રાણપુર તાલુકામાં સરકારી યોજનાઓની કામગીરી ઝડપી કરવા કર્મચારીઓને સુચના

બોટાદ જિલ્લાના રાણપુર મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી, બરવાળા સંજય ચૌધરીના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં તાલુકાના વિવિધ શાસકીય વિભાગોના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકનો મુખ્ય હેતુ વિવિધ વિભાગો વચ્ચે વધુ સુમેળ અને સંકલન સ્થાપિત કરી સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સમયસર અને અસરકારક રીતે સામાન્ય નાગરિકો સુધી પહોંચે તેની સમીક્ષા કરવાનો હતો.બેઠક દરમિયાન મહેસૂલ, ગ્રામ વિકાસ, પંચાયત, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, સમાજ કલ્યાણ સહિતના વિવિધ વિભાગોની કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવતી વિવિધ યોજનાઓની હાલની સ્થિતિ, કામગીરીની પ્રગતિ તેમજ લોકો સુધી સેવાઓ પહોંચાડવામાં આવતી મુશ્કેલીઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.પ્રાંત અધિકારી સંજય ચૌધરીએ તમામ વિભાગોના અધિકારીઓને કામગીરીમાં પારદર્શિતા, જવાબદારી અને સમયબદ્ધતાને પ્રાધાન્ય આપવા સૂચના આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દરેક વિભાગ વચ્ચે સતત સંકલન જળવાઈ રહે તે જરૂરી છે, જેથી કોઈપણ યોજનાના અમલીકરણમાં વિલંબ ન થાય અને સામાન્ય પ્રજાને સરકારી સેવાઓ માટે ધક્કા ન ખાવા પડે.તેમણે અધિકારીઓને સરકારની માર્ગદર્શિકા મુજબ કામગીરી કરવા, પ્રજાના પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવવા તેમજ લોકોના પ્રશ્નોનું ઝડપી અને સંતોષકારક નિરાકરણ લાવવા પણ અનુરોધ કર્યો હતો. ઉપરાંત, વિવિધ વિભાગો વચ્ચે માહિતીની આપ-લે અને પરસ્પર સહયોગ વધારવા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.બેઠક દરમિયાન વિવિધ વિભાગોના અધિકારીઓએ પોતાની કામગીરી અંગે માહિતી આપી હતી તેમજ અમલીકરણ દરમિયાન આવતી સમસ્યાઓ અને તેના ઉકેલ અંગે ચર્ચા કરી હતી. આગામી સમયમાં સરકારની યોજનાઓ વધુ અસરકારક રીતે અમલમાં મૂકાય અને તાલુકાની પ્રજાને ઝડપી, સરળ અને પારદર્શક સેવાઓ મળી રહે તે માટે જરૂરી આયોજન અંગે પણ વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો.બેઠકના અંતે પ્રાંત અધિકારી સંજય ચૌધરીએ તમામ અધિકારીઓને ટીમભાવના સાથે કાર્ય કરવાની અપીલ કરી હતી અને સરકારની જનહિતલક્ષી યોજનાઓનો લાભ દરેક પાત્ર લાભાર્થી સુધી પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ રહેવા સૂચના આપી હતી. બેઠકમાં મામલતદાર કચેરીના અધિકારીઓ સહિત વિવિધ શાસકીય વિભાગોના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ