ઉપલા ગંડીયાવાળા નેસ વિસ્તારમાં માટી કાઢવા પ્રશ્ર્ને મનદુ:ખ રાખીને યુવાનો ઉપર થયો ખુની હુમલો

દોઢ મહિના પહેલા પોતાના કબજાની જમીન હોવાનું જણાવી માટીકામ બંધ કરાવ્યું ત્યારે થઈ હતી બોલાચાલી: બ્લેક કલરની કારમાં આવેલા 6 ઈસમોએ મચાવી ધમાલ: હત્યાની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો થયો દાખલ

પોરબંદર નજીકના ઉપલા ગંડિયાવાળા નેસ વિસ્તારમાં માટી કાઢવા પ્રશ્ને યુવાનો ઉપર ખુની હુમલો થતા હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
હનુમાનગઢ ની કરાર સિમમાં રહેતા દિપક ઉર્ફે જયેશ ગીગા ઓડેદરા નામના 36 વર્ષના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે દોઢ મહિના પહેલા ઉપલા ગંડિયાવાળા ને જતા રસ્તે એક ચેકડેમ આવેલ છે જેની બાજુની સરકારી પડતર જમીન આવેલ છે. તે જમીનમાં ફરિયાદીના ફઈનો દીકરો રામદે લખમણ ગોઢાણીયા નિયમ અનુસાર પરમિટ મેળવીને જમીનમાંથી માટી કાઢતો હતો. એ સમયે ગંડીયા વાળા નેસમાં રહેતો વીરુ વેજા કોડીયાતર તથા તેમના બે કુટુંબી ભાઈઓ ત્યાં આવ્યા હતા અને કામ રોકાવીને એ જમીન તેમના કબજાની હોવાનું જણાવ્યું હતું. એ સમયે તેણે એમ પણ કહ્યું હતું કે તમે આમાંથી માટી કાઢતા નહીં. આથી બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ તેઓએ એ જમીનમાંથી માટી ઉપાડવાનું બંધ કરી દીધું હતું.
જેના એક મહિના પછી વીરુ વેજા કોડીયાતર ચોરી છુપીથી ત્યાંથી માટી કાઢતો હતો જેથી ફરિયાદી દીપક ઉર્ફે જયેશે પોલીસને જાણ કરતા તેનું ટ્રેક્ટર પકડાવી દીધું હતું. ત્યાર પછી અવારનવાર બંને વચ્ચે સમાધાનની વાતચીત ચાલતી હતી.
દરમિયાનમાં તારીખ 4 જુલાઈના રાત્રે 9:30 વાગ્યે ફરિયાદીના માસી ના દીકરો સાગર મોહન ભૂતિયા નો ફોન આવ્યો હતો કે આપણે હવે
વીરુ વેજા સાથે સમાધાન કરી
નાખીએ.
આથી ફરિયાદી એ કહ્યું હતું કે મારે તેની સાથે સમાધાન કરવું નથી અને મારે તેની પાસે આવવું પણ નથી. તેથી માસીના દીકરા સાગર ભુતિયા એ તેને એવું કહ્યું હતું કે હું ત્યાં વાડીએ આવું છું. ત્યારબાદ બંને રોડની સાઈડમાં ઉભા હતા ત્યારે રાત્રે સવા 11 વાગ્યે એક કાળા રંગની કાર ગંડિયાવાળા નેસ તરફથી સ્પીડ માં હનુમાનગઢ તરફ ગઈ હતી. અને ત્યાંથી થોડી આગળથી ઉપલા ગંડિયાવાળા ને જતા રસ્તા નાકા પાસેથી કાર ચાલકે અચાનક જ કારવાળીને ફરિયાદી અને તેનો માસી નો દીકરો સાગર ઉભા હતા તેના ઉપર ચડાવવાની કોશિશ કરતા ફરિયાદીએ સાગરને ધક્કો મારી દેતા તે દૂર જતો રહ્યો હતો. કાર ચાલકે ફરિયાદી દિપક ઉર્ફે જયેશ ગીગા ઓડેદરા સાથે કાર અથડાવી હતી આથી તે નીચે ફંગોળાઈ ગયો હતો.
ત્યારબાદ કારમાંથી કરસન કાના કોડીયાતર, દાના નાથા કોડીયાતર, વીરુ વેજા કોડીયાતર,જીવા નાથા કોડીયાતર, કાના નાથા કોડીયાતર અને અજાણ્યો માણસ લાકડીઓ લઈને નીચે ઉતરી આવ્યા હતા અને ત્યારબાદ લાકડીઓ વડે ફરિયાદીને આડેધડ મારવા લાગ્યા હતા. તેના માસી નો દીકરો સાગર બચાવવા માટે વચ્ચે પડતાં તેને પણ માર મારવા લાગ્યા હતા આથી તેઓ બંને બૂમો પાડવા લાગ્યા હતા. ત્યારે મારતા મારતા તેઓ ગાળો દઈને માટી ઉપાડવાનું કામ બંધ કરી દેજો નહિતર મારી નાખશું તેવી ધમકી આપીને કારમાં ચાલ્યા ગયા હતા.
સાગર નો મિત્ર દિલીપ વડોદરા કાર લઈને ત્યાં આવ્યો ત્યારે બંનેને લોહી લુહાણ હાલતમાં જોતા 108 ને ફોન કરી હતી અને બંનેને સારવાર માટે હોસ્પિટલે લવાયા હતા. ફરિયાદીને કારની ઠોકર મારતા પગમાં ફ્રેક્ચર અને લાકડીઓથી ઇજા થઈ છે. સાગરને પણ ઇજા થઈ હતી જેથી બંનેને સારવાર આપવામાં આવી હતી અને ત્યારબાદ હુમલાખોરો કરશન કાના કોડિયાતર, દાના નાથા, વીરુ વેજા, જીવા નાથા કાના નાથા અને એક અજાણ્યા માણસ સામે હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

રિલેટેડ ન્યૂઝ