કેન્દ્રીય રેલ્વે મંત્રીએ કરેલી જાહેરાતને પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બરની રેલવે કમિટીએ આપ્યો આવકાર: અમદાવાદથી મુંબઈ માત્ર 1 કલાક 57 મિનિટમાં પહોંચી શકાશે
હાઈ સ્પીડ રેલ કોરિડોરથી ગુજરાત અને મહારાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસને વેગ મળશે તેમ જણાવીને પોરબંદર ડિસ્ટ્રીક ચેમ્બરે આ નિર્ણય આવકાર આપ્યો છે.
પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (પી.ડી.સી.સી.આઈ.)ની રેલ્વે સમિતિના ચેરમેન વિજય ઉનડકટે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા જાહેર કરાયેલા અતિઝડપી રેલ માર્ગ (હાઈ-સ્પીડ રેલ કોરિડોર)ના વિઝનને આવકાર આપ્યો છે.મંત્રીના જણાવ્યા મુજબ મુંબઈથી અમદાવાદ વચ્ચેનું અંતર માત્ર 1 કલાક 57 મિનિટમાં કાપી શકાશે. આ અતિઝડપી રેલ માર્ગના કારણે સુરત, વડોદરા, આણંદ, વાપી અને ઠાણે જેવા મોટા ઔદ્યોગિક શહેરો એક જ આર્થિક વિસ્તાર તરીકે વિકસશે. ઉદ્યોગકારો, વેપારીઓ અને કર્મચારીઓ સવારે અન્ય શહેરમાં વ્યવસાય કે નોકરી માટે જઈને સાંજે પોતાના પરિવાર સાથે પરત ફરી શકશે.આ ઉપરાંત મુંબઈ-પુણે વચ્ચેનું અંતર માત્ર 48 મિનિટમાં, પુણે-હૈદરાબાદ વચ્ચે 1 કલાક 55 મિનિટમાં તેમજ હૈદરાબાદ-બેંગલુરુ વચ્ચે 2 કલાક 8 મિનિટમાં પૂર્ણ થઈ શકશે. પરિણામે સમય અને પરિવહન ખર્ચમાં નોંધપાત્ર બચત થશે તેમજ સમગ્ર પશ્ચિમ અને દક્ષિણ ભારતનું અર્થતંત્ર વધુ મજબૂત બનશે.
આ અંગે પી.ડી.સી.સી.આઈ.નું કહેવું છે કે, સંસ્થા બિન-રાજકીય હોવા છતાં રાષ્ટ્રહિત તથા વેપાર-ઉદ્યોગના વિકાસના મુદ્દે સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરે છે. આવા મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પો વિકાસલક્ષી અને ગતિશીલ શાસનની ઓળખ છે. અતિઝડપી રેલ સેવા શરૂ થતાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, માલવહન વ્યવસ્થા, પ્રવાસન તથા રોજગારીના ક્ષેત્રમાં નવી તકો સર્જાશે. મંત્રી દ્વારા વ્યક્ત કરાયેલો મોટાભાગના મુસાફરો રેલવે તરફ વળશે એવો આશાવાદ વેપાર અને ઉદ્યોગજગત માટે સકારાત્મક સંકેત છે.
પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભારત સરકાર તથા રેલ મંત્રાલયને આ મહત્ત્વપૂર્ણ પ્રકલ્પ ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ કરે છે.સાથે જ ભવિષ્યમાં સૌરાષ્ટ્રના ઔદ્યોગિક કેન્દ્રોને પણ આવા અતિઝડપી રેલ માર્ગ સાથે જોડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે,જેથી પોરબંદર જેવા બંદરીય શહેરોને પણ તેનો સીધો લાભ મળી શકે.
