નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત 65 વર્ષ જુની ગ્રાન્ટેડ કોલેજમાં વિશાળ સંખ્યામાં યુવક-યુવતીઓએ મેળવ્યો પ્રવેશ: કોલેજ જીવનના સમયનો સદુપયોગ કરવા થઈ અપીલ
પોરબંદરની માધવાણી કોલેજ ખાતે નવા પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને આવકાર આપવામાં આવ્યો હતો.
પોરબંદરની પ્રતિષ્ઠિત અને 65 વર્ષથી પણ જુની, નિરંતર ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતી નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી કે.એચ. માધવાણી આર્ટ્સ એન્ડ કોમર્સ તથા બી.બી.એ. કોલેજ ખાતે નવી શિક્ષણ પદ્ધતિ અન્વયે પ્રથમ સત્રમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો સ્વાગત-અભિનંદન કાર્યક્રમ અત્યંત ઉત્સાહપૂર્વક યોજાઈ ગયો. આ સંસ્થામાં સરકાર દ્વારા નક્કી કરાયેલ તદ્દન નજીવી ફી લઈ વિદ્યાદાન અપાય છે.કાર્યક્રમના પ્રારંભે કોલેજના પ્રિન્સિપાલ ડો. ડી. જે. પરમાર, વાઇસ પ્રિન્સિપાલ ડો.એ.બી. સવજાણી તથા તમામ વિભાગીય અધ્યક્ષ તેમજ અધ્યાપકગણે નવપ્રવેશિત વિદ્યાર્થીઓનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.દરેક વિદ્યાર્થીઓનું આવકારના પ્રતીકરૂપે અભ્યાસકીટ અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.પ્રિન્સિપાલ ડો.ડી.જે. પરમારે માધવાણી કોલેજમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોની માહિતી આપી હતી.સાથે જ કોલેજના નીતિ-નિયમો, શિસ્ત તેમજ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટેની સંસ્થાની પ્રતિબદ્ધતા સમજાવી હતી.તેઓએ જણાવ્યું કે,કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોરબંદર શહેર તથા અન્ય શહેરોમાં સરકારી-બિનસરકારી ઉચ્ચ પદો પર કાર્યરત છે, જેનો કોલેજને ગર્વ છે. આ સુવર્ણ ઇતિહાસને આજના વિદ્યાર્થીઓ વર્તમાનમાં પરિવર્તિત કરવા સક્ષમ છે,એવું આહ્વાન કરતાં વિદ્યાર્થીઓમાં નવો ઉત્સાહ સંચારિત કર્યો હતો.ડો. એ.બી. સવજાણીએ હળવી શૈલીમાં જણાવ્યું કે માધવાણી કોલેજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. અભ્યાસક્રમની સાથે સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાઈ છે અને જિલ્લા તથા રાજ્યકક્ષાએ વિદ્યાર્થીઓ સિદ્ધિ મેળવે છે તેની વિસ્તૃત છણાવટ કરી હતી.
પ્રવર્તમાન સમયમાં અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે પણ કઠોર પરિશ્રમથી વિદ્યાર્થી પોતાની કારકિર્દી ઘડી શકે છે એવી શ્રદ્ધા વ્યક્ત કરી હતી. કોલેજના દરેક અધ્યાપક વિદ્યાર્થીને દરેક મોરચે માર્ગદર્શન આપવા તત્પર છે, એમ તેઓએ ઉમેર્યું હતું.ગુજરાતી વિભાગના અધ્યક્ષા હંસાબેન પરમારે ગુજરાતી ભાષા અને તેનો વારસો સાચવવા આહ્વાન કર્યું હતું. સંસ્કૃત વિભાગના અધ્યક્ષા ડો. હર્ષાબેન મદલાણીએ ‘ચિત્તના દોષનું હરણ કરે એ ગુરુ’ વાક્ય પ્રયોજી વિદ્યાર્થીઓના હિત માટે દરેક અધ્યાપક હંમેશા તૈયાર છે એ વાતને સમર્થન આપ્યું હતું.અંગ્રેજી વિષયના અધ્યક્ષા ડો.અનસુયા ચૌધરીએ જણાવ્યું કે કોલેજકાળ વિદ્યાર્થીઓ માટે જીવનપર્યંત ન ભૂલી શકાય એવો સમય છે અને આધુનિક યુગમાં કમ્યુનિકેશન સ્કિલનું મહત્ત્વ સમજાવી માર્ગદર્શન આપ્યું હતું.મેનેજમેન્ટ વિદ્યાશાખાના ઉપાધ્યક્ષા ડો.પારમિતા મહેતાએ બી.બી.એ. કોર્ષ અને મેનેજમેન્ટ વિષયની સર્વવ્યાપકતા અંગે માર્ગદર્શન આપી આજની જેન્ઝીપેઢીએ કઈ બાબતો અંગે સભાન રહેવું પડશે તે વિષય પર વિદ્યાર્થીઓને સભાન કર્યા હતા.અર્થશાસ્ત્ર વિભાગના અધ્યાપિકા તેમજ એન.એસ.એસ.ના પ્રોગ્રામ ઓફિસર ડો.લાખીબેન ઓડેદરાએ વિદ્યાર્થીઓને એન.એસ.એસ.માં જોડાઈ કોલેજના અભ્યાસ સાથે યુ.પી.એસ.સી., જી.પી.એસ.સી,જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરી
ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો. ત્યારબાદ અંગ્રેજી વિભાગના અધ્યાપક તથા પૂર્વ એન.સી.સી.ઓફિસર ડો.રામદે કારવદરા દ્વારા એન.સી.સી.અને સ્પોર્ટ્સ અન્વયે કોલેજમાં ચાલતા વિવિધ કાર્યક્રમો તેમજ તેમાં રહેલી કારકિર્દીની ઉજ્જવળ તકો વિશે નવા વિદ્યાર્થીઓને ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમાજશાસ્ત્રના અધ્યક્ષાએ વંદનીય ગાંધી બાપુનું ઉદાહરણ ટાંકી વિદ્યાર્થીઓને સરળતા સાથે સફળતા જીરવી અને જીવી જાણવી એવું આહ્વાન કર્યું હતું સાથે સામાજિક જીવન વિષયની સુસંગતતા પણ વણી લીધી હતી.સમગ્ર કાર્યક્રમનું સંયોજન અને સુંદર સંચાલન જાણીતા લેખક, કવિ અને સંસ્કૃત વિભાગના અધ્યાપક ડો. સ્નેહલ જોષીએ કર્યું હતું.તેઓએ યુવાનોને રસ પડે એવી શૈલીમાં ગઝલનું પઠન કર્યું હતું, જેને વિદ્યાર્થીઓએ તાળીઓના ગગડાટ સાથે વધાવી લીધું હતું.આ સમગ્ર પ્રવેશોત્સવ અંગે નવયુગ એજ્યુકેશન સોસાયટીના યુવા પ્રમુખ લક્ષ્મણભાઈ ઓડેદરાએ આ તકે સર્વે નવા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને શુભેચ્છા સંદેશમાં માધવાણી કોલેજના વિદ્યાર્થીઓ માટે તેઓ હરહંમેશા તત્પર છે તેવી ખાત્રી પણ આપી હતી. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ શિસ્ત, સંસ્કાર અને જ્ઞાન સાથે સંસ્થાના ગૌરવમાં વૃદ્ધિ કરવાનો સંકલ્પ લીધો હતો.
