સબ ડિવીઝનને બ્રાંચકોડ પણ ફાળવાયો નહી: ગુજરાત પ્રદેશ ભાજપ ગૌસંવર્ધન સેલના કારોબારી સભ્યએ કરી ફરિયાદ
મજીવાણા સબડીવીઝનને બાયફર્ગેશન કરવા મુખ્યમંત્રીને રજૂઆત થઇ છે.સબડિવીઝનને બ્રાન્ચકોડ પણ ફાળવાયો નહી હોવાથી ગુજરાત પ્રદેશ ભાજપ ગૌસંવર્ધન સેલના કારોબારી સભ્યએ ફરિયાદ કરી છે.
ગુજરાત પ્રદેશ ભાજપ ગૌસંવર્ધન સેલના કારોબારી સભ્ય માલદેભાઇ કરશનભાઇ ઓડેદરાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી જણાવ્યુ છે કે પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના મજીવાણા ગામમાં 1.5 વર્ષ પહેલા કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે બગવદર સબ ડિવીઝનમાંથી મજીવાણા સબડિવીઝન મંજુર થયેલુ છે. આ મંજૂરી બાદ તરત આ ગામમાં પી.જી.વી.સી.એલ. ઓફિસ પણ ભાડે રાખવામાં આવેલ છે. તેમ છતાં પી.જી.વી.સી.એલની ટીમ દ્વારા મજીવાણા સબડીવીઝનને અલગ કરવામાં આવ્યુ નથી અને મજીવાણા સબડીવીઝનને બ્રાંચકોડ પણ આપેલ નથી. મારા દ્વારા પી.જી.વી.સી.એલ. મેનેજમેન્ટમાં ઘણી મૌખિક રજુઆતો અને લેટરો લખીને વિનંતિ કરવામાં આવેલ હોવા છતાં આ સબ ડિવીઝનને ચાલુ કરવામાં આવ્યુ નથી. આ લેટરોની કોપી ઇમેલ સાથે એટેચ કરેલી છે.
આ ઉપરાંત મજીવાણા સબ ડિવિઝનના ટેકનિકલ સ્ટાફ અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. જેના પરિણામે મજીવાણા સબડિવિઝન હેઠળ આવતા ફીડર ઉપર કોઇપણ જાતનું પ્રી મોન્સુનની કામગીરી થયેલ નથી. જેનું પરિણામ તા. 3-7-2026ના પ્રથમ સામાન્ય વરસાદમાં મળેલુ છે. ઉદાહરણ તરીકે તા. 2-7-2026ના રાત્રે 10 વાગ્યે બેકડ એ.જી. ફીડર ફોલ્ટમાં ગયુ હતુ. તે દરમિયાન મજીવાણા અને બગવદર સબડિવિઝનના એક જ બ્ર્રાંચ કોડ હોવાથી 42 ગામ વચ્ચે માત્ર 3 લોકોનો ટેકનિકલ સ્ટાફ હતો જેની ફોલ્ટ રીકવરી બીજા દિવસે બપોરે 11 વાગ્યે થયેલી છે. જેના આંકડા શીંગડા 66 કે.વી. સબ સ્ટેશનમાંથી મળી શકે છે.
ઉપરના વિષય અન્વયે મારી અરજ છે કે બગવદર સબ ડિવિઝનમાંથી મંજૂર થયેલા બાયફરગેશન મજીવાણા સબડિવિઝન તાત્કાલીક ચાલુ કરવામા આવે અને અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરેલા સ્ટાફને ફરીથી મજીવાણા સબડિવિઝનમાં સિફટ કરવામાં આવે છે. તેમ જણાવીને માલદેભાઇ કરશનભાઇ ઓડેદરાએ રજૂઆત કરી છે.
શીંગડા 66 કે.વી. સબસ્ટેશનમાં પણ એજ સમસ્યા
માલદેભાઇ કરશનભાઇ ઓડેદરાએ મુખ્યમંત્રીને બીજુ આવેદનપત્ર પાઠવ્યુ છે જેમાં જણાવ્યુ છે કે પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના શીંગડા ગામમાં આવેલ 66 કે.વી. સબ સ્ટેશનમાંથી નીકળતા 11 કે.વી. બેકડ એ.જી. ફીડર નું મંજૂર થયેલા બાયફરગેશનનુ કામ તાત્કાલિક ચાલુ ક રવા માંગ થઇ છે. પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના શીંગડા 66 કે.વી. સબસસ્ટેશનમાંથી નીકળતા 11 કે.વી. બેકડ એ.જી.નું બાયફરગેશન મંજૂર થયેલુ છે. તેના અનુસંધાન પ્રમાણે ‘જેટકો’ ટીમ દ્વારા નિયમ મુજબ 11 કે.વી. એચ.ટી. પેનલનું ઇન્સ્ટોલેશન જાન્યુઆરી મહિનામાં થયેલુ છે. પરંતુ પી.જી.વી.સી.એલ. ટીમ દ્વારા હજુ સુધી બાયફરગેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આ અગાઉ પણ પત્ર લખીને અને આ વિસ્તારના ખેડૂતોના સહીઓ દ્વારા વિનંતિ કરવામાં આવેલ હતી. પરંતુ પી.જી.વી.સી.એલ. ટીમ દ્વારા હજુ સુધીમાં કોઇ પગલા લેવામાં આવેલ નથી. આ ફીડરનુ બાયફરગેશનનુ કામ જો તાત્કાલિક ચાલુ કરવામાં નહી આવે તો આ વિસ્તારના તમામ નવા બાયફરગેશન ફીડરના ગ્રાહકો દ્વારા ગાંધી ચીંધ્યા રાહ પર આંદોલન કરવાની ફરજ પડશે તેની તમામ જવાબદારી મજીવાણા અને બગવદર પી.જી.વી.સી.એલ. સબ ડીવીઝનની રહેશે.
