મશીનરીને બદલે માણસોને કામે લગાડવામાં આવતા લાંબો સમય સુધી ચાલશે કામ: અન્ય ઝાડી ઝાંખરા પણ દુર કરવા થઈ માંગ
પોરબંદરના કર્લી જળાશયમાંથી ગાંડીવેલ દુર કરવાની કામગીરી શરૂ થઈ છે,પરંતુ હાથેથી કામ થઈ રહ્યું હોવાથી દિવસો સુધી કામ ચાલશે તેના બદલે મશીનરીથી કામ કરવા અને ઝાડી ઝાંખરા દુર કરવા પણ રજુઆત થઈ છે.
પોરબંદરમાં આવેલ કર્લી જળાશયમાં હાલમાં ગાંડી વેલ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે,જેને સ્થાનિકોએ આવકારી છે. જોકે સ્થાનિકોના જણાવ્યા મુજબ હાલના કોન્ટ્રાક્ટમાં જળાશયની અંદર અને આસપાસ આવેલા જાડી ઝાડી-ઝાંખરા દૂર કરવાની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો નથી.પરિણામે માત્ર ગાંડી વેલ દૂર કરવાથી જળાશયની સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ આવશે નહીં તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર જળાશયમાં ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા ગંદકી એકઠી થવાનું કારણ બને છે.ઉપરાંત મચ્છરો સહિત જીવજંતુઓનો ઉપદ્રવ વધવાની તેમજ વરસાદી પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થવાની શક્યતા રહે છે.આથી જળાશયની સંપૂર્ણ સફાઈ માટે ગાંડી વેલની સાથે જ ઝાડી-ઝાંખરા પણ દૂર કરવામાં આવે તે સમયની માંગ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
સ્થાનિક લોકોએ સંબંધિત વિભાગ અને તંત્રને રજૂઆત કરીને હાલની કામગીરીમાં જરૂરી ફેરફાર કરી જળાશયની સર્વાંગી સફાઈ હાથ ધરવા અપીલ કરી છે.કર્લી જળાશય સ્વચ્છ, સુરક્ષિત અને પર્યાવરણને અનુકૂળ બને તે માટે તંત્ર દ્વારા વહેલી તકે ઝાડી-ઝાંખરા દૂર કરવાની કામગીરીનો પણ સમાવેશ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં વ્યાપક માંગ ઉઠી છે.
