કુછડીના પ્રગતિશીલ ખેડુત પ્રાકૃતિક ખેતીના માધ્યમથી બન્યા સધ્ધર

ડ્રેગન ફ્રુટ સહિત ઉત્પાદનોનું પોરબંદરના અમૃત આહાર મોલ ખાતે કરી રહ્યા છે વેચાણ: લોકોને સ્વસ્થ બનાવવા માટે પ્રાકૃતિક ખેતી ઉપર મુક્યો ભાર

પોરબંદર નજીકના કુછડી ગામના ખેડુત પ્રાકૃતિક ખેતી દ્વારા સધ્ધર બન્યા છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવે તે માટે વિવિધ યોજનાઓ,તાલીમ, માર્ગદર્શન અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા પ્રેરણા આપવામાં આવી રહી છે.પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને ખેડૂતોને તેમની ઉપજ માટે યોગ્ય બજાર ઉપલબ્ધ બને તે માટે પણ રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્તરે અસરકારક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ જ દિશામાં એક ડગલું વધુ આગળ વધતાં, જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી પોરબંદરના એમ.જી. રોડ પાસે ’અમૃત આહાર મોલ’ શરૂ કરાયો છે, જેને પોરબંદરની જનતાનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ’ખેતરથી સીધું ખાનારના’ મંત્રને અનુસરીને આ મોલ ખાતે પ્રાકૃતિક કૃષિકારો દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી ઉગાડવામાં આવેલી વિવિધ ખેતપેદાશોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.’અમૃત આહાર મોલ’ જેવી પહેલ ખેડૂતોને તેમની પ્રાકૃતિક ખેતપેદાશોનું સીધું વેચાણ કરવાની તક પૂરી પાડી રહી છે, જેના કારણે ખેડૂતોને યોગ્ય ભાવ મળે છે અને ગ્રાહકોને ગુણવત્તાયુક્ત, કેમિકલમુક્ત તથા આરોગ્યપ્રદ ખોરાક વાજબી કિંમતે ઉપલબ્ધ બને છે. રાજ્ય સરકારનો આ અભિગમ ખેડૂતોની આવકમાં વધારો કરવા સાથે લોકોના આરોગ્યની સુરક્ષા અને ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવાનો છે.અમૃત આહાર મોલમાં ડ્રેગન ફ્રૂટનું વેચાણ કરવા આવતા, મૂળ કુછડી ગામના અને છેલ્લાં પાંચથી સાત વર્ષથી શાકભાજી સહિતના પાકોમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત રાકેશભાઈ થાનકી જણાવે છે કે, ખેતી તેમનો પારિવારિક વ્યવસાય છે.અગાઉ તેઓ પરંપરાગત અને પેસ્ટિસાઈડ આધારિત ખેતી કરતા હતા, પરંતુ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હવે તેઓ સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.
તેમણે જણાવ્યું કે આશરે દોઢ વીઘા જમીનમાં 450 જેટલા પોલ (થાંભલા) પર ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરવામાં આવ્યું છે. મગફળી જેવી પરંપરાગત ખેતીની સરખામણીએ બાગાયતી પાકોમાં વધુ સારું વળતર મળે છે. પ્રાકૃતિક ખેતીના શરૂઆતના વર્ષોમાં થોડો સંઘર્ષ કરવો પડે છે, પરંતુ ત્યારબાદ જમીનની ફળદ્રુપતા વધે છે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળવા લાગે છે.વધુમાં તેમણે જણાવ્યું કે, હાલ ઉનાળાની ઋતુમાં અંદાજે 450 ગ્રામ વજન ધરાવતાં ડ્રેગન ફ્રૂટ ઉપલબ્ધ થાય છે, જ્યારે ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી મળતાં તેનું વજન 900 ગ્રામથી વધુ પણ થાય છે. સામાન્ય બજારમાં ડ્રેગન ફ્રૂટનો ભાવ રૂ. 200થી રૂ. 250 પ્રતિ કિલો સુધી હોય છે, જ્યારે ’અમૃત આહાર મોલ’ ખાતે ગ્રાહકોને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને પ્રાકૃતિક રીતે ઉગાડાયેલું ડ્રેગન ફ્રૂટ માત્ર રૂ. 160 પ્રતિ કિલોના વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.
રાકેશભાઈ કહે છે કે,તેમનો મુખ્ય હેતુ માત્ર નફો મેળવવાનો નથી, પરંતુ લોકો સુધી કેમિકલમુક્ત ખોરાક પહોંચાડીને કેન્સર જેવી ગંભીર બિમારીઓ અંગે જાગૃતિ લાવવાનો છે. તેમણે તમામ નાગરિકોને ’અમૃત આહાર મોલ’ની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતીથી તૈયાર થયેલી ખેતપેદાશોની ખરીદી કરવા તેમજ અન્ય ખેડૂત ભાઈઓને પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરી
હતી.
ઉલ્લેખનીય છે કે,રાજ્ય સરકારના માર્ગદર્શન અને વિવિધ પ્રોત્સાહક પ્રયાસોના પરિણામે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ સતત વધી રહ્યો છે. ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે વિશ્વાસનો સેતુ બની રહેલા આવા પ્રયાસો ખેડૂતોની આવકમાં વધારો કરવા, લોકોને આરોગ્યપ્રદ ખોરાક ઉપલબ્ધ કરાવવા અને પર્યાવરણપ્રેમી કૃષિને પ્રોત્સાહન આપવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ