સરકારી કચેરીના પરિસરમાં પ્રાણીઓના વધતા જતા આંટાફેરા રોકવા તંત્ર ક્યારે જાગશે?
પોરબંદરના જિલ્લા સેવા સદન ભવનમાં આવેલ સબ રજીસ્ટાર કચેરીમાં શ્વાન આંટાફેરા કરતો હોવાથી અરજદારોએ તેની તસવીર ક્લિક કરીને તંત્રનું ધ્યાન દોર્યું છે.
સરકારી કચેરીઓમાં વ્યવસ્થા અને સ્વચ્છતા જળવાય તે અપેક્ષિત હોય છે. પરંતુ આજે પોરબંદરની સબ રજીસ્ટર કચેરીમાં એક શ્વાન આવી પહોંચતા કર્મચારીઓ અને કામ માટે આવેલા લોકો ચોંકી ઉઠ્યા હતા.મળતી માહિતી મુજબ કચેરીના વેઇટિંગ હોલમાં અચાનક એક શ્વાન પ્રવેશી ગયો હતો. શ્વાન એકદમ ટેન્શનમાં હોય તેવા હાવભાવ સાથે ખુરશીઓની વચ્ચે ઊભો હતો. જાણે તે પણ ટોકન લેવા આવ્યો હોય અને “અધિકારી ખખડાવી નાખશે તો?” તેવા ભાવ તેના ચહેરા પર દેખાતા હતા. આ દ્રશ્ય જોઈને હાજર લોકો હસવા પણ લાગ્યા અને ચિંતા પણ વ્યક્ત કરી.સબ રજીસ્ટર કચેરીમાં રોજ સેંકડોની સંખ્યામાં લોકો જમીન, મકાનના દસ્તાવેજો અને અન્ય કાનૂની કામ માટે આવે છે. તેમાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકો પણ સામેલ હોય છે. આવી જગ્યાએ આ રીતે શ્વાનનો પ્રવેશ થવાથી લોકોની સલામતી અને સ્વચ્છતાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.સ્થાનિક લોકોએ માંગ કરી છે કે સરકારી કચેરીઓના દરવાજા પર સુરક્ષા કર્મીની વ્યવસ્થા કરવામાં આવે અને કચેરી પરિસરમાં પ્રાણીઓના પ્રવેશને રોકવા માટે જરૂરી પગલા લેવામાં આવે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કામ માટે આવતા લોકોને કોઈ તકલીફ ન પડે.હાલ કચેરીના અધિકારીઓ દ્વારા મામલાને ગંભીરતાથી લઈ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે.
