સાથે બધી વાતચીત થઈ ગઈ છે. આથી ફરિયાદી હેતલ તથા અન્ય લોકો ડોક્યુમેન્ટ લઈને મુંબઈના અંધેરી ખાતે પાસપોર્ટ કઢાવવા માટે ગયા હતા અને તેનું કામ પૂર્ણ થતાં તેઓ પોરબંદર આવી ગયા હતા અને ત્યારબાદ ફરી વખત અરશીભાઈ ના કહેવા મુજબ પાસપોર્ટ ઓફિસ એ ગયા હતા અને નરેન્દ્રભાઈ ફરી પાસપોર્ટ ઓફિસ એ લઈ ગયા હતા અને કામગીરી પૂર્ણ થતા તેઓ પોરબંદર આવી ગયા હતા.
વર્ષ 2017થી
રૂપિયાનું ચુકવણું થયું
જ્યારે રૂપિયા આપવાની વાત કરી ત્યારે હેતલે પૈસા આપ્યા હતા. 2017 ના ડિસેમ્બર મહિનામાં બે લાખ, ત્રણ માર્ચ 2018 ના 8 લાખ આપ્યા હતા અને ત્યારબાદ અરસી સાથે ટેલીફોન માં વાતચીત થતી હતી. 14 ડિસેમ્બર 2018 ના 2લાખ,18 ડિસેમ્બરના ચાર લાખ, 19 ડિસેમ્બરના આઠ લાખ, 25 માર્ચના 95 હજાર અને 15 એપ્રિલ 2019 ના બે લાખ મળી કુલ 26 લાખ 95 હજાર રોકડા કેશુ ને આપ્યા હતા. એમ 2017 થી 2020 સુધીમાં 26 લાખથી વધુની રકમનું ચુકવણું થયું હતું.
પીન્ટુ નામની વ્યક્તિને કામ સોંપ્યું!
ત્યારબાદ હેતલે અરસીને વાત કરતા યુકે ક્યારે જવાનું થશે? તેમ કહેતા પીન્ટુ નામની વ્યક્તિ અમદાવાદ રહે છે તેને કામ સોંપ્યું છે તેમ જણાવ્યું હતું અને ત્યારબાદ પણ વિદેશ જવાની વાત કરે ત્યારે તે આ વાત લંબાવતા હતા એ દરમિયાન કોરોના કાળ
શરૂ થયો હતો અને ફ્લાઈટો બંધ થઈ હતી. ત્યાર પછી અરસીએ હેતલના ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું.
વર્ષ 2024 માં રૂબરૂ મુલાકાત થઈ ત્યારે જવાબદારી ખંખેરી!
ત્યાર પછી અરસી યુકેથી ભારત ખાતે 2024 ની સાલમાં આવ્યો હતો. તેથી બખરલા ની સીમમાં તેની વાડી આવેલી છે ત્યાં હેતલ રામભાઈ ઓડેદરા તેને મળવા ગઈ હતી. ત્યારે તેણે એવું કહ્યું હતું કે પીન્ટુ નામના માણસને કામ સોંપેલ છે. આથી ફરિયાદી એ તેને પૈસા પરત માંગ્યા હતા ત્યારે એવું કહ્યું હતું કે”હવે તેમાં કાંઈ થઈ શકે તેમ નથી. તમારે જે કાંઈ કરવું હોય તે કરી શકો છો” આથી હેતલ પોરબંદર આવતી રહી હતી.
બોગસ ડોક્યુમેન્ટ
બન્યાની જાણ થઈ
આથી હેતલ પોરબંદર આવી ગઈ હતી અને ત્યારબાદ તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે અરસી તથા તેની સાથે મળેલા લોકોએ પાસપોર્ટ આધારકાર્ડ વગેરે ખોટા ડોક્યુમેન્ટ તૈયાર કર્યા છે જેમાં જુનાગઢ વાળો અશોક કારાવદરા વલસાડવાળા નરેન્દ્ર અને અમદાવાદ વાળો પિન્ટુ બધા સામેલ છે. હેતલના પાસપોર્ટ તથા આધારકાર્ડમાં દિવ દમણના સરનામા છે! આ ડોક્યુમેન્ટ ના ફોટા જે તે વખતે ફરિયાદી હેતલના દીકરા મિહિરે મોબાઇલમાં લઈ લીધા હતા જેથી અસલી અને નકલી ડોક્યુમેન્ટ પોલીસમાં રજૂ કરીને પોરબંદર નો પાસપોર્ટ છે તે પણ રજૂ કર્યો હતો અને ત્યારબાદ હવે હેતલે મૂળ બખરલા તથા હાલ યુકે રહેતા તેના કૌટુંબિક બનેવી અરસી ઉર્ફે કેશુ ભૂરા ખુટી, જૂનાગઢનો અશોક કારાવદરા, વલસાડનો નરેન્દ્ર ધરાસણીયા અને અમદાવાદ નો પીન્ટુ વગેરે એ વિદેશ જવા માટેની લાલચ આપીને 26,95,000 ની રકમ ઓડવીને જૂનાગઢ જિલ્લા પંચાયત તથા મુંબઈ પાસપોર્ટ ઓફિસ ખાતે ખોટા પાસપોર્ટ બનાવડાવી હજુ સુધી વિદેશ નહીં મોકલીને છેતરપિંડી કરી હોવાનું જણાવી ફરિયાદ દાખલ કરાવી છે. કીર્તિ મંદિર પોલીસ મથક દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

“વિદેશ વહેલું પહોંચવું હોય તો પાંચ દેશ ફરવા પડે “તેમ કહીને અઠવાડિયામાં પાંચ દેશની યાત્રા કરાવી!!!
પાસપોર્ટ આવી ગયા પછી અરસી એ ફોન કરીને એવું કહ્યું હતું કે તમારે 2.5.2019ના અમદાવાદ પહોંચવાનું છે અને ત્યાંથી પાંચ દેશ ફરવાના હોય એટલે પહોંચી જજો! આથી હેતલે કહ્યું કે યુકે જવું હોય તો એમાં પાંચ દેશ ફરવાની ક્યાં જરૂર હોય? ત્યારે અરસી એ એવું કહ્યું હતું કે”તમે બધું મારા પર છોડી દો ફક્ત હું કહું તેમ કરો એટલે જલ્દી યુ કે પહોંચી જશો” આથી ફરિયાદી હેતલ તથા તેનો દીકરો મિહિર અને કુતિયાણા નો એક અક્ષય જીવા પરમાર વગેરે ત્રણેય જણા પોરબંદર સરનામા વાળા અસલ પાસપોર્ટ લઈ અમદાવાદ ગયા હતા અને ત્યાં ગયા પછી ખબર પડી કે તેમના ત્રણ સિવાય અન્ય લોકો પણ તેમની સાથે જ આવવાના છે. જેમાં અરજી રૂપે કેશુ ખૂટીનો સગો ભાઈ રામભાઈ ખૂટી તથા સાઢુભાઈ માલદેખુંટી સહિત અન્ય અનેક લોકો સાથે જવાના હતા. કેસુના કહેવા મુજબ અમદાવાદ એરપોર્ટ ખાતેથી તારીખ 3.5. 2019 ના ચેન્નઈ ગયા હતા. ચેન્નઈ થી કોલંબો ગયા હતા. કોલંબોથી તારીખ 4.5 ના રાત્રે 1: 50 મિનિટે સિંગાપોર ગયા હતા. તારીખ 5.5 ના સાંજે 7:30 વાગ્યે સિંગાપુર થી ઇન્ડોનેશિયા ગયા હતા. ત્યાંથી એક બીજો નાનો દેશ હતો ત્યાં ગયા હતા. અને તારીખ 8.5 ના બેંકકોક ગયા હતા. અને તારીખ 10 5 ના રાત્રે અમદાવાદ આવવા માટે નીકળ્યા હતા. આમ એક અઠવાડિયામાં પાંચ દેશ તેઓ ફર્યા હતા!!

રિલેટેડ ન્યૂઝ